અમેરિકાના ટોપ-10 મોસ્ટડ વોન્ટેડનું લિસ્ટ જાહેર, અમદાવાદી ભદ્ગેશ પટેલનું નામ હૉટ લિસ્ટમાં

અમેરિકાના ટોપ-10 મોસ્ટડ વોન્ટેડનું લિસ્ટ જાહેર, અમદાવાદી ભદ્ગેશ પટેલનું નામ હૉટ લિસ્ટમાં

ગુજરાત સાથે જોડાયેલા એક ભદ્રેશ પટેલને લઇને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. અમેરિકાના ટોપ-10 મોસ્ટડ વોન્ટેડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતના ભદ્રેશ પટેલનું નામ લિસ્ટમાં છે. FBIની વેબસાઈટ પર ભદ્ગેશ પટેલનું નામ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

FBIની વેબસાઇટ પર ભદ્ગેશ પટેલના ફોટા સાથે નામ લિસ્ટમાં છે. તમને જણાવીએ કે ભદ્ગેશ પટેલે અમેરિકામાં તેની પત્નીની હત્યા કરી નાખી હતી. અમેરિકાના હેનોવરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. FBIની વેબસાઇટ પર જે ગુજરાતના ભદ્રેશ પટેલનું નામ છે, તે મૂળ વિરમગામ પાસેના કાતરોડી ગામનો વતની છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકાની ટોચની એજન્સી ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (FBI) ભારતીય ભાગેડુ ભદ્રેશ કુમાર પટેલને છેલ્લા ચાર વર્ષથી શોધી રહી છે. ભદ્રેશ પટેલ અમદાવાદ વિરમગામનો વતની છે. તેનું નામ FBIના ટોપ 10 મોસ્ટ વૉન્ટેડ ભાગેડુના લિસ્ટમાં સામેલ છે અને તેની બાતમી આપનારને સરકાર $1,00,000 એટલે કે અંદાજે રૂ. 70 લાખનું ઈનામ આપશે. FBIની દૃષ્ટિએ પટેલ એક કોલ્ડ-બ્લડેડ મર્ડરર છે અને ખૂબ જ ખતરનાક ગુનેગાર છે જેણે હેનોવરના ડંકિન ડોનટ્સ સ્ટોરમાં પોતાની યુવાન પત્નીની વિચિત્ર રીતે હત્યા કરી હતી.

ટોપ 10 મોસ્ટ વૉન્ટેડ લિસ્ટ સતત બદલાતુ રહેતુ હોય છે પરંતુ ભદ્રેશ પટેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગ્યા કરતો હોવાથી તેનું નામ FBIના 2019ના લિસ્ટમાં પણ છે. આ લિસ્ટમાં ખૂબ જ ખતરનાક ગુનેગારોના નામ શામેલ છે. પટેલનું નામ સૌથી પહેલા 2017ના ટોપ 10 લિસ્ટમાં આવ્યું હતું.

ભદ્રેશ પટેલે અમેરિકામાં કરેલા ગુના વિશે જણાવીએ તો, અમેરિકાના હેનોવરમાં 4 વર્ષ પહેલાં અમદાવાદના ભદ્રેશ પટેલે પોતાની પત્ની પલક પટેલની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હજુ ભદ્રેશ ઝડપાયો નથી, તેને શોધવા માટે અમેરિકન એમ્બેસીની એક ટીમ અમદાવાદ આવી હતી અને પલકના પરિવારને મળીને ભદ્રેશ ક્યાં હોઈ શકે તે જાણવા કોશિશ કરી હતી.

આ ઘટનાની વિગત એવી છે કે, નવા વાડજમાં રહેતી પલક (21 વર્ષ)નાં લગ્ન નવેમ્બર 2013માં ચેનપુર, ન્યુ રાણીપનાં ભદ્રેશ પટેલ (24 વર્ષ) સાથે થયા હતા. લગ્નના છ મહિના બાદ બંને અમેરિકા જતાં રહ્યાં હતાં અને હેનોવરનાં એક એપાર્ટમેન્ટમાં રહેવાનું શરું કર્યું હતું. આ દંપતીને ડંકીન ડોનટ્સ કંપનીમાં નોકરી મળી ગઈ હતી.

જો કે લગ્નનાં થોડા દિવસોમાં જ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. દરમિયાન 12 એપ્રિલ 2015ના દિવસે રાત્રે 10.30 કલાકે હેનોવરના એરૂનડેલ મિલ્સ બૌલ્વાર્ડ સ્થિત ડંકીન ડોનટ્સ કંપનીમાં ભદ્રેશે કિચન વિભાગમાં ઊભેલી પત્ની પલકને છરીનાં ચારથી પાંચ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.