ચુકાદો / જાતિ જન્મથી જ નક્કી થાય છે, લગ્નથી નહીં : મદ્રાસ હાઈકોર્ટ

ચુકાદો / જાતિ જન્મથી જ નક્કી થાય છે, લગ્નથી નહીં : મદ્રાસ હાઈકોર્ટ

ખ્રિસ્તી સાથે લગ્ન કરનાર દલિત મહિલાનો અધિકાર યથાવત્

પવનકુમાર, નવી દિલ્હીઃ મદ્રાસ હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું છે કે કોઈપણ વ્યક્તિની જાતિ જન્મથી જ નક્કી થાય છે, લગ્નના આધારે તે બદલાતી નથી. એસસી-એસટી એક્ટ હેઠળ વળતરનો દાવો ફગાવી દેવા સંબંધિત ડીંડીગુલ જિલ્લા મેજિસ્ટ્રેટના ચુકાદા વિરુદ્ધ એક મહિલાની અરજી અંગે હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો હતો. મારપીટ, દુર્વ્યવહાર, જાતિસૂચક શબ્દ કહેવા મામલે પીડિતાની વળતરની માંગણી ફગાવી દેતા જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે તેનો પતિ ખ્રિસ્તી છે આથી તે વળતર માટે હક્કદાર નથી. હાઈકોર્ટે આ આદેશને ફગાવી દેતાં કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટે છ સપ્તાહની અંદર દોઢ લાખનું વળતર પીડિતાને ચૂકવવાનું રહેશે. કોર્ટે કહ્યું કે પતિ ખ્રિસ્તી ધર્મનું પાલન કરે તેનો અર્થ એ નથી કે પત્ની પણ ખ્રિસ્તી થઈ જાય. સ્પષ્ટ છે કે મહિલાને વળતરથી વંચિત રાખવા કલેક્ટરે આવું વલણ અપનાવ્યું હતું.

આ અપમાનની વાસ્તવિક પરીક્ષા છે: જજ
જસ્ટિસ એન. આનંદ વેંકટેશની બેન્ચે કહ્યું કે આ મામલો અભાવ, આક્રોશ અને અપમાનની વાસ્તવિક પરીક્ષા છે. દલિત સમુદાય વર્ષોથી તેને સહન કરતો આવ્યો છે. બીજા ધર્મ કે જાતિની વ્યક્તિ સાથે લગ્ન કે ધર્મ પરિવર્તનને કારણે અનુસૂચિત જાતિમાં જન્મેલી તે વ્યક્તિને બહાર રાખી શકાય નહીં.