LoC / બંને દેશો વચ્ચે સંબંધો વધુ બગડ્યા, પાકિસ્તાને ભારતની દિવાળીની મીઠાઈ ન સ્વીકારી

LoC / બંને દેશો વચ્ચે સંબંધો વધુ બગડ્યા, પાકિસ્તાને ભારતની દિવાળીની મીઠાઈ ન સ્વીકારી

  • પાકિસ્તાન ISIએ પ્રોટોકોલ પ્રમાણે મીઠાઈનું સ્વાગત કર્યું પરંતુ પછી મીઠાઈનું બોક્સ પરત કરી દીધું
  • સીઝ ફાયર ઉલ્લંઘનના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચે વાતાવરણ ખરાબ

નવી દિલ્હી: દિવાળીના તહેવારો પહેલાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર ખેંચતાણનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેના જવાબમાં ભારતીય સેના દ્વારા પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ખેંચતાણની વચ્ચે દર વર્ષે દિવાળીમાં બોર્ડર પર જે મીઠાઈ એક્સચેન્જ થાય છે તે આ વખતે નથી થઈ.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રોટોકોલ અંતર્ગત દર વર્ષે ઈસ્લામાબાદમાં આવેલી ભારતીય હાઈ કમિશન દિવાળીમાં મહત્વની ઓફિસમાં મીઠાઈ મોકલે છે. પાકિસ્તાની ISIએ પ્રોટોકોલ અંતર્ગત મીઠાઈ સ્વીકારી લીધી અને ત્યારપછી તેને પરત કરી દીધી હતી.

નોંધનીય છે કે, ISI પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી છે અને પાકિસ્તાનની સત્તા-રણનીતિમાં તેનો દબદબો છે.

જોકે ઈસ્લામાબાદમાં ISI અથવા અન્ય અધિકારી નહીં પરંતુ બોર્ડર પર પાકિસ્તાની રેન્જર્સે પણ આ વખતે ભારત દ્વારા આપવામાં આવેલી મીઠાઈ સ્વીકારી નથી. જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછીથી જ બંને દેશો વચ્ચેના સંબંધો સારા નથી અને પાકિસ્તાન તરફથી સતત ભડકાઉ નિવેદન કરવામાં આવી રહ્યા છે.

પાકિસ્તાનની હરકતનો ભારતે આપ્યો જવાબ

આ સપ્તાહે પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરના તંગધાર જિલ્લામાં સીઝફાયર કરવામાં આવ્યું હતું. જેમાં જવાન અને સ્થાનિક રહેવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનની આ હરકતોનો ભારતીય સેના દ્વારા પીઓકેમાં આતંકી કેમ્પ પર હુમલો કરીને જવાબ આપવામાં આવ્યો હતો. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં ઘણાં આતંકી અને પાકિસ્તાની સેનાના જવાનના મોત થયા હતા.