અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા ખુશીના સમાચાર, ટ્રમ્પના પ્લાન પર ફરી વળ્યું પાણી

અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા ખુશીના સમાચાર, ટ્રમ્પના પ્લાન પર ફરી વળ્યું પાણી

અમેરિકાનાં ફેડરલ જજ દ્વારા ઇમિગ્રન્ટસ માટે ટ્રમ્પનાં ફરજિયાત હેલ્થ ઇન્સ્યોરન્સ નિયમનો અમલ રોકવામાં આવ્યો છે. ટ્રમ્પે નવી હેલ્થ કેર પોલિસી રજૂ કરી હતી જેમાં ઇમિગ્રન્ટસ પૈસા ન ચૂકવે તો તેને હેલ્થ કેરનાં લાભ આપવા પ્રતિબંધ મૂક્યો હતો. જજનાં આ આદેશને કારણે ટ્રમ્પ સરકારને વધુ એક ફટકો પડયો છે. ટ્રમ્પે નવી હેલ્થ કેર પોલિસીમાં એવી જોગવાઈ કરી હતી કે, ઇમિગ્રન્ટસે વિઝા મેળવવા હોય તો હેલ્થ વીમો લીધો છે અથવા તો મેડિકલ ખર્ચ માટે તે પૂરતા નાણાં ધરાવે છે તેવું પુરવાર કરવાનું રહેશે.

રવિવારથી અમલમાં આવનાર પોલિસી પર હાલ પાણી ફરી વળ્યું

પોર્ટલેન્ડ ઓરેની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનાં જજ માઇકલ સિમોને પોતાના આદેશમાં ટ્રમ્પની નવી હેલ્થ કેર પોલિસી સામે સ્ટે આપ્યો હતો. અમેરિકામાં કાનૂની ઇમિગ્રન્ટસની સંખ્યા ઘટાડવા માટે ટ્રમ્પ સરકારે નવી પોલિસી અમલમાં મૂકવાનું નક્કી કર્યું હતું. જો કે જજનાં આદેશને પગલે ટ્રમ્પની આ યોજના પર હાલ તરત તો પાણી ફરી વળ્યું છે. રવિવારથી જ ટ્રમ્પ સરકારની નવી હેલ્થ પોલિસી અમલમાં આવવાની હતી પણ જજે તેના પર દેશવ્યાપી હંગામી સ્ટે આપ્યો હતો. ટ્રમ્પ સરકાર દ્વારા 4 ઓક્ટોબરે આ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કોન્સ્લ્યુલર ઓફિસરને સ્કીમનો અમલ કરવા આદેશ અપાયો હતો.

અમેરિકનોનાં ટેક્સમાંથી સારવારનો ખર્ચ રોકવાનો ઇરાદો

ટ્રમ્પ સરકારની એવી દલીલ હતી કે, મોટાભાગનાં ઇમિગ્રન્ટસ દ્વારા હેલ્થ વીમો લેવામાં આવ્યો હોતો નથી. તેમની સારવારનો જંગી ખર્ચ અમેરિકનોએ તેમનાં ટેક્સમાંથી ચૂકવવો પડે છે. આથી ટેક્સ પેયર્સ પર બોજ બનવાને બદલે ઇમિગ્રન્ટસ જ તેમની સારવારનો ખર્ચો ચૂકવે તેવી વ્યવસ્થા ગોઠવવાની હતી.

પોલિસી સંપૂર્ણપણે ગેરકાનૂની

જસ્ટિસ એક્શન સેન્ટર, ઇનોવેશન લો લેબ તેમજ અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિયેશને એવી દલીલ કરી હતી કે આ પોલિસી સંપૂર્ણપણે ગેરકાનૂની છે જે ઇમિગ્રન્ટસને પૂરી ન શકાય તેવી હાનિ પહોંચાડનારી છે. ગયા મહિને યુએસ કોર્ટ દ્વારા ટ્રમ્પ સરકારનાં પબ્લિક ચાર્જ નિયમનો અમલ રોકવામાં આવ્યો હતો જેમાં પબ્લિક બેનિફિટ જેવા કે ફૂડ સ્ટેમ્પ તેમજ સબસિડીવાળું મકાન મેળવનાર લોકોને ગ્રીન કાર્ડ આપવાનો ઇનકાર કરાયો હતો.