ઘરમાં રહેલા સોનાની જાણકારી સરકારને આપવી પડશે હિસાબ ન બતાવી શકો તેટલા સોના પર ટેક્સ

ઘરમાં રહેલા સોનાની જાણકારી સરકારને આપવી પડશે હિસાબ ન બતાવી શકો તેટલા સોના પર ટેક્સ

કાળા નાણાંને અંકુશમાં લેવા નોટબંધી પછી બીજા મોટા પગલાંની સરકારની વિચારણા

અમદાવાદ: ઇન્કમટેક્સ સોના માટે એક એમ્નેસ્ટી સ્કીમ લાવે તેવી શક્યતા છે. મર્યાદા કરતા વધારે અને ચોપડે નોંધાયા વગરના સોનાની જાણકારી આપવી પડશે તેમજ સોનાની કિંમત સરકારને બતાવવી પડશે.
સોનાની કિંમત નક્કી કરવા વેલ્યૂએશન સેન્ટર પરથી સર્ટિફિકેટ લેવું પડશે
નોટબંધી પછી કાળા નાણાં પર અંકુશ માટે સરકાર બીજુ મોટું પગલું લેવા જઇ રહી છે. કાળા નાણાંથી સોનાની ખરીદી કરનારા પર લગામ તાણવા આ સ્કીમ લાવશે. એમ્નેસ્ટી સ્કીમ હેઠળ સોનાની કિંમત નક્કી કરવા માટે વેલ્યૂએશન સેન્ટર પરથી સર્ટિફિકેટ લેવું પડશે. ચોપડે ન નોંધાયેલા હોય તેવા સોના ઉપર નક્કી કર્યા મુજબ ટેક્સ આપવો પડશે. આ સ્કીમ એક ખાસ સમય મર્યાદા માટે ખુલ્લી મુકવામાં આવશે. સ્કીમ પૂરી થયા બાદ મર્યાદા કરતા વધારે સોના ઉપર સરકાર નક્કી કરે તેટલો દંડ આપવો પડશે. મંદિર અને ટ્રસ્ટ પાસે રહેલા સોનાનો પ્રોડક્ટિવ ઇન્વેસ્ટેમેન્ટ હેઠળ વપરાશ થઈ શકે તે માટે ખાસ નિયમો લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત સોનાને એસેટ કલાસનો દરજો આપવામાં આવી શકે છે. તેના માટે સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમને આકર્ષક બનાવા કેટલાક ફેરફાર કરવામાં આવશે. સોવરિન ગોલ્ડ બોન્ડ સર્ટિફિકેટને મોર્ગેજ કરવા માટેના વિકલ્પો પણ આપવામાં આવશે તેમજ ગોલ્ડ બોર્ડ બનાવામાં પણ આવે તેવી શકયતા છે. સોનાને પ્રોડક્ટ ઇનવેસ્ટેમેન્ટ તરીકે વિકસાવાની ગણતરીઓ છે. તેના માટે આઇઆઇએમના પ્રોફેસરની માહિતીના આધારે ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો છે.
નાણામંત્રાલયે પોતાનો પ્રસ્તાવ કેબિનેટને મોકલી આપ્યો
નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ અને મહેસૂલ ખાતાએ સંયુક્ત રીતે આ યોજના તૈયાર કરી છે. નાણાં મંત્રાલયે તેનો પ્રસ્તાવ કેબિનેટને મોકલ્યો છે અને ટૂંકમાં મંજૂરી મળશે. ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં જ કેબિનેટમાં તેની ચર્ચા થવાની હતી પરંતુ મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીને લીધે આ પ્રસ્તાવ પર કોઈ નિર્ણય છેલ્લી ક્ષણે મુલતવી રાખ્યો હતો.
સ્ત્રી-પુરુષ પાસેના સોનાની મર્યાદા નક્કી કરાશે
CA આશિષ ખંધારના જણાવ્યા અનુસાર ઇન્કમટેક્સ સર્વે અને દરોડા દરમિયાન જો પરિણીત મહિલા પાસેથી 500 ગ્રામ, અપરિણીત મહિલા પાસેથી 250 ગ્રામ તેમજ પુરૂષ પાસેથી 100 ગ્રામ સુધીના સોનાના દાગીના હોય ત્યા સુધી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તેને છૂટ આપે છે. આમ આટલી છૂટ સરકારના પરિપત્રમાં છે અને નવી સ્કીમમાં તેટલી જ છૂટ મળી શકે છે.