અમેરિકામાં આર્કટિક પવનોની હિમ આફત શિકાગોમાં ૧૨૦૦થી વધુ ફ્લાઇટ રદ થઈ

અમેરિકામાં આર્કટિક પવનોની હિમ આફત શિકાગોમાં ૧૨૦૦થી વધુ ફ્લાઇટ રદ થઈ

। ઓસ્ટિન, ટેક્સાસ ।

અમેરિકામાં ઉત્તર ધ્રુવનાં ઠંડા પવનો ફુંકાતા તેમજ ભારે બરફ વર્ષા થતાં ઉત્તરપૂર્વ અમેરિકાનાં અનેક શહેરો ઠંડાગાર થયા હતા. શિકાગોમાં સોમવારે ભારે હિમવર્ષા થઈ હતી પરિણામે બે એરપોર્ટ પરથી ૧૨૦૦ ફ્લાઇટને રદ કરવામાં આવી હતી.

શિકાગોના ઓહેર એરપોર્ટ ખાતે ૧૧૧૪ અને મિડવે ખાતે ૯૮ ફ્લાઇટ્સ રદ કરાઈ હતી. શિકાગોના રસ્તાઓ પર ક્યાંક અડધો ઈંચથી ૩ ઈંચ સુધી બરફ છવાયો હતો જ્યારે ઈન્ડિયાનામાં ૬ ઈંચ જેટલો બરફ છવાયો હતો. ઉત્તર અને પૂર્વ અમેરિકાનાં રાજ્યો અને શહેરોમાં પારો ગગડીને માઈનસની નીચે ગયો હતો. ૪૮ કલાકમાં ૪૦૦ જેટલા તાપમાનનાં રેકોર્ડ તૂટવાની આગાહી કરાઈ છે. ભારે બરફ વર્ષા થવાની શક્યતાને કારણે ટેક્સાસ, મેરીલેન્ડ અને દરિયાકાંઠાનાં કેટલાક રાજ્યોમાં ખેતીનાં પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

બુધવારે ઠંડીનો રેકોર્ડ તૂટવાની ધારણા

ફ્લોરિડા સિવાય મિસિસિપિ નદીનાં કાંઠાનાં વિસ્તારોમાં બુધવારે ઠંડીનો રેકોર્ડ તૂટવાની ધારણા છે. ખાસ કરીને ટેક્સાસથી પૂર્વ તરફ ઉપરનાં તમામ રાજ્યોમાં કોલ્ડવેવની અસર જોવા મળશે. આ વખતે સૂસવાટા મારતો ઠંડો પવન અને બરફવર્ષા ધારણા કરતા વહેલા શરૂ થયા છે તેથી પાકને ખરાબ અસર થશે. ન્યૂ યોર્ક અને નોર્ધન ન્યૂ ઈંગ્લેન્ડમાં ૬થી ૧૨ ઈંચ બરફ પડી શકે છે. ઓસ્ટિનમાં મંગળવારે ઓછામાં ઓછું નીચું તાપમાન ૪૬ ફેરનહીટ નોંધાયું હતું.

હિમવર્ષાને કારણે ૬૦ મિલિયન લોકોને અસર

હવામાન ખાતાના જણાવ્યા મુજબ હિમવર્ષાને કારણે ૬૦ મિલિયન લોકોને અસર થશે. ઈલિનોઈસમાં ૬ ઈંચ અને નોર્થ વેસ્ટ ઈન્ડિયાનામાં તેમજ સાઉથ વેસ્ટ મિશિગનમાં ૧૦ ઈંચ બરફ પડી શકે છે. ઈન્ડિયાના મિશિગન અને વેર્મોન્ટમાં એક ફૂટ કે તેથી વધારે બરફ પડી શકે છે. ડેનવરમાં રસ્તા પર બરફને કારણે કેટલાક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કેન્સાસમાં હાઈવે પર એક ટ્રક બરફને કારણે રસ્તા પર ઢસડાતા ૮ વર્ષની કિશોરી કેસી રાલ્સ્ટનનું મોત થયું હતું. મિશિગનમાં કેટલીક સ્કૂલો બંધ કરાઈ હતી જ્યારે સેન્ટ લુઈસમાં પણ અનેક સ્કૂલો બંધ કરવાની જાહેરાત કરાઈ હતી.