અમેરિકામાં ગોળીબાર : કેલિફોર્નિયામાં ચાર, ઓક્લાહોમામાં ત્રણ લોકોનાં મોત

અમેરિકામાં ગોળીબાર : કેલિફોર્નિયામાં ચાર, ઓક્લાહોમામાં ત્રણ લોકોનાં મોત

વંશીય ભેદભાવથી હુમલો થયાની આશંકા

કેલિફોર્નિયાની ઘટનામાં મૃતકો એશિયન મૂળના હોવાની પોલીસની સ્પષ્ટતા

લોસએન્જેલસ, ઓક્લાહોમા, તા. 18 નવેમ્બર, 2019, સોમવાર

અમેરિકામાં ગોળીબારની બે અલગ અલગ ઘટનાઓમાં કુલ સાત લોકોના મોત નીપજ્યાં છે. કેલિફોર્નિયામાં ઘરની પાછળ ટીવી પર ફૂટબોલ મેચ જોઈ રહેલા યુવાનો પર ગોળીબારની ઘટનામાં ચારનાં મોત નીપજ્યાં છે.

આ ઘટનામાં મૃતકો એશિયન મૂળના હોવાથી વંશીય હુમલાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. અન્ય એક ઘટનામાં ઓક્લાહોમાના વોલમાર્ટ સ્ટોરમાં સોમવારે સવારે થયેલા ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે.

કેલિફોર્નિયામાં એક ઘરમાં 35થી વધુ યુવાનો પાછળના ખુલ્લા ભાગમાં પાર્ટી કરવા માટે એકત્ર થયા હતા અને ટીવી પર સ્થાનિક ફૂટબોલ મેચ જોઈ રહ્યા હતા. આ સમયે એક હુમલાખોરે અચાનક ઘરમાં ઘૂસી જઈને યુવાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

ગોળીબારને પગલે ચાર યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં જ્યારે છ યુવાનોને ઈજા થઈ હતી. ગોળીબાર કર્યા પછી હુમલાખોર ભાગી છૂટયો હતો. હુમલાખોરની ઓળખ થઈ નથી, પરંતુ તે 25થી 35 વર્ષની વયનો હોવાનો અંદાજ છે.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે મૃત્યુ પામેલાં ચારેય યુવાનો એશિયન મૂળના છે. મિત્રો અને સગા-સંબંધીઓ વીક એન્ડમાં ફૂટબોલ મેચ જોવા મળ્યા હતા એ દરમિયાન આ હુમલો થયો હતો.

હુમલો વંશીય ભેદભાવ રાખીને થયો હોય એવી પૂરી શક્યતા છે. બીજી એક ઘટનામાં ઓક્લાહોમાના ડંકન શહેરમાં આવેલા વોલમાર્ટ સ્ટોરમાં સોમવારે ગોળીબારમાં 3 લોકોના મોત નીપજ્યાં હતાં. અધિકારીઓએ જણાવ્યું કે સવારે 10 વાગ્યે વોલમાર્ટમાં ગોળીબાર થયો હોવાના સમાચાર મળ્યા હતા.

એક અહેવાલ મુજબ વોલમાર્ટના પાર્કિંગમાં ગોળીબાર થયો હતો. એક કારમાં બે પુરૂષ અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યા હતા. ડંકન પોલીસના જણાવ્યા મુજબ ગોળીબારની ઘટના પછી તકેદારીના ભાગરૂપે શહેરની બધી જ પબ્લિક સ્કૂલોને બંધ કરી દેવાઈ હતી. જોકે, પાછળથી પોલીસના આદેશ પછી સ્કૂલો ફરી શરૂ કરી દેવાઈ હતી.