મોદી સરકારનો આદેશ- મોબાઈલ નંબર RC બુક અને ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે લિંક કરવો ફરજિયાત

મોદી સરકારનો આદેશ- મોબાઈલ નંબર RC બુક અને ડ્રાઈવિંગ લાઈસન્સ સાથે લિંક કરવો ફરજિયાત

  • વાહન રજિસ્ટ્રેશન માટે હવે મોબાઈલ નંબર ફરજિયાત બનશે
  • કેન્દ્રીય  માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા આ અધિસૂચના જાહેર કરવામાં આવી

નવી દિલ્હી: હવે વાહનોના દસ્તાવેજો એટલે કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી), ડ્રાઈવિંગ લાઈસન્સ (ડીએલ), પોલ્યૂશન સર્ટીફિકેટને મોબાઈલ નંબર સાથે લિંક કરવા ફરજિયાત બનાવવામાં આવશે. આ નિયમ એક એપ્રિલ 2020થી લાગુ થશે. આ મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એક અધિસૂચના જાહેર કરીને લોકોના સૂચન માંગવામાં આવ્યા છે.

આ મામલે 30 દિવસની અંદર એટલે કે 29 ડિસેમ્બર સુધી લોકો તેમના સૂચન માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને મોકલી શકશે. આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે બુધવારે કેન્દ્રીય કેબિનેટે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને મંજૂરી આપી છે. આ બિલનો હેતુ પબ્લિક અને પ્રાઈવેટ કંપનીઓ માટે પર્સનલ ડેટાને રેગ્યુલર કરવાનો છે.

માનવામાં આવે છે કે, વાહનના દસ્તાવેજો સાથે માલિકનો મોબાઈલ નંબર લિંક હોવાથી ગાડી ચોરાઈ હોય ત્યારે માહિતી મેળવવામાં સરળતા રહે છે. વાહન દસ્તાવેજો સાથે મોબાઈલ નંબર લિંક હોવાથી ગાડી ચોરાયા સમયે, ખરીદ-વેચાણમાં અંકુશ લગાવવામાં મદદ મળે છે.

વાહન ડેટા બેસમાં મોબાઈલ નંબર નોંધાયેલા હોવાથી જીપીએસ સિવાય મોબાઈલ નંબરની મદદથીકોઈ પણ વ્યક્તિનું લોકેશન પણ મેળવી શકાય છે. તેમાં પણ ખાસ કરીને રોડ એક્સિડન્ટ, ગુનો કર્યા પછી પોલીસ તે વ્યક્તિની તુરંત જાણ મેળવી શકે છે. તે જ સાથે કેન્દ્ર સરકાર અને અન્ય સરકારી સંસ્થાઓ પાસે દરેક વાહન અને ડ્રાઈવિંગ લાઈસન્સનો સમગ્ર ડેટા, મોબાઈલ નંબર સહિત બધી માહિતી હશે. જો જરૂર પડશે તો પોલીસ, આરટીઓ અને અન્ય એજન્સી સરળતાથી વાહન ચાલક અથવા તેના માલિકનો સંપર્ક કરી શકે છે. જ્યારે મોટા શહેરોમાં ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટને લાગુ કરવામાં આવી શકે છે.