લક્ષચંડી મહાયજ્ઞ / દરરોજ એક લાખ લિટર દૂધ આવશે, 20 લાખ ભક્તો માટે ચા-કોફી બનશે, 700 સ્વંયસેવકો વિતરણ કરશે

લક્ષચંડી મહાયજ્ઞ / દરરોજ એક લાખ લિટર દૂધ આવશે, 20 લાખ ભક્તો માટે ચા-કોફી બનશે, 700 સ્વંયસેવકો વિતરણ કરશે

  • ઊંઝા ખાતે 18મીથી 22 ડિસેમ્બર સુધી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન
  • યજ્ઞશાળા સૌથી આકર્ષણનું કેન્દ્ર, 24 વીઘા જમીન પર તૈયાર કરાઈ
  • 25 વીઘા જમીનમાં 18 હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ

અમદાવાદ: ઊંઝા ખાતે 18મીથી 22 સુધી લક્ષચંડી મહાયજ્ઞ યોજાવવાનો છે. આ મહાયજ્ઞ 800 વીઘા જમીન પર થવાનો છે. યજ્ઞ માટે 24 વીઘા જમીન પર યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. વાંસના લાકડામાંથી યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. આ મહાયજ્ઞમાં હાજરી આપવા આવનારા ભાવિ ભક્તો માટે ચા અને કોફીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ચા કોફી માટે ઉમિયાનગરમાં પાંચ સ્ટોલ લગાડવામાં આવ્યા છે. ઉપરાંત ઉમિયા બાગ અને ગંજબજાર ટાવર પાસે પણ ચા-કોફીની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેમાં દરરોજ એક લાખ લિટર દુધમાંથી 20 લાખથી વધુ ભક્તો માટે ચા અને કોફી બનાવવામાં આવશે. તેનું વિતરણ કરવા માટે 700થી વધુ સ્વંયસેવકો કામે લાગશે.

યજ્ઞશાળામાં 3500 વ્યક્તિ અને 700 ભૂદેવ બેસી શકશે
લક્ષચંડી મહાયજ્ઞ 800 વીઘા જમીન પર યોજાવવાનો છે. આ મહાયજ્ઞમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર યજ્ઞશાળા છે જે 24 વીઘા જમીન પર તૈયાર કરવામાં આવી છે. આ યજ્ઞશાળામાં 108 યજ્ઞકુંડ અને 1100 પાટલા ગોઠવવામાં આવ્યા છે. યજ્ઞશાળામાં એકસાથે 3500 વ્યક્તિ અને 700 ભૂદેવ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. યજ્ઞશાળામાં 3000થી વધુ વાસના થાંભલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 10000થી વધુ વાસ અને 25 હજાર કિલો સુતરડીનો ઉપયોગ કરીને જમીનથી 81 ફૂંટ ઊંચી યજ્ઞશાળા બનાવવામાં આવી છે. આમ માત્ર લાકડાના ઉપયોગ કરીને જ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે.

સાંસ્કૃતિક કમિટીમાં 200 સ્વયંસેવકો, 60થી વધુ મહિલાઓનો પણ સમાવેશ
25 વીઘા જમીનમાં 18 હજાર પ્રેક્ષકો બેસીને સાંસ્કૃતિક કાર્યકમ જોઈ શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. સાંસ્કૃતિક કમિટીના ચેરમેન સહિત 200 જેટલા સ્વંયસેવકો પણ સેવા આપશે, જેમા 60 જેટલી બહેનોનો સમાવેશ થાય છે. સતત ચાર દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં સંખ્યાબંધ કલાકારોના પણ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જુદા-જુદા દિવસે વિશેષ થીમ આધારિત કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. આ કાર્યક્રમો નિહાળી શકે તે માટે પણ અલાયદી બેઠક વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.