અમદાવાદ / રાયપુર પતંગબજારમાં 1 કિમીના પટ્ટામાં 24 કલાકમાં 70 હજાર લોકોની ખરીદી

અમદાવાદ / રાયપુર પતંગબજારમાં 1 કિમીના પટ્ટામાં 24 કલાકમાં 70 હજાર લોકોની ખરીદી

  • રવિવાર રાતથી સોમવારે મધરાત પછી પણ શહેરનાં વિવિધ બજારોમાં પતંગ-દોરી ખરીદનારા ઊમટ્યા
  • શહેરના સૌથી મોટા રાયપુર પતંગબજારમાં નાની-મોટી મળી અંદાજે 700 દુકાનમાં છેલ્લી ઘડીની ખરીદી માટે લોકોની લાઈનો 

અમદાવાદ: અમદાવાદના સૌથી મોટા રાયપુર પતંગ બજારના 1 કિલોમીટરના પટ્ટામાં 24 કલાકમાં 70 હજાર લોકોએ 700 જેટલી નાની-મોટી દુકાનોમાંથી ખરીદી કરી હતી. દરેક દુકાનોમાં લાંબી લાંબી લાઈનો મધરાત સુધી જોવા મળી હતી. આ વર્ષે ઉત્તરાયણ પૂર્વે રવિવાર હોવાથી તેની મધરાતે અને સોમવારની મધરાતે અંદાજે 50 હજારથી વધુ લોકો રાયપુર બજારમાં ખરીદી માટે ઊમટ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે. જ્યારે સોમવારે દિવસ દરમિયાન પણ 15થી 20 હજાર લોકોએ ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું છે.
સતત 24 કલાકમાં ખરીદદારોની મોટી સંખ્યામાં ભીડ ઊમટી હોવાને કારણે રાયપુરને જોડતાં આસ્ટોડિયા સર્કલ, ન્યૂ ક્લોથ માર્કેટ, કાંકરિયા બિગ બજાર સહિતના વિસ્તારો સુધી 1થી 2 કિલોમીટરનો ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. ખરીદી માટે આવેલા લોકોએ પતંગો ફાટી ન જાય તે માટે માથે ઊંચકીને લઈ જવા પડ્યા હતા. પરોઢિયે 4 વાગ્યા સુધી આ ખરીદી ચાલી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. કાલુપુર ટંકશાળ ખાતેના 1 કિલોમીટરના પટ્ટામાં પણ અંદાજે 300થી 400 દુકાનોમાં 15 હજારથી વધુ લોકોએ ખરીદી કરી હતી. આ સિવાય પણ દિલ્હી દરવાજા, જમાલપુર સહિત શહેરના અન્ય વિસ્તારોમાં પણ મોડી રાત સુધી ખરીદી ચાલી હતી.
રોડ પર પતંગ ઉડાડવા-પકડવા પર પ્રતિબંધ
પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ બહાર પાડેલા જાહેરનામા અનુસાર કોઈપણ વ્યક્તિ અન્યને ઈજા થાય તેવી રીતે કે રોડ પર દોડીને પતંગ પકડી શકશે નહીં. જાહેરનામાનો ભંગ કરનારા સામે ફોજદારી કાયદાની કલમ 188 હેઠળ કાર્યવાહી કરાશે. આ જાહેરનામું 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.
બપોરે 3 સુધી પવન ઓછો રહી શકે છે
ઉત્તરાયણને દિવસે પવનની દિશા અને ઝડપ સારી રહે તેવું પતંગરસિયા ઇચ્છે છે. પરંતુ, મંગળ‌ારે સવારના 6થી બપોરના 3 વાગ્યા સુધી 3થી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન રહેવાની શક્યતા છે. પતંગ ચગાવવા માટે કલાકના 10થી 14 કિલોમીટરની ઝડપનો પવન આદર્શ કહેવાય. આમ પતંગ રસિયાઓએ બપોર સુધી પતંગ ચગાવવા ઠુમકા મારવાની મહેનત કરવી પડે તેવી શક્યતા છે. બપોરે 3 વાગ્યા પછી પવનની ઝડપ વધવા સાથે પતંગબાજીની ખરી મજા માણી શકાશે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલ જણાવે છે કે, 15મીએ પણ પવનની ગતિ મંદ રહી શકે છે.
હોસ્પિટલમાં 24 કલાક સારવાર મળશે
14 અને 15 જાન્યુઆરી ઉત્તરાયણમાં દોરીથી તેમજ ધાબા પરથી પટકાઈ ઘાયલ થતાં લોકોની સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં રાઉન્ડ ધી ક્લોક નિષ્ણાત ડોક્ટરોની ટીમ, સ્ટાફ ઉપલબ્ધ રહેશે. સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જી.એચ. રાઠોડ, સોલા સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર.અેમ. જીટિયા જણાવે છે કે, અોર્થોપેડિક, સર્જરી, ઇઅેનટી અને ન્યુરોસર્જરી અને ફિઝિશિયન ડોક્ટરોને 24 કલાક હાજર રહેવા તાકીદ કરાઈ છે.
ઘાયલ પક્ષીની સારવાર માટે 100 ડોક્ટર
શહેરમાં ઉતરાયણના પર્વ નિમિતે રાજ્ય સરકારના કરૂણા અભિયાન પ્રોજેકટ હેઠળ નાની મોટી 50 સંસ્થાના 2થી 3 હજાર વોલન્ટીયર ઘાયલ પક્ષીની સારવારમાં જોડાશે. આ ઉપરાંત 100 વેટરનરી ડોક્ટર અને 100 વાહન, શહેરમાં 10 સારવાર કેન્દ્ર અને 70 રિસ્પોન્સ સેન્ટર પણ શરૂ કરાયા છે. પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર અને તેમના રેસ્ક્યૂનું કામ 10થી 20 જાન્યુઆરી સુધી ચાલશે.
એનિમલ હેલ્પલાઇન નંબર

રાજ્યનો એનિમલ હેલ્પલાઇન1962
વાઇલ્ડ લાઇફ કેસ સેન્ટર(ફોરેસ્ટ)થલતેજ7600009845,46
જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, આંબાવાડી9924418184
સર્વ ધર્મ રક્ષક ટ્રસ્ટ, નવરંગપુરા9376144559
નમો નમો પરિવાર ,વાસણા9829410101
પારેવડા ગ્રુપ બાપુનગર7041473787
સંવેદના ફાઉન્ડેશન, શાહીબાગ9327630170