બેન્કોને 20 હજાર કરોડનો ચૂનો લગાવી વિદેશ ભાગનારા 72માંથી 12 ગુજરાતી

બેન્કોને 20 હજાર કરોડનો ચૂનો લગાવી વિદેશ ભાગનારા 72માંથી 12 ગુજરાતી

। અમદાવાદ ।

દેશભરની બેન્કોમાંથી ૨૦૧૫થી અત્યાર સુધી કરોડો રૂપિયાની લોન લઈને ચુકવણા નહીં કરનારા દેશના ૭૨ કૌભાડીઓમાં ૧૨ ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જે પૈકી ૮ની સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરી દેવાઈ છે. લોકસભામાં વિદેશમંત્રાલયે આપેલી માહિતી મુજબ બેન્ક લોન લઈને દેશ છોડીને ભાગી ગયેલાઓને પકડવા માટે ઈડી અને સીબીઆઇ જેવી તટસ્થ એજન્સીઓ સંયુક્ત તપાસ કરી રહી છે અને રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરાઈ છે. જે ગુજરાતીઓએ બેન્કોને ચૂનો ચોપડયો છે તેની બેન્ક લોનની રકમ અંદાજે ૨૦ હજાર કરોડથી પણ વધુ થાય છે.

નીરવ મોદીનો રૂ. ૬,૮૦૦ કરોડનો કાંડ  

નીરવ મોદી મૂળ અમદાવાદનો છે અને મુંબઇમાં રહીને ડાયમંડના હવાલા પાડવાનું કામ કરે છે. નીરવ મોદીના ઇશારે જતીન મહેતાની વિનસમ ડાયમંડ કંપનીમાં ડાયમંડ આવ્યા છે તેવું બતાવીને વિનસમ ગ્રૂપના જતીન મહેતા ડાયમંડની ડિલિવરીના પેમેન્ટના નામે તબક્કાવાર બેન્કોમાંથી લોન મેળવી રહ્યા હતા. વિનસમ ડાયમંડ નીરવ મોદીને સપ્લાય કરે છે તેવું ચોપડે બતાવીને બંનેએ ભેગા મળીને બેન્કોમાંથી ખોટી રીતે લોન મેળવી ગયા છે.

૮,૧૦૦ કરોડનું સ્ટર્લિંગ બાયોટેકનું કૌભાંડ ચેતન સાંડેસરા આ કેસમાં વોન્ટેડ

સ્ટર્લિંગ બાયોટેકના ગુજરાતના સૌથી મોટા બેન્ક કૌભાડમાં ચેતન સાંડેસરા, દીપ્તિ ચેતન સાંડેસરા અને નીતિન સાંડેસરા મુખ્ય છે. ત્રણેયમાં માસ્ટર માઇન્ડ ચેતન સાંડેસરા છે. જેની સામે રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરી દેવાઈ છે. સાંડેસરા બ્રધર્સની સાથે હિતેશ નરેન્દ્ર પટેલ પણ સહભાગી છે. સ્ટર્લિંગની કંપનીઓમાં સહભાગી તરીકે કામ કરતો હિતેશ પટેલ પણ વોન્ટેડની યાદીમાં છે. આમા ચેતન સાંડેસરાને કોર્ટે વોન્ટેડ જાહેર કર્યો છે અને તેના નામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી છે.

બેન્ક લોન કૌભાંડી ૭૨ પૈકી ગુજરાતના આ ૧૨  

૧.વિજય રેવાભાઈ પટેલ

૨.સુનીલ રમેશભાઈ રૂપાણી

૩.જતીન મહેતા

૪.આશિષ જોબનપુત્રા

૫.પ્રીતિ આશિષ જોબનપુત્રા

૬.નીરવ મોદી

૭.નિશેલ મોદી

૮.અમી મોદી

૯.મેહુલ ચોક્સી

૧૦.ચેતન સાંડેસરા

૧૧.દીપ્તિ ચેતન સાંડેસરા

૧૨.નીતિન સાંડેસરા

જોબનપુરા દંપતીનું ૮૦૪ કરોડનું કૌભાંડ

અમદાવાદમાં સી.જી.રોડ પર નિકુંભ કોમ્પ્લેક્સમાં એબીસી કોસ્ટસ્પિન પ્રાઇવેટ લિમિટેડના નામે કોટન અને કેસ્ટલ ઓઇલનો ધંધો બતાવીને એક્સ્પોર્ટના ખોટા બિલો બતાવીને એસબીઆઇ ,રાજકોટના ગોંડલની બ્રાન્ચ અને બેન્ક ઓફ બરોડમાંથી તબક્કાવાર ૮૦૪ કરોડની લોન લીધી હતી. આ લોન લેવા માટે આશિષ જોબનપુત્રાએ એક્સ્પોર્ટના બોગસ બિલો બનાવ્યા હતા. બેન્ક અધિકારીઓઓ દસ્તાવેજોનું કોઈ વેરિફિકેશન કર્યું નહતું. પોતાની જ કંપનીમાં પત્નીને ડાયરેક્ટર તરીકે રાખી હતી અને બેન્ક લોનના નાણાં મુંબઇ અને અમેરિક ડાયવર્ટ કરાતા હતા. નવી દિલ્હી ઈડીએ અમદાવાદમાં જીએસટીના દરોડા અને સીબીઆઇના કેસ બાદ દરોડા પાડયા હતા. તા.૨૫ મે .૨૦૧૮ના રોજ ઈડીએ આશિષ જેાબનપુત્રાની સી.જી.રોડની ઓફિસ ઉપરાંત મુંબઇ નરિમાન પોઇન્ટ ખાતે એક મિલકત ટાંચમાં લીધી હતી.