તૈયારી / અમદાવાદમાં ટ્રમ્પના મેગા શૉમાં આગલી હરોળમાં મુસ્લિમ-વ્હોરા સમુદાયના લોકો રહેશે

તૈયારી / અમદાવાદમાં ટ્રમ્પના મેગા શૉમાં આગલી હરોળમાં મુસ્લિમ-વ્હોરા સમુદાયના લોકો રહેશે

  • CAAના વિરોધની વચ્ચે વિશ્વ સમુદાયને જોવા મળશે સમૃદ્ધ ભારતની છબી
  • દેશમાં અને અમેરિકા, દુબઈ અને અન્યત્ર વસતા લઘુમતી સમાજના લોકો, ઉદ્યોગપતિ, વેપારીઓને આમંત્રિત કરાશે
  • લઘુમતી મોરચાના નેતા કામે લાગ્યા

ગાંધીનગર: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત અને અમદાવાદની સંભવિત મુલાકાત પૂર્વે આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં દેશમાં સીએએના કાયદા વિરુદ્ધ ચાલી રહેલા દેખાવોનો ઉલ્લેખ થઇ રહ્યો છે. આવાં સંજોગોમાં હવે કેન્દ્ર સરકાર આંતરરાષ્ટ્રીય સમુદાયનો ભારત સરકાર માટેનો અભિગમ બદલાય તે હેતુથી અમદાવાદમાં યોજાનારા ટ્રમ્પના અભિવાદન સમારોહમાં મુસ્લિમ બિરાદરોની નોંધપાત્ર હાજરી રહે તેવું આયોજન કરી રહી છે.
મુસ્લિમ સમુદાયના લોકો ટ્રમ્પ અને મોદીનું અભિવાદન કરતાં નજરે પડશે
ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં યોજાનારા કેમ છો ટ્રમ્પના કાર્યક્રમમાં અગ્રીમ હરોળમાં જ મુસ્લિમ સમુદાયના લોકોને સ્થાન અપાશે. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાયના લોકો ટ્રમ્પ અને મોદીનું અભિવાદન કરતાં નજરે પડશે. દેશ અને દુનિયાભરમાં વસતા ભારતીય મુસ્લિમ સમુદાયના લોકોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરાશે.
અમેરિકા, દુબઇ અને અન્યત્ર વસતા મુસ્લિમ સમુદાયના લોકો આવશે
ખાસ કરીને ગુજરાતનો વ્હોરા સમાજ ગુજરાતના અમદાવાદ, દાહોદ, સૂરત, વડોદરા, રાજકોટ અને અન્ય નગરોમાં વસે છે. તે ઉપરાંત મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી અને કાશ્મીરમાં વસતા મુસ્લિમ નાગરિકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવું આયોજન કરાયું છે. ભાજપના લઘુમતી મોરચાના નેતાઓ તથા મુસ્લિમ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને આ માટે જવાબદારી સોંપાશે તેઓ ભારત ઉપરાંત અમેરિકા, દુબઇ અને અન્યત્ર વસતા મુસ્લિમ સમુદાયના લોકોની હાજરી માટે આ કાર્યક્રમમાં તમામ વ્યવસ્થા કરશે.
આંતરરાષ્ટ્રીય માધ્યમોના પ્રતિનિધીઓ પણ હાજર રહેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ યોજાયે તે સમયે પણ મુસ્લિમ સમુદાયના લોકો તે સ્થળે હાજર હતા. સીએએનો વિરોધ મોટાપાયે રાજકીય પીઠબળવાળો હોવાથી ઘણાં મુસ્લિમો તેની અસર બહાર પણ છે. શિક્ષિત અને વેપારીવર્ગ આ કાયદાને લઇને કોઇ પ્રતિક્રિયા આપી રહ્યો નથી તેથી ટ્રમ્પના અભિવાદન સમારોહમાં તેમની હાજરી ભારત સરકાર માટે હકારાત્મક છબિ ઊભી કરશે. આ સમારોહમાં અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય માધ્યમોના પ્રતિનિધીઓ પણ હાજર રહેશે તેથી તેનો પ્રચાર પણ દેશ-વિદેશમાં થશે જે ભારત સરકારની નીતિને હકારાત્મક અને મજબૂત રીતે રજૂ કરશે.
એક લાખની પબ્લિક ભેગી કરવા જિલ્લા કલેક્ટરોને આદેશ
ગુજરાત સરકારે ટ્રમ્પના અભિવાદન સમારોહમાં ક્રીમ ક્રાઉડ ભેગું કરવા માટે સરકારે જિલ્લા તંત્રોને આદેશ આપ્યો છે. હાલ તૈયારીના ભાગરૂપે પણ જિલ્લા કલેક્ટરોએ પોતાના વિસ્તારમાંથી એવાં લોકોને લઇ આવવાના રહેશે કે જેઓ જિલ્લાના ઉદ્યોગ, શિક્ષણ કે સામાજિક ક્ષેત્રે આગળ હોય અથવા જેમના પરિજનો અમેરિકા સ્થાયી થયા હોય. આ તમામ લોકોના આવવા-જવા, રોકાવા કે જમવાની વ્યવસ્થા પણ અમુક સ્વૈચ્છિક સંગઠનોને ઉપાડી લેવા માટે જિલ્લા તંત્રએ જ વ્યવસ્થા કરવાની રહેશે.
દોઢથી બે કલાકનો કાર્યક્રમ પણ પીવાના પાણી સિવાય અન્ય કોઇ વ્યવસ્થા નહીં કરાય
ટ્રમ્પ અને મોદીના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવવાના છે તથા દોઢથી બે કલાકનો આ કાર્યક્રમ રહેશે. પરંતુ અહીં આવનારા કોઇપણને સાથે ખાવાનો સામાન લાવવાની પરવાનગી નહીં મળે. આ ઉપરાંત સ્થળ ઉપર પણ ખાવા-પીવાના સ્ટોલ્સ રાખવામાં નહીં આવે. જો કે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા અહીં કરાશે.
આવતા અઠવાડીયે રિહર્સલ યોજાઈ શકે
ટ્રમ્પના આગમન પૂર્વે આવતા અઠવાડિયે જ અમદાવાદમાં બન્ને નેતાઓના પસાર થવાના રસ્તા પર ટ્રાફિક અને કાફલાના પસાર થવા માટેનું એક રિહર્સલ યોજાય તેવી સંભાવના છે. મોટેરા સ્ટેડિયમની આસપાસ મેટ્રો રેલનું કામ ચાલું છે અને તેથી ટ્રાફિકને પસાર થવામાં પણ અડચણ આવે તેવી શક્યતા હોવાથી અગાઉથી જ અમુક રીહર્સલ કરવામાં આવશે.