અમદાવાદમાં લાખ્ખો લોકો મારું સ્વાગત કરશે : ટ્રમ્પ

અમદાવાદમાં લાખ્ખો લોકો મારું સ્વાગત કરશે : ટ્રમ્પ

। વોશિંગ્ટન ।

ભારતની મુલાકાત માટે અતિઉત્સાહી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે, મારી હમણા જ પીએમ મોદી સાથે ટેલિફોન પર વાત થઈ છે. તેમણે મને જણાવ્યું હતું કે, અમદાવાદમાં લાખો ભારતીયો તેમના સ્વાગત માટે તૈયાર છે.

વ્હાઈટ હાઉસમાં તેમને અમદાવાદની મુલાકાત વિષે પૂછવામાં આવતાં તેમણે મજાકિયા સૂરમાં જણાવ્યું હતું કે, ”હા, હું જવાનો છું. મેં હમણાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી. એમણે કહ્યું કે, લાખ્ખોના લાખ્ખો લોકો આવશે. જ્યારે અહીં ગઈકાલે અમારી એક જાહેર સભામાં ૪૦-૫૦ હજાર લોકો આવે છે, જેનાથી મને કંઈ ખાસ ખુશી નથી થતી. જ્યારે ત્યાં (ભારતમાં) માત્ર એરપોર્ટથી સ્ટેડિયમ સુધી જ રોડ શોમાં  લાખ્ખોની સંખ્યામાં લોકો ઊમટવાના છે. અને આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી વિશાળ સ્ટેડિયમ છે. લગભગ બની જ ગયું છું. એ મારો દોસ્ત છે અને ગ્રેટ જેન્ટલમેન છે ! હું ત્યાં જઈ રહ્યો છું. અને ત્યાં જવા માટે હું ખૂબ જ ઉત્સુક છું.” ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સાથે ક્યાં તો સાચો વેપાર કરાર થશે ક્યાં તો કરાર જ નહીં થાય. પરંતુ જો કરાર નહીં થાય તો તેની મારા પ્રવાસ પર કોઈ અસર નહીં પડે. ભારત સાથે સાચો વેપાર કરાર થશે તો અમે તે કરવા ઉત્સુક છીએ.

૨૪મીએ બપોરે ૪ વાગ્યે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તથા અમેરિકાના પ્રથમ મહિલા નાગરિક ટ્રમ્પનાં પત્ની મેલેનિયા અમદાવાદમાં આવી રહ્યા છે, તા.૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીની ભારત મુલાકાત છે પરંતુ વિધિવત્ રીતે હજુ એ જાહેર કરાયું નથી કે, ગુજરાતના અમદાવાદ શહેરમાં ક્યારે આવશે, અલબત્ત, આધારભૂત સૂત્રોનું માનીએ તો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪મી ફેબ્રુઆરીએ બપોરે ચાર વાગ્યે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. મહાનુભાવોની અમદાવાદ મુલાકાતને લઈ તંત્ર તડામાર તૈયારીમાં જોતરાઈ ગયું છે, બીજી તરફ ભાજપના સંગઠનને પણ માનવમેદની એકત્ર કરવા માટે ટાર્ગેટ અપાઈ ચૂક્યા છે, ભાજપે અમદાવાદ-ગાંધીનગર સહિતના ૧૪ શહેર-જિલ્લાના કાર્યકરોને મોટેરાના કાર્યક્રમ માટે, મોટેરા ખાતે ૨૪મી ફેબ્રુઆરીના સવારે ૧૦.૩૦ વાગ્યે પહોંચી જવાની સૂચનાઓ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પની મુલાકાતને પગલે અમેરિકાની ટોચની એજન્સી યુએસ સિક્રેટ સર્વિસની ટીમ અમદાવાદમાં આવી પહોંચવાની છે, જેમાં મોટેરા સ્ટેડિયમની સુરક્ષા સંદર્ભે ઝીણવટભરી સમીક્ષા કરશે.

ટ્રમ્પ વસ્ત્રાપુરની હોટેલ હયાતમાં રોકાશે

વસ્ત્રાપુરની હોટેલ હયાત અને આશ્રમ રોડની હયાત રિજન્સીમાં ૨૨ થી ૨૬ કોઈપણ વ્યક્તિ માટે બુકિંગ બંધ કરવામાં આવ્યા છે. ઓનલાઈન કે ફોન પર હોટેલ દ્વારા બુકિંગ લેવાતા નથી. બહારની કોઈપણ વ્યક્તિ માટે બંને હોટેલમાં એક પણ રૂમ ઉપલબ્ધ નથી તેવું સાઈટ પર દર્શાવાયું છે. આનો અર્થ એવો કરી શકાય કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદના પ્રવાસ દરમિયાન વસ્ત્રાપુરની હોટેલ હયાતમાં રોકાણ કરશે. જ્યારે તેમનો સ્ટાફ આશ્રમ રોડની હયાતમાં રહેશે. અગાઉ ચીનના પ્રમુખે પણ આ હોટેલમાં રોકાણ કર્યું હતું.

કયો રૂટ અપનાવો એ છેલ્લી ઘડીએ નક્કી થશે

શહેર પોલીસ સહિતની એજન્સીઓ રસ્તાના અને હવાઇ માર્ગે એમ એ, બી, સી ત્રણ બંદોબસ્તની સ્કિમ બનાવશે. આ ત્રણે સ્કીમમાંથી ક્યા રસ્તે જવું તે છેલ્લા સમય સુધી ગુપ્ત રાખવામાં આવે છે અને તેમાં પણ પ્રેસિડેન્ટની સિક્યુરિટી માટે જવાબદાર સિક્રેટ સર્વિસિઝ આ અંગે છેલ્લી ઘડીએ ફાઈનલ કરશે. સિક્રેટ સર્વિસિઝની એક ટીમ અગાઉથી આવી આમ આની સઘળી વિગતોની આગોતરી ચકાસણી કરશે. તમામ સ્કીમ અંગે શહેર પોલીસ અને એજન્સીઓએ તૈયારી રાખવાની રહેશે. ટ્રમ્પ આવશે તે દિવસે તમામ ફ્લાઇટો પણ ડાઇવર્ટ કરવામાં આવશે.

૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રીપ્રમુખ અમદાવાદમાં આવશે ત્યારે સુરક્ષા થ્રી લેયરમાં તૈયાર રહેશે. તેમાં પણ અલગ અલગ રસ્તા અને હવાઇ માર્ગ એમ અલગ અલગ એ,બી,સી એમ ત્રણ પ્રકારની સ્કિમ તૈયાર કરવામા આવશે. આ તમામ સ્કિમ અને પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત તૈનાત રહેશે. જોકે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અંગે સૌથી વધુ થ્રેટ હોવાના કારણે તેમને સૌથી વધુ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. તેના જ કારણે તેમના છેલ્લા સમયના નિર્ણય અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે. ટ્રમ્પ અમદાવાદ આવ્યાના ગણતરીના સમયમાં જ કયા રસ્તે સ્ટેડિયમ જશે તે નિર્ણય યુએસ માર્શલના ચીફ લેશે.

૩ કિલોમીટર સુધી નોટિસો આપી યાદી તૈયાર કરી

અમેરિકાના પ્રમુખ આવતા હોવાથી લાખો લોકો અમદાવાદમાં આવવાના છે. તેની તૈયારીના ભાગ રૂપે એરપોર્ટ, ગાંધી આશ્રમ અને સ્ટેડિયમ આસપાસના ૩ કિલો મીટર સુધીના વિસ્તારમાં જેટલા લોકો રહે છે તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. રોજ ૫૦૦થી વધુ લોકોને નોટીસ આપી તેમની વિગતો ભેગી કરવામાં આવી રહી છે. તેમના ડેટા અમેરિકાની એજન્સીઓ પણ સાથે રાખશે. ઘરમાં કેટલા લોકો છે અને શુ કામ ધંધો કરે છે સહિત તમામ માહિતીની યાદી તૈયાર થઇ રહી છે. જે ભાડે રહે છે તેના ભાડા કરાર ન કર્યા હોય તો તેના વિરુદ્ધમાં ગુના નોધવા અથવા તો તેમને કરાર કરાવવાની તૈયારી થઇ રહી છે.

એસપીજી ૧૪મીએ એક ટુકડી આવશે  એસપીજીના એક ઉચ્ચ અધિકારી બે દિવસ પહેલા જ શહેરમાં આવી મિટિંગો લઇ તૈયારી કરવાની સૂચનો આપીને ગયા છે. તેવામાં ફરી એક વાર ૧૪મી ફેબ્રુઆરીએ એસપીજીની ટીમ શહેરમાં આવશે અને ફરી તૈયાર થયેલી બંદોબસ્તની સ્કીમ સહિતની તૈયારીઓની સમીક્ષા કરી નકશા પણ મેળશે.

ભારત વિકસિત અર્થતંત્ર હોવાથી જીએસપીના લાભ નહીં મળે : અમેરિકાની સાફ વાત

અમેરિકાની ટ્રેડ ઓફિસે જણાવ્યું છે કે ભારત એક વિકસિત અર્થતંત્ર છે તેથી વિકાસશીલ દેશોને અમેરિકા દ્વારા અપાતા લાભ મેળવવાપાત્ર નથી. ટ્રમ્પની મુલાકાત પહેલાં અમેરિકી ટ્રેડ ઓફિસના આ સંકેતે ભારતને ફરી અમેરિકાની જીએસપી સ્કીમ અંતર્ગત વિકાસશીલ દેશોને અપાતા લાભ મળે તેની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જૂન ૨૦૧૯માં ભારતને જીએસપી અંતર્ગત મળતા લાભ રદ કરી દીધાં હતાં.

ટ્રમ્પની ભારત મુલાકાતથી બંને દેશ વચ્ચેના સંબંધ મજબૂત બનશે : પીએમ મોદી

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પની પ્રથમ ભારત મુલાકાત માટે હું ઘણો ઉત્સાહિત છું. ટ્રમ્પની ભારત મુલાકાત બંને દેશ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવશે. ભારત મોંઘેરા મહેમાનોની યાદગાર મહેમાનગતિ કરશે. આ મુલાકાત વિશેષ છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધ ફક્ત બંને દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્ત્વના છે. ભારત અને અમેરિકા લોકતાંત્રિક અને વૈવિધ્યતાને પ્રતિબદ્ધ છે. બંને દેશ વ્યાપક મુદ્દાઓ પર સહકાર સાધી રહ્યાં છે. બંને દેશ વચ્ચેની મિત્રતાથી ન કેવળ બંને દેશને પરંતુ સમગ્ર વિશ્વને લાભ થશે.

ટ્રમ્પના આવશે ત્યારે રસ્તા પર ઢોર છૂટા મૂકવા માલધારીઓની ચીમકી

ગીર, બરડા અને આલેચના માલધારીઓ પાસે રહેલો આદિવાસીનો દરજ્જો જાળવી રાખી ST સર્ટી. માન્ય ૪૩ દિવસથી સત્યાગ્રહ છાવણીમાં આંદોલન ચાલી રહ્યું છે. તેને સમેટી લેવા સરકાર દ્વારા ચાલી રહેલા દબાણભર્યા પ્રયાસો વચ્ચે ૨૪મી ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રેસિડેન્ટ ડ્રોનાલ્ટ ટ્રમ્પ અમદાવાદ આવશે ત્યારે માલાધારીઓના ઢોરઢાંખર રસ્તા પર છૂટા મૂકીને વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી બુધવારે આંદોલનકારીઓએ આપી હતી.

ડીજી ઓફિસમાં મિટિંગ, યુએસ એમ્બેસીના અધિકારી પણ હાજર

અમેરિકાના પ્રમુખ આવે તે પહેલા રાજ્યના ડીજીપીએ અમદાવાદ શહેર, આઇબી સહિતની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની મીટીગ લીધી હતી. જેમાં ટ્રમ્પના આગમન અંગે ચર્ચા અને સિક્યુરિટી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટીંગમાં યુએસ એમ્બેશીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જોકે સ્ટેડિયમ પર રોજ બરોજ યુએસ એમ્બેશીના અધિકારીઓ સતત હાજર રહી તમામ કામગીરી પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.

બસમાં આવતા લોકો સમયસર પહોંચે તે માટે કંટ્રોલરૂમમાંથી ટ્રેકિંગ કરાશે 

સાબરમતીનાં મોટેરા સ્ટેડિયમમાં ટ્રમ્પ-મોદીનાં કાર્યક્રમમાં બહારગામથી આવનારા લોકો સમયસર પહોંચે તેને માટે ગાંધીનગરમાં ખાસ કંટ્રોલ રૂમ ઊભો કરાઈ રહ્યો છે. હાલમા ગાંધીનગરમા સેકટર ૧૯મા સર્વ શિક્ષા અભિયાનનો કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે.આ જ રુમનો ઉપયોગ ટ્રમ્પ મોદીના કાર્યક્રમના કંટ્રોલ રુમ તરીકે કરાશે.આ કંટ્રોલ રૂમ માટે બનાવયેલી કમિટીની જવાબદારી એક સિનિયર IAS અધિકારીને સોંપાઈ છે.આ કંટ્રોલ રૂમની મુખ્ય જવાબદારી બહારગામથી આવતા લોકાને સમયસર કાર્યક્રમના સ્થળ સુધી પહોંચાડવાની રહેશે.  કંટ્રોલ રૂમમાંથી જ અધિકારીઓ વિવિધ જિલ્લામાંથી આવનારી બસોનું ટ્રેકિંગ કરશે.કુલ ૨૦૦૦ જેટલી બસો આવવાની છે.દરેક બસમાં એક પ્રતિનિધિ હશે.કંટ્રોલ રૂમ આવી તમામ બસોના ડ્રાઈવરો અને પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં રહેશે.જેને લઈને કંટ્રોલ રુમમાંથી જ જાણી શકાશે કે કઈ બસ ક્યાં પહોંચી છે.જો કોઈ બસને સમસ્યા ઉભી થશે તો કંટ્રોલ રુમના અધિકારીઓ દવારા તમામ પ્રકારની મદદ કરશે.  આ કંટ્રોલ રૂમમાં ST તથા ગુજરાત પોલિસના અધિકારીઓને તૈનાત રખાશે.આવી રહેલી બસો મોટેરા સ્ટેડિયમ સધી પહોંચાડવા માટે તેઓ કો ઓર્ડિનેટરનુ કામ કરશે. તેઓને પોતાની જવાબદારી સંદર્ભમા આ અંગેનો અહેવાલ પણ તૈયાર કરવાનો રહેશે.આ કંટ્રોલ રૂમ ૨૧થી ૨૫ ફેબ્રુઆરી સુધી કાર્યરત રહેશે.

૧૪મીએ આસારામ આશ્રમમાં સેંકડો ઊમટશે, પણ કમિશનર અંધારામાં

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી ૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના છે ત્યારે તેમની સુરક્ષા માટે અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ દુષ્કર્મના કેસમાં કસૂરવાર ઠરેલા અને રાજસ્થાનમાં જેલવાસ ભોગવી રહેલા આસારામના મોટેરા ખાતેના આશ્રમમાં ૧૪મીએ માતા-પિતા દિવસની ઉજવણી પેટે દેશમાંથી અનેક લોકો ઊમટી પડવાના છે તેનાથી સર્જાનારા ભય-જોખમ સામે શહેરના પોલીસ કમિશનર સાવ અંધારામાં જ હોય તેવો ઘાટ છે. જે મોટેરામાં ટ્રમ્પ-મોદી સમારોહ માટે સેંકડો પોલીસ ખડકાઈ રહી છે, સામાન્ય લોકોના ઘરમાં કટેલા લોકો રહે છે અને બહારથી આવેલા લોકોની પણ માહિતી તૈયાર કરવામાં આવી છે પરંતુ આ જ મોટેરામાં આવેલા આસારામ આશ્રમમાં આવતા લોકો અંગે શહેર પોલીસ કમિશનરે કોઈ જ જાતની તપાસ કે ચકાસણી કરવાની તસ્દી સુદ્ધાં લીધી નથી.

શહેરના ગાંધીઆશ્રમ અને મોટેરા સ્થિત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોવાથી આસપાસના ૩ કિલો મીટરમાં આવેલા તમામ ઘરે પોલીસ સર્ચ કરી રહી છે. તેમના ઘરના સભ્યો કેટલા, શુ કામ-ધંધો કરી રહ્યા છે અને વેપારીઓ સહિત તમામ માહિતી એકઠી કરવા પોલીસ સતત લોકોના ઘરમાં જઈ તપાસ કરી રહી છે અને નોટિસો આપી યાદી તૈયાર કરી રહી છે.

બીજી તરફ, મોટેરા ખાતે જ આવેલા આસારામ આશ્રમમાં ૧૪મી ફેબ્રુઆરીએ માતા-પિતા દિવસની ઉજણી થઈ રહી છે તેમાં દેશમાંથી લાખો લોકો આવવાના છે. બહારના રાજ્યમાંથી આવેલા અનેક લોકો આશ્રમમાં રોકાશે ત્યારે તેમની તથા હાલ આશ્રમમાં રહેતા લોકોની વિગતો પણ પોલીસ ન મેળવી હોવાની આસપાસના લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આ અંગે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર સહિત એજન્સીઓ પણ અજાણ હોવાનું બહાર આવ્યું છે. સામાન્ય રીતે પરપ્રાંતીય હોય કે સ્થાનિક વ્યક્તિ હોય તેના ડેટા પણ અમેરિકા સુધી જઈ રહ્યા છે તો આ કાર્યક્રમ પર કોઈની નજર ન પડતા સિક્યુરિટી અંગે અનેક તર્ક વિતર્ક ઊઠી રહ્યા છે.

પ્રેસિડેન્ટ ટ્રમ્પના કાફલામાં જેટ પ્લેન સિવાય ૬ અન્ય વિમાનો

  • સિક્રેટ સર્વિસના એજન્ટો અગાઉ તપાસ કરી ગયા હતા.
  • પ્રેસિડેન્ટ માટે તેમનું સત્તાવાર જેટ પ્લેન આવશે. તે સિવાય અન્ય ૬ પ્લેન આવશે.
  • ટ્રમ્પની મુલાકાતના સ્થળ અને રૂટથી ૧૫ મિનિટના અંતરે એક હોસ્પિટલ રહેશે.
  • દરેક હોસ્પિટલમાં એજન્ટ અને અમેરિકન ડોક્ટરની ટીમ હાજર રહેશે.
  • મોટેરા સ્ટેડિયમ અને ગાંધી આશ્રમની મુલાકાત સંદર્ભે તૈયારીઓને આખરી ઓપ
  • ૧૩ ફેબ્રુઆરીએ સુરક્ષાની ચકાસણી બાદ સિક્રેટ એજન્ટ મુલાકાતના આઠ દિવસ અગાઉ ફરી ચકાસણી કરશે અને ટ્રમ્પની મુલાકાત સુધી રોકાશે.
  • ટ્રમ્પના ટ્રાન્સપોર્ટેશનમાં જેટ પ્લેન સિવાય હેલિકોપ્ટર, કાર હશે.
  • સિક્રેટ સર્વિસ એજન્સના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ અન્ય એજન્ટો સંભાળશે.
  • ટ્રમ્પની અવર-જવર સમયે હાઈ-વે અને અન્ય રસ્તાઓ બંધ કરાશે. અન્ય વાહનો ચાલી ન શકે તે માટે મોટરકેડ મુકાશે.

સ્ટેડિયમમાં મેદની એકત્રિત કરવા ભાજપનો વિસ્તાર પ્રમાણે ટાર્ગેટ

ટ્રમ્પની અમદાવાદ મુલાકાત સમયે મોટેરા સ્ટેડિયમમાં મેદની એકત્રિત કરવા ભાજપે જિલ્લાવાઈઝ એક લાખ બે હજાર કાર્યકરોને ૨૪મીએ સવારે ૧૦:૩૦ વાગે મોટેરા સ્ટેડિયમમાં હાજર રહેવા આદેશ કર્યો છે.