ગુજરાતી પરિવારે ટેલિફોનિક બેસણું યોજ્યું, સ્પષ્ટ કહ્યું, રૂબરૂ આવવાની જરૂર નથી

ગુજરાતી પરિવારે ટેલિફોનિક બેસણું યોજ્યું, સ્પષ્ટ કહ્યું, રૂબરૂ આવવાની જરૂર નથી

મૂળ ગુજરાતના બોટાદના પરંતુ મુંબઈ સ્થાયી થયેલા શાંતાબેન ઝાંઝરુકિયાનું 88 વર્ષની વયે છઠ્ઠી ફેબ્રુઆરીએ નિધન થયું હતું, જોકે શાંતાબહેનના દીકરાઓએ આજના ભાગદોડના યુગના સમયનો તકાજો જાળવીને ટેલિફોનિક બેસણાનું આયોજન કર્યું હતું,

બેસણાની જાહેરાતમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, આજના વ્યસ્ત સમયમાં અને દોડાદોડીના જમાનામાં લોકો પાસે સમય ન હોવાના કારણે અમારા પરિવારે માતૃશ્રાીનું બેસણું ટેલિફોનિક પદ્ધતિથી રાખવાનું નક્કી કર્યું છે, દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે માત્ર ફોન કરીને ટેલિફોનિક બેસણામાં હાજર રહી શકો છો, જૂની પ્રથા અને જૂના રિવાજમાંથી નવી દિશા તરફની પહેલમાં સૌએ સહકાર આપવો જોઈએ, સાથે જ નોંધ કરીને જણાવાયું હતું કે, બેસણામાં રૂબરૂ આવવાની જરૂર નથી, ટેલિફોનિક મુલાકાત એ રૂબરૂ મળ્યા સમાન છે.

ટેલિફોનિક બેસણાની આ નવી રસમની જાહેરાત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી, સ્વ. શાંતાબહેનના દીકરા જીતેન્દ્ર ઝાંઝરુકિયાએ જણાવ્યું હતું કે, આમ તો સગા-સંબંધીઓમાં લાગણી બધાને હોય છે, જોકે માત્ર મોઢું દેખાડવા ખાતર લોકો મોટી સંખ્યામાં દૂર દૂરથી આવતાં હોય છે, જેના કારણે લોકોના સમયની બરબાદી થાય છે, અમે મોઢું દેખાડવાની પ્રથા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે, કેટલાક એવા પણ હોય છે કે, માત્ર બે મિનિટ હાથ મિલાવવા માટે આવતાં હોય છે, અને પછી બહાર નીકળી દુનિયાભરની વાતોમાં મગ્ન બની જતાં હોય છે, આમ અમે ખોટી પ્રથા દૂર કરવા પ્રયાસ કર્યો છે. ગુજરાતમાં દોઢસો જેટલા ફોન આવ્યા હતા.