વાહ રે AMC! ટ્રમ્પના આગમન પહેલા રસ્તા ગંદા ન થાય તે માટે પાનની દુકાનો સીલ કરી

વાહ રે AMC! ટ્રમ્પના આગમન પહેલા રસ્તા ગંદા ન થાય તે માટે પાનની દુકાનો સીલ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ અમેરિકાથી સીધા અમદાવાદ આવીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે સ્ટેડિયમમા યોજાનારા ભવ્ય કાર્યક્રમની તર્જ ‘નમસ્તે ટ્રમ્પ’ રહેશે. AMCના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર મુકવામાં આવેલ પોસ્ટ પરથી આ જાણકારી મળી છે. આ ઉપરાંત સત્તાવાર જાહેરાત ન કરવામાં આવી હોવા છતાં ટ્રમ્પ 24મી તારીખે અમદાવાદ આવશે એ નક્કી થયું છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના આ કાર્યક્રમમાં સવા લાખ લોકો ઉપસ્થિત રહેવાના છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફસ્ટ લેડી મેલેનિયા અને PM મોદી ૨૪મીએ શહેરની મુલાકાતે આવશે. આ વીવીઆઇપી મુલાકાત અંગે શનિવારે અમદાવાદ કંટ્રોલ ડિસીપી વિજય પટેલે સુરક્ષા અંગેની માહિતી આપતાં જણાવ્યુ કે, ‘નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ’ અને 22 કિ.મી રોડ શોના પગલે 25 IPS, 65 ACP, 200 PI, 800 PSI, 400 TRB જવાન અને 1200 ટ્રાફિક પોલીસ સહિત કુલ 10,000 કરતા વધુ પોલીસનો કાફલો બંદોબસ્તમાં તૈનાત રહેશે.

ટ્રમ્પને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાશે. સ્ટેડિયમથી 1.50 કિ.મી.ના વિસ્તારમાં કુલ 28 પાર્કિંગ પ્લોટ બનાવાયા છે. સ્ટેડિયમમાં પાણીની બોટલ, બેગ, ખાવા પીવાની ચીજ વસ્તુઓ પ્રતિબંધ મુકાયો છે. કાર્યક્રમના 3 કલાક પહેલા આમંત્રિત 1.20 લાખ લોકોને પ્રવેશ અપાશે. બે વખત ચેંકીગ કરાશે. જેમાં 120 ડોગ ફ્રેમ મેટલ ડિટેક્ટર મશીન અને 250 હેન્ડ હેન્ડલ મેટલ ડિટેક્ટર મશીન દ્વારા ચેંકીગ કરાશે. અઢીથી ત્રણ કલાક જેટલા સમયમાં એક DFMD મશીનથી એક હજાર જેટલા લોકોનું સ્કેનિંગ કરાશે.

ટ્રમ્પના આગમન પહેલા શહેરમાં રહેલ ઝુપડપટ્ટીને સંતાડવા માટે દિવાલ ઉભી કરી દેવામાં આવી છે. હવે જાણકારી મળી છે કે, ટ્રમ્પના રસ્તામાં કૂતરા, બિલાડી, નીલગાય આવે નહી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. માત્ર આટલું જ નહી પાનની દુકાનોને પણ સીલ મારવામાં આવશે. જેથી લોકો દિવાલોને લાલ ન કરી દે.

અમદાવાદ એરપોર્ટ અને સ્ટેડિયમ તરપ જતો એક કિલોમીટરનો રસ્તો નીલ ગાયો વાળો વિસ્તાર છએ. તેને પહોંચી વળવા માટે વન વિભાગ સાથે વાત કરવામા આવશે. વીવીઆઇપી રૂટથી (લગભગ 2.75 કિલોમીટર વિસ્તાર) કૂતરાને કેવી રીતે દૂર રાખવામાં આવે આ માટે એએમસી ઢોર-કૂતરાને ઉપદ્રવને નિયંત્રણમાં રાખનાર વિભાગ તેના માટે વિશેષ ટીમ બનાવશે.

દેશના બાકી વિસ્તાર માફક પાનમસાલા ગુજરાતમા પણ ખાવામાં આવે છે. લોકો અહિંયા પણ રસ્તામાં થૂકીને તેને લાલ કરવામાં પાછળ નથી. પરંતુ ટ્રમ્પના પ્રવાસ સુધી અમદાવાદમાં આવું કરવું મુશ્કેલ બની રહેશે. એરપોર્ટથી સ્ટેડિયમ વચ્ચે રસ્તા અને દિવાલો સાફ રહે તે માટે એએમસીએ શુક્રવારે એરપોર્ટ સર્કલ પર આવેલ પાનની ત્રણ દુકાનોને સીલ મારી દીધુ છે. દુકાનદારને એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો દુકાનનું સીલ ખોલશો તો તેમના વિરૂદ્ધ એક્શન લેવામાં આવશે. જોકે પાનમસાલાની દુકાનોને સીલ મારવાનું સીધુ કનેક્શન ટ્રમ્પના પ્રવાસ સાથે છે કે નહી તે સાફ થઇ શક્યુ નથી. પરંતુ તેને આગામી ઓર્ડર સુધી સીલ જ રાખવામાં આવશે.