15 કરોડ મુસ્લિમો 100 કરોડ હિન્દુઓ ઉપર ભારે પડશે : વારિસ પઠાણનું ઉશ્કેરણીજનક નિવેદન

15 કરોડ મુસ્લિમો 100 કરોડ હિન્દુઓ ઉપર ભારે પડશે : વારિસ પઠાણનું ઉશ્કેરણીજનક નિવેદન

ઓવૈસીના પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તાની ટિપ્પણીથી વિવાદ

અત્યારે તો માત્ર સિંહણો બહાર નીકળી છે ત્યાં સરકારને પરસેવો છૂટી ગયો છે : શાહીનબાગના સંદર્ભમાં પઠાણનું આવેશપૂર્ણ ભાષણ

બેંગ્લુરૂ, તા. 20 ફેબ્રૂઆરી, 2020, ગુરૂવાર

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે ઉશ્કેરણીજનક ભાષણ આપતા કહ્યું હતું કે 15 કરોડ મુસ્લિમો દેશના 100 કરોડ હિન્દુઓ ઉપર ભારે પડશે. જો બધા એક સાથે નીકળી પડશે તો ઈંટનો જવાબ પથૃથરથી આપવા સક્ષમ છે. તેના આ નિવેદન પછી રાજકીય ગરમાવો આવી ગયો હતો.

કર્ણાટકના ગુલબર્ગામાં સભાને સંબોધતી વખતે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે લોકોને ઉશ્કેરતું નિવેદન આપ્યું હતું. પઠાણે કહ્યું હતું કે ભલે 15 કરોડ (મુસ્લિમો) છે, પરંતુ જો એ એક સાથે આવી જશે તો 100 કરોડ (હિન્દુઓ) ઉપર ભારે પડશે.

તેણે કહ્યું હતું કે મુસ્લિમોએ ઈંટનો જવાબ પથૃથરથી આપવાનું શીખી લીધું છે. જો દેશમાં પૂરતી આઝાદી નહીં મળે તો છીનવી લેશું. શાહીન બાગમાં પ્રદર્શન કરી રહેલી મહિલાઓના સંદર્ભમાં પઠાણે કહ્યું હતું : ‘એ લોકો કહે છે કે મહિલાઓને આગળ કરવામાં આવી રહી છે. પણ એ યાદ રાખો કે હજુ તો સિંહણો જ બહાર નીકળી છે ત્યાં સરકારને પરસેવો છૂટી ગયો છે.

જો બધા એક સાથે આવી ગયા તો 100 કરોડ ઉપર 15 કરોડ ભારે પડી જશે’ પઠાણે આ નિવેદન આપ્યું ત્યારે ઓવેસીની પણ એ સભામાં હાજરી હતી. પઠાણે ગુજરાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં આપણી મા-બહેનો ઉપર ત્રાસ અપાયો હતો. તેના આ નિવેદનની ઘણાં મૌલવીઓએ જ ટીકા કરી હતી.

મૌલવીઓએ કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનોથી દેશની શાંતિ ખતરામાં આવશે. આવી ટીપ્પણીથી તિરસ્કાર જન્મે છે. નાગરિકતા કાયદા મુદ્દે હિન્દુઓ પણ મુસ્લિમોની સાથે છે ત્યારે આવા ઉશ્કેરણીજનક નિવેદનો આપવા ન જોઈએ. આ ભાગલાવાદી વિચારધારાથી દેશને નુકસાન થાય છે એવો સૂર મૌલવીઓએ વ્યક્ત કર્યો હતો.