સુરત / વેવાઈ-વેવાણ 16 દિવસ ઉજ્જૈનમાં રહ્યા બાદ ઘરે આવી 34માં દિવસે ફરી ભાગી ગયા

સુરત / વેવાઈ-વેવાણ 16 દિવસ ઉજ્જૈનમાં રહ્યા બાદ ઘરે આવી 34માં દિવસે ફરી ભાગી ગયા

  • 26મી જાન્યુઆરીના રોજ વેવાઈ વેવાણ હાજર થયાં હતાં 
  • ભાગેલા વેવાઈ વેવાણે વરાછામાં જ ભાડે ઘર રાખ્યું
  • કતારગામના વેવાઈ નવસારીની વેવાણને અગાઉ ભગાડી લઈ ગયા બાદ 16 દિવસે પરત ફર્યા હતા 

સુરતઃ કતારગામના વેવાઈ સુરેશભાઈ (નામ બદલ્યું છે) નવસારીની વેવાણ સોનીબેન(નામ બદલ્યું છે)ને શનિવારે પુન: ભગાડી ગયા છે. અગાઉ એક વાર બંને છુટા પડ્યા હતા. પરંતુ હવે એક બીજાથી ભવિષ્યમાં કયારેય દૂર ન થવું પડે તેવો મક્કમ નિર્ધાર કરી બંને જણા ફરી ભાગી જઈ વરાછામાં નવેસરથી પોતાનો સંસાર માંડયો હતો પરંતુ રવિવારે કોઈક કારણોસર ત્યાંથી પણ ભાગી જઈ નાસિકના ડુંગરી ગામમાં રૂમ ભાડે રાખી રહેવા માંડતા બહુ ગાજેલો આ પ્રેમ સંંબંધ ફરીથી ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

વેવાઇ પ્રેમને ભૂલી શક્યાં નહીં
દીકરા-દીકરીના લગ્ન પ્રસંગ પહેલા જાન્યુઆરી માસમાં વેવાઈ-વેવાણને લઈને ભાગી ગયા હતા. બન્ને ઉજજૈનનમાં રોકાયા હતા. જ્યાં વેવાઈના એક રાજકીય પક્ષના અગ્રણીએ રહેવા-જમવાની તમામ વ્યવસ્થા પણ કરી આપી હતી. વેવાઈના પરિવારજનો ઉજૈજેન શોધવા માટે પણ ગયા હતા. પણ બંને તે સમયે મળ્યા ન હતા. બાદમાં 16 દિવસ પછી બન્ને પરત આવ્યાં હતાં. વેવાઈ-વેવાણને પહેલા પોલીસ સ્ટેશને લાવી નિવેદનો લેવામાં આવ્યા હતા. આ સમયે વેવાણને તેના પતિ કે પરિવારે સ્વીકારવાની ના પાડી દેતા તેણી કામરેજ ખાતે પિયરમાં રહેવા જતી રહી હતી. જ્યારે વેવાઈને તેના પરિવારજનો ઘરે લઈ ગયા હતા. થોડા દિવસો સુધી વેવાઈ પરિવાર સાથે રહયા હતા પણ વેવાઈ વેવાણ સાથેનો પ્રેમ ભૂલી શકે તેમ ન હતા.

નાસિકામાં ભાડે મકાન રાખ્યું
આ માટે પરિવારજનો તેમજ સમાજના આગેવાનો વેવાઈને તેના ઘરે જઈને સમજાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા, છતાં વેવાઈ કોઈની પણ વાત માનવા તૈયાર ન હતા. આખરે 34 દિવસ બાદ વેવાઈ ફરી 29મી ફેબ્રુઆરીએ બપોરે પરિવાર સાથે ઝઘડો કરીને કામરેજ પિયરમાં રહેતી વેવાણને લઈને ભાગી ગયા હતા અને વરાછામાં ભાડાના મકાનમાં નવેસરથી પોતાનો સંસાર માંડ્યો હતો. પરંતુ કોઈક કારણોસર રવિવારે ત્યાંથી ભાગી જઈ નાસિકના ડુંગરી ગામમાં ભાડાનું મકાન રાખી રહેવા લાગ્યા હોવાની વાત સામે આવી રહી છે, અગાઉ ભાગી ગયા હતા ત્યારે સોશ્યલ મીડિયામાં આ પ્રેમ પ્રકરણ દેશ-વિદેશમાં પણ ચર્ચાયું હતું ત્યારે ફરી એક વાર ચર્ચા જાગી છે.

16 દિવસ અગાઉ સાથે રહ્યાં હતાં

વેવાઈ વેવાણ 16 દિવસ સુધી નાસતા ફરતાં રહ્યાં હતાં. 25 વર્ષ અગાઉનો પ્રેમમાં દીકરા દીકરીના લગ્ન નક્કી થયા બાદ તૂટવાની અણીએ આવતાં સંબંધ તૂટવાના ડરે સમાજમાં થનારી બદનામીથી બચવા નાસી ગયા હોવાનું પરત આવ્યા બાદ પોલીસમાં નિવેદન આપતાં વેવાઈએ જણાવ્યું હતું કે, 16 દિવસ સુધી તેઓ ઉજ્જૈનના ગેસ્ટ હાઉસમાં રહ્યાં હતા જ્યાં તેમને લોકેશનના આધારે શોધી લેવાયા બાદ સમજાવટથી પરત ફર્યા હતાં.જે તે વખતે વેવાણ વિજલપોર પોલીસમાં જ્યારે વેવાઈ કડોદરા પોલીસ મથકે હાજર થયાં હતાં.

25 વર્ષ અગાઉ ઓળખાણ વેવાણ સાથે થયેલી

પોલીસમાં નિવેદન આપતાં વેવાઈ સુરેશભાઈ (નામ બદલેલ છે)એ જણાવ્યું હતું કે, 25 વર્ષ પહેલા પિતા સાથે કતારગામ રહેતો ત્યારે સોનીબહેન(નામ બદલેલ છે)ની સાથે મારી ઓળખાણ થતા તેની સાથે પ્રેમ સંબંધ થયો હતો. બન્ને એકબીજા અવાર નવાર મળતા હતા. ત્યારબાદ તેના લગ્ન નવસારી ખાતે થી જતા મુલાકાત થતી નહી અને મારા પણ લગ્ન થઈ ગયા હતાં.

મામાને ત્યાં લગ્નમાં ફરી મુલાકાત થઈ

વેવાઈએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, બન્નેના અલગ અલગ લગ્ન થયા બાદ મામાને ત્યાં લગ્નમાં મારી ફરી તેની સાથે મુલાકાત થઈ હતી. ત્યાંથી અમે એકબીજાને ફોન પર વાત ચીત કરતાં હતાં. અમે મિત્ર તરીકે વાતચીત કરતાં મારા દીકરા અને તેમની દીકરીની સગાઈ નક્કી કરી હતી. જે સગાઈ સોનીબહેનના પતિને અમારા સંબંધની શંકા હોવાથી સગાઈ તોડી નાખવાની કોશિષ કરતા હતા જે વાત મને સોનીબહેને કરતા અમારી સમાજમાં આબરૂ જશે તેવી બીકના કારણે સોનીબહને અને હું અમારે બન્ને રહેવુ નથી અને ઘર છોડી જતુ રહેવુ છે તે એકબીજા સાથે વાત ચીત ફોન ઉપર કરી હતી.