સર્વોચ્ચ નેતાઓ સોશિયલ મીડિયા પર ન હોય તો આભ નથી તૂટી પડતુંઃ પુતિન, જિનપિંગ એકેય સોશિયલ પ્લેટફોર્મ પર નથી

સર્વોચ્ચ નેતાઓ સોશિયલ મીડિયા પર ન હોય તો આભ નથી તૂટી પડતુંઃ પુતિન, જિનપિંગ એકેય સોશિયલ પ્લેટફોર્મ પર નથી

  • વૈશ્વિક પહોંચ ધરાવતા શક્તિશાળી નેતાઓ સોશિયલ મીડિયા વગર પણ પોતાનો પ્રભાવ દર્શાવતા રહે છે
  •  સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ, બ્રિટનના ક્વિન એલિઝાબેથ, જર્મનીના એન્જેલા મર્કેલ એકેય પ્લેટફોર્મ પર સક્રિય નથી

નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મોડી રાતે પોતે સોશિયલ મીડિયા છોડી રહ્યા હોવાનો અછડતો સંકેત આપ્યો ત્યાં ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ પર હો-હા મચી ગઈ અને #NoSir હેશટેગ ટ્રેન્ડમાં આવી ગયું. હકિકત એ છે કે મોટા દેશના સર્વોચ્ચ નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય ન હોય તો પણ તેમની લોકપ્રિયતા કે કામગીરીની અસરકારકતામાં કશો ફરક પડતો નથી. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, ચીનના સર્વેસર્વા શી જિનપિંગ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મહંમદ સુલેમાન જેવા નેતાઓ કદી સોશિયલ મીડિયા પર સક્રિય રહ્યા નથી.

1. વ્લાદિમીર પુતિન, રાષ્ટ્રપતિ, રશિયા
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દુનિયાના ટોચના શક્તિશાળી નેતા ગણાય છે પરંતુ તેમની સોશિયલ મીડિયા પર સક્રિયતા નહિવત્ત છે. આમ છતાં તેમની ફિટનેસ કે અન્ય પ્રવૃત્તિઓ સંબંધિત સમાચારો સતત દુનિયાને મળતા રહે છે. પુતિન વતી તેમની ઓફિસ ટ્વિટર હેન્ડલ ધરાવે છે, જેનાં પર સત્તાવાર સમાચારોની જાહેરાત થતી હોય છે. એ સિવાય ફેસબુક, ઈન્સ્ટાગ્રામ કશે જ પુતિનની કોઈ હાજરી નથી.

2. શી જિનપિંગ, રાષ્ટ્રપતિ, ચીન
ચીનના આ સર્વોચ્ચ નેતા દુનિયાના શક્તિશાળી અને મહત્વપૂર્ણ નેતા છે. જિનપિંગ પોતે ટેક્નોક્રેટ હોવા ઉપરાંત ટેક્નોલોજીના પ્રસારના પ્રખર હિમાયતી મનાય છે. આમ છતાં તેઓ પોતે એકપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કદી સક્રિય રહ્યા નથી. ચીનમાં વિએબો નામના સ્વદેશી પ્લેટફોર્મને બાદ કરતાં ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, ગૂગલ જેવા તમામ લોકપ્રિય પ્લેટફોર્મ પ્રતિબંધિત છે.

3. મહંમદ બિન સલમાન, ક્રાઉન પ્રિન્સ, સાઉદી અરેબિયા
સાઉદી અરેબિયાના આ યુવરાજ ટેક્નોલોજીના હિમાયતી છે. તેઓ પોતે હાઈ-ફાઈ મોબાઈલ ઓફિસ ધરાવે છે. આમ છતાં તેમની સોશિયલ મીડિયા પર સક્રિયતા બિલકુલ નથી. સાઉદી અરેબિયામાં ફેસબુક, ટ્વિટર વ. પ્રતિબંધિત નથી પરંતુ તેની સામે સ્વદેશી પ્લેટફોર્મ મજબૂત બને એવી ક્રાઉન પ્રિન્સની નીતિ રહી છે. સોશિયલ મીડિયા પર ગેરહાજરી છતાં સલમાન સંબંધિત સમાચારો લોકો સુધી પહોંચતા રહે છે.

4. કિમ જોંગ ઉન, સરમુખત્યાર, ઉ. કોરિયા

ઉ. કોરિયાના આ માથાફરેલા સરમુખત્યારે પોતાના દેશમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. દેશવાસીઓ પણ સોશિયલ મીડિયાના રવાડે ન ચડે એ માટે ઉત્તર કોરિયાનું તંત્ર પૂરતી તકેદારી રાખે છે. રાષ્ટ્રપ્રમુખ કિમ જોંગ ઉન પોતે એકપણ પ્લેટફોર્મ પર હાજરી ધરાવતા નથી. તેમના સંબંધિત સમાચારો, તસવીરો તેમની સત્તાવાર વેબસાઈટ દ્વારા જ દુનિયા સુધી પહોંચતા રહે છે.

આ ઉપરાંત બ્રિટનના મહારાણી એલિઝાબેથ, સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ, જર્મનીના એન્જેલા મર્કેલ જેવા વૈશ્વિક પહોંચ ધરાવતા નેતાઓ એકપણ સોશિયલ મીડિયા પર હાજરી ધરાવતા નથી. આમ છતાં તેમનો પ્રભાવ અકબંધ છે.