અમદાવાદ / ‘દોઢ વર્ષથી કહું છું, માણેકચોકમાં મહિલાઓ માટે સ્માર્ટ ટોઇલેટ બનાવો, પણ નથી જ બન્યું, તો અમદાવાદ સ્માર્ટ સિટી કઈ રીતે?’

અમદાવાદ / ‘દોઢ વર્ષથી કહું છું, માણેકચોકમાં મહિલાઓ માટે સ્માર્ટ ટોઇલેટ બનાવો, પણ નથી જ બન્યું, તો અમદાવાદ સ્માર્ટ સિટી કઈ રીતે?’

મેયરે અધિકારીઓને પ્રશ્ન કર્યો કે, તમારી પત્ની અહીં આવે તો મોબાઈલ ટોઈલેટમાં જશે?

અમદાવાદઃ મહિલા દિનના આગલા દિવસે મેયર બિજલ પટેલે સ્માર્ટ સિટીની બેઠકમાં અધિકારીઓને ખખડાવ્યા હતા. માણેકચોકમાં મહિલાઓ માટે સ્માર્ટ ટોઇલેટ બનાવવા તેઓ દોઢ વર્ષથી માગ કરી રહ્યા હોવા છતાં પણ હજુ સુધી ન બનતા અમદાવાદ સ્માર્ટ સિટી શેનું? આવી ટકોર મેયરે કરવી પડી હતી. માણેકચોકમાં મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી માટે આવે છે. પરંતુ તેમના માટે એક ટોઇલેટની પણ સુવિધા નથી. દોઢ વર્ષથી આ વિસ્તારમાં સ્માર્ટ ટોઇલેટ માટે વાત થઇ રહી છે. પરંતુ કોઇ પરિણામ નહીં આવતાં આખરે શનિવારે મેયરે કહ્યું કે, તમે જો દોઢ વર્ષમાં એક સ્માર્ટ ટોઇલેટ ન આપી શકો તો સ્માર્ટ સીટી શેનું? અધિકારીઓએ હયાત ટોઇલેટમાં કેટલીક વ્યવસ્થાની યોજના બતાવી હતી, તો બીજી તરફ કેટલાક અધિકારીઓએ તેમને આ વિસ્તારમાં એક મોબાઇલ ટોઇલેટ વાન મુકી આપવાની ઓફર કરી હતી. જોકે મેયરે તેમને પ્રશ્ન કર્યો હતો કે તમારી પત્ની જો આ વિસ્તારમાં ખરીદી કરવા જાય તો આ મોબાઇલ ટોઇલેટનો ઉપયોગ કરશે? બેઠકમાં 500 સ્માર્ટ આંગણવાડી મામલે તંત્રએ કોઇ પદાધિકારીને પૂછ્યા સિવાય જ સ્માર્ટ આંગણવાડીનો પ્રોજેક્ટ મુકતું હોવા મામલે પણ અધિકારીઓ સાથે ચકમકઝરી હતી.

અધિકારીએ કોર્પોરેટરોને પરખાવ્યું કે આ ભાષામાં વાત કરશો તો મીટિંગ નહીં કરું અને ઊભા થઈ ગયા
પશ્ચિમ ઝોનના ડીવાયએમસી તરીકે નીતિન સાંગવાનની સાથે ઔપચારિક મુલાકાત માટે શનિવારે પશ્ચિમ ઝોનની ઓફિસે એક બેઠક યોજાઇ હતી. જેમાં હાજર રહેલા ભાજપના કોર્પોરેટર દશરથ પટેલે પૂછ્યું હતું કે, તેમના વિસ્તારના અનેક કામો બાબતે વારંવાર રજૂઆત છતાં કોઇ કામ થતાં જ નથી, તો અધિકારીઓની ભૂમિકા શું છે તે સ્પષ્ટ કરો, આ સમયે સાધનાબેન જોષીએ કહ્યું કે, આપણે રજૂઆતો કરવાની અને અધિકારીએ સાંભળવાની, કામ તો કોઇ થતાં જ નથી. સાંગવાને બેઠકમાંથી ઉભા થઇ કહ્યું કે, આવી ભાષામાં વાત કરવી હોય તો હું જાઉ છું, મીટિંગ નહી કરું. જો કે પૂર્વ મેયર ગૌતમ શાહે તેમને મીટિંગ છોડી જતાં અટકાવ્યા હતા.