કોરોનાથી ભારતમાં વધુ જાનહાની નહીં થાય, 13 એપ્રિલ સુધીમાં ઔષધિ શોધી લેવાશે

કોરોનાથી ભારતમાં વધુ જાનહાની નહીં થાય, 13 એપ્રિલ સુધીમાં ઔષધિ શોધી લેવાશે

મેદનીય ગ્રહોની ચાલ પ્રમાણે ઓક્ટોબર સુધીમાં કોરોનાની અસર ઓછી થશે

21 જૂનના સૂર્યગ્રહણ બાદ આર્થિક-રાજકીય ક્ષેત્રે માઠી સ્થિતિ સર્જાઇ શકે છે, ઓક્ટોબરથી સ્થિતિ થાળે પડવા લાગશે

અમદાવાદ,બુધવાર

કોરોના વાયરસે વિશ્વના મોટાભાગના દેશોને ભરડામાં લઇ લીધું છે. કોરોના વાયરસ અંગે ૧૩ એપ્રિલ સુધીમાં ઔષધિ શોધી લેવાશે. જોકે, કોરોના હેઠળ સર્જાયેલી અરાજક્તાભરી પરિસ્થિતિ થાળે પડવામાં હજુ ઓક્ટોબર-૨૦૨૦ એટલે કે ૬ મહિનાનો સુધીનો સમય લાગી શકે છે તેવું મેદનીય જ્યોતિષશાસ્ત્રમાં અનુમાન કરવામાં આવ્યું છે.

મેદનીય ગ્રહોની ચાલ પ્રમાણે રાહતની વાત એ છે કે વૈશ્વિક મહામારી કોરોના અંગેની ઔષધિ ૧૩ એપ્રિલ સુધીમાં શોધાઇ જતાં તેની અસર તબક્કાવાર ઓછી થવા લાગશે. આ ઉપરાંત ભારતમાં કોરોનાને લીધે વધુ જાનહાની થવાની થવાની પણ સંભાવના ઓછી છે. મેદનીય જ્યોતિષાચાર્ય હેમિલ લાઠિયાએ જણાવ્યું હતું કે, ‘૧૩ એપ્રિલથી સૂર્ય અશ્વિની નક્ષત્રમાં આવશે ત્યારે ગ્રહોની સ્થિતિ જોતાં સૂર્ય ઉચ્ચ રાશિ મેષમાં, ચંદ્ર તે કેતુ સાથે ધનમાં, મંગળ ઉચ્ચનો બની મકરમાં નીચના ગુરૃ અને સ્વગૃહી શનિ સાથે યુતિ કરશે. બુધ મીન રાશિ-શુક્ર સ્વગૃહી વૃષભમાં તેમજ રાહુ ઉચ્ચનો હોવાથી મિથુન રાશિમાં ભ્રમણ કરે છે. નવમાંશ, યુતિ તેમજ અન્ય મેદનીય પરિબળોના આધારે નવા પ્રકારની ઔષધિ શોધાય તેમજ તેનાથી કોરોના નિયંત્રણમાં આવી જાય તેવું  બનવા જોગ છે.

ભારતમાં આ વાયરસ અંગે જે કેસ આવ્યા તે તારીખના ગ્રહોની સ્થિતિને જોતાં આપણા દેશમાં કોરોનાની ગંભીર અસર થાય તેવું જણાતું નથી. તેવી જ રીતે ગુજરાતના કેસ અંગેની તારીખ મુજબ ગુજરાતમાં પણ સ્થિતિ ઘણી નિયંત્રણમાં રહે તેમ જણાઇ રહ્યું છે. એક સામાન્ય તારણ મુજબ રાહુ, કેતુ, ગુરૃ, શનિ જેવા ગ્રહોની સ્થિતિ તેમજ રાશિ અને યુતિ પ્રતિયુતિ અને તે રાશિ તેમજ રાશિ માલિક જેવી બાબત થોડી વધુ ગણતરી માગે તેવી સ્થિતિ હતી. પરંતુ હાલની ગણતરીમાં જોઇએ તો આ કોરોના  મહામારી ભારતમાં નિયંત્રણ થવા લાગશે અને લગભગ જૂન ૨૦૨૦ના ગ્રહણ બાદ ત્રણ નાસ એટલે કે ઓક્ટોબરથી વધુ ચિંતા મુક્ત થવાશે. ૨૧ જૂને કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે અને તે ભારતમાં દેખાશે. આ સૂર્યગ્રહણના થોડા સમય બાદ દેશમાં આર્થિક-રાજકીય ક્ષેત્રે ફટકો પડી શકે છે. પરંતુ આ પછી તબક્કાવાર સ્થિતિ થાળે પડવા લાગશે અને ઓક્ટોબર સુધીમાં સ્થિતિ સંપૂર્ણ થાળે પડશે.