કોરોનાવાઈરસ / USમાં 24 કલાકમાં 263 મોત, 17 હજાર પોઝિટિવ કેસ મળ્યાં, લોકો ભારત જેવો જનતા કર્ફ્યૂ ઇચ્છી રહ્યાં છે

કોરોનાવાઈરસ / USમાં 24 કલાકમાં 263 મોત, 17 હજાર પોઝિટિવ કેસ મળ્યાં, લોકો ભારત જેવો જનતા કર્ફ્યૂ ઇચ્છી રહ્યાં છે

ન્યૂયોર્ક: કોરોનાની મહામારી ઝપેટમાં વિશ્વના 199 દેશ આવી ચૂક્યા છે. ચીનના હુવાનથી શરૂ થયેલો આ રોગ અત્યારે અમેરિકામાં તેની ચરમસીમાએ છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા 85 હજારથી વધુની થઈ છે. વિશ્વભરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 5 લાખ પર પહોંચી છે. અમેરિકામાં એક સપ્તાહ અગાઉ માત્ર 8 હજાર કેસ હતા. એક જ સપ્તાહમાં તેમાં 10 ગણો વધારો થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 263 લોકો મોતને ભેટ્યા છે. અમેરિકામાં ગુરુવાર સુધીમાં 1290 લોકોના મોત થયા છે.જ્યારે 2000 લોકોની હાલત ગંભીર છે. આગામી દિવસોમાં અમેરિકામાં મોત અને પોઝિટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના છે. દરમિયાનમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વધેલા કેસ અંગે કહ્યું છે કે ચીનમાં મૃતકોની સંખ્યા કેટલી છે તે કોઈ જાણતું નથી. તેઓ આ અંગે ચીની રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ સાથે વાત કરશે. 
અમેરિકા પણ પૂરતી વ્યવસ્થાઓના અભાવે સંઘર્ષ કરી રહ્યો છે
ન્યૂ યોર્ક ડાઉન ટાઉનથી સૃજલ પરીખના જણાવ્યા અનુસાર પહેલી વાત તો એ કે તમે બધા અહેવાલ વાંચીને જે માનો છો એ કરતાં પણ સ્થિતિ ગંભીર છે. અમને જ ખબર છે કે અહીં કેવી રીતે રહીએ છીએ? એમ જ કહો કે જીવન થંભી ગયું છે. બસ, શ્વાસ ચાલું છે. શું કરવું એ ખબર નથી પડતી. ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી સહિત વિસ્તારોમાં ગુજરાતીઓ ઘરમાં જ કેદ છે. ઇન્ફેક્શનથી બચવા મોટાભાગના લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે.  અહીં પણ લોક ડાઉન છે પણ ભારત જેવું નથી. અમે એવું ઇચ્છીએ છીએ કે ભારતની જેમ અહીં પણ જનતા કરફ્યૂનો અમલ થાય. અમેરિકા જેવો દેશ પણ અત્યારે ઝઝૂમી રહ્યો છે એ જ દર્શાવે છે કે સ્થિતિ કેવી ગંભીર છે. ન્યૂ જર્સીમાં એક ગુજરાતી યુવતીને એવું લાગ્યું કે તેને કોરોના પ્રકારના લક્ષણો જણાઇ રહ્યા છે. તે તરત જ સ્થાનિક હોસ્પિટલમાં પહોંચી ગઇ અને કહ્યું હતું કે તેને આવા લક્ષણો લાગે છે. પણ હોસ્પિટલે તેને ચકાસી પાછી ઘરે મોકલી દીધી કે આ તો સામાન્ય ફ્લૂ છે. પછી એ જ યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આજે તે યુવતી હોસ્પિટલમાં છે અને જીંદગી સામે ઝઝુમી રહી છે.  માનવામાં ના આવે પણ હકીકત છે કે અમેરિકા પણ પૂરતી વ્યવસ્થાઓના અભાવે સંઘર્ષ કરી રહ્યો છે. કોરોના શંકાસ્પદ લોકોના ટેસ્ટ માટે મેડિકલ ઇક્વીપમેન્ટની પૂરતી સુવિધા ના હોવાના કારણે પરિણામ આવવામાં અને તેના લીધે સારવારમાં પણ મોડું થાય છે. આવા સમયે ગુજરાતીઓ સહિત તમામ ભારતીયો ઘરમાં રહીને પણ એકબીજાની મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. 
ભારતીય મૂળના હોટેલ માલિકો અમેરિકામાં ફસાયેલા ભારતીય વિધાર્થીઓની વ્હારે આવી રહ્યા છે. કોલેજ કેમ્પસ બંધ હોવાના કારણે વિધાર્થીઓ ફસાઇ ગયા છે. તેમને હોટેલ્સમાં રહેવા અને જમવાની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. ક્યાં-ક્યાં રૂમ મળી શકે એની યાદી પણ બનાવવામાં આવી છે. કોઇ પણ હોટેલ માલિકે આ બાબતે ના પાડી એવું બન્યું નથી. આમાં ઘણી બધી હોટેલ્સના માલિકો ગુજરાતીઓ છે. અંદાજે 2.50 લાખ વિધાર્થીઓ અમેરિકામાં છે. 
ભારતીય એમ્બેસી દ્વારા પણ 24 કલાક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. ભારતીય-અમેરિકન ફેડરેશન દ્વારા પણ વિધાર્થીઓ, હેલ્થ કેર વર્કર માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઇ છે. ન્યૂ યોર્ક સિટી વિસ્તારમાં મહેતા દંપતિએ વિધાર્થીઓ માટે ઘણા રૂમની વ્યવસ્થા કરી છે. અમેરિકન હોટેલ એસોશિએશનમાં પણ ગુજરાતીઓનું પ્રભુત્વ હોવાથી કોઇને તકલીફ ના પડે એનું ધ્યાન રાખે છે.