પ્રેસિડેન્ટ ટ્રમ્પની મૂર્ખામીઓએ અમેરિકનોને મોતનાં મોંમાં ધકેલ્યાં

પ્રેસિડેન્ટ ટ્રમ્પની મૂર્ખામીઓએ અમેરિકનોને મોતનાં મોંમાં ધકેલ્યાં

સ્નેપ શોટ

કોઇપણ માણસનું હિર મુશ્કેલીનાં સમયમાં પરખાતું હોય છે. એમાં પણ જ્યારે  વ્યક્તિ કોઇ રાજનેતા હોય ત્યારે તેની સંકટના સમયની ધીરજ, તેની દીર્ઘદૃષ્ટી અને મુશ્કેલીમાંથી નીકળવાના ઉપાયો પ્રત્યેની વિચારધારા મપાઇ જતી હોય છે. આજે દુનિયાનો સૌથી તાકાતવર દેશ અમેરિકા કોરોના વાઇરસના સંક્રમણથી ફેલાયેલી બીમારી સામે લાચાર થઇને ઊભો છે. અમેરિકાના ૫૦ રાજ્યોમાં લોકડાઉન છે. ૩૦મી માર્ચની સવાર સુધી અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧,૪૨,૦૦૦ થઇ ગઇ છે. જ્યારે કોરોના લીધે મૃત્યુનો આંકડો ૨૪૮૯ થઇ ગયો છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ૨૯ માર્ચની તેમની પ્રેસ કોન્ફરન્સમાં વ્હાઇટ હાઉસ ખાતેથી કહ્યું કે, બહુ જ કોશિશો કરી પરંતુ મૃતકોની સંખ્યા ૧ લાખ અથવા તેનાથી વધારે પણ થઇ શકે છે. જો આપણે મરવાવાળાઓની સંખ્યા ૧ લાખથી ઓછી રાખી શકીશું તો એનો એવો અર્થ થશે કે આપણે સારું કામ કર્યું છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પની આ વાત સાંભળીને આખું અમેરિકા સ્તબ્ધ છે. ૩૦ કરોડની વસતીવાળા અમેરિકા દેશમાં જ્યારે ખુદ પ્રેસિડેન્ટ એવું કહેતા હોય કે, દેશમાં મરવાવાળાઓની સંખ્યા ૧ લાખથી વધારે થઇ શકે છે ત્યારે અમેરિકનો પર શું ગુજરતી હશે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ. અત્યારે જ્યારે અમેરિકામાં ૨૪૮૮ લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે ૧ લાખ લોકોના મોતની વાત જો પ્રેસિડેન્ટ કરતાં હોય તો આખું અમેરિકા અત્યારે ભયના ઓથા હેઠળ છે.

આ એજ પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે કે જ્યારે ચીનમાં કોરોનાની મહામારી ફેલાઇ ગઇ હતી ત્યારે ટ્રમ્પ આ મહામારીને મજાકમાં લેતા હતા અને કહેતા હતાં કે આ એક સામાન્ય શરદી અને તાવનો મામલો છે તેનાથી અમેરિકા ગભરાવાનું નથી. પરંતુ કોરોના વાઇરસ કઇ પ્રેસિડેન્ટના ભાષણો સાંભળીને અટકતો નથી. કોરોના વાઇરસ સામેની ચેતવણીઓની પ્રેસિડેન્ટ ટ્રમ્પે અવગણના કરી. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ કરવાની વાત ગણકારી નહીં. ડોમેસ્ટિક ફલાઇટ્સ હજુ આજે પણ અમેરિકાના કેટલાક રાજ્યોમાં ચાલુ છે. લોકડાઉનની વાત મજાકમાં ઉડાડી અને કહ્યું કે, અમેરિકા એ કઇ લોકડાઉન માટે બન્યો નથી. દરમિયાનમાં અમેરિકામાં કોરોના વાઇરસે તબાહી મચાવવા માડી. એક દિવસે જ જ્યારે ૩૪૫ લોકોના અમેરિકામાં મોત નીપજ્યાં અને ૧૮ હજાર લોકો કોરોના પોઝિટિવ આવ્યાં ત્યારે ખુદ અમેરિકનોએ ખુદ પોતાની રીતે ઘરમાં રહેવાનું ચાલું કર્યું. ૨૧ રાજ્યના ગર્વનરોએ પોતાના રાજ્યમાં જરૂર વગરના વેપાર-ધંધાઓ અને ઓફિસો બંધ કરાવી દીધાં.

અમેરિકાનું સૌથી પ્રતિષ્ઠિત શહેર ન્યૂયોર્ક જ્યારે સૌથી તકલીફમાં મૂકાયું અત્યાર સુધીમાં ૧૦૦૦ જેટલાં મોત ન્યૂયોર્કમાં જ નોંધાઇ ચૂક્યાં છે, ન્યૂયોર્કની હોસ્પિટલ વ્યવસ્થા તૂટવા માડી, ન્યૂયોર્કની સડકો પર ૯/૧૧ની જેમ એમ્બ્યુલન્સોની સાઇરનો ગૂંજવા માંડી, ન્યૂયોર્કમાં દર ૧૭ મિનિટે એક મોત નોંધાવા માડયું, દિવસમાં ૬૫૦૦ ફોન હેલ્થ ઇમર્જન્સીના આવવા માડયાં, અને સમસ્યા એ થઇ કે હેલ્થ ઇમર્જન્સીના ફોન ઊઠાવવાવાળો સ્ટાફ ઓછો પડવા માંડયો, ત્યારે દુનિયાને ખબર પડી કે અમેરિકા પોતાના નાગરિકોને બચાવવામાં કેટલું લાચાર છે. ન્યૂયોર્કની હોસ્પિટલો વોરઝોનમાં બદલાઇ ગઇ છે. હોસ્પિટલોની બહાર લાઇનો દેખાઇ રહી છે. આ લાઇનમાં કેટલાક લોકો એવા છે કે જે લોકો ઓક્સિજનની પાઇપ નાકમાં લગાવીને ઊભા છે. હોસ્પિટલોમાં ડોક્ટરો અને નર્સોની સુરક્ષા માટે જરૂરી ગાઉન અને માસ્ક નથી. ન્યૂયોર્કનાં મેયરે ખુદ એક પ્રેસ કોન્ફરન્સમાં કબૂલ્યું કે, આગામી દિવસોમાં અમારી હેલ્થકેર સિસ્ટમ ખલાસ થઇ જવાની છે. ન્યૂયોર્કને બચાવવા માટે ઓછામાં ઓછા ૩૦૦૦૦ વેન્ટિલેટર્સની માગણી ન્યૂયોર્કનાં ગર્વનરે કરી. ન્યૂયોર્કનાં ગવર્નરે કહ્યું કે અમારી પાસે રાજ્યમાં ૪૦૦૦ વેન્ટિલેટર્સ છે અને ૭૦૦૦ વધારે ખરીદ્યાં પરંતુ હજુ વધારે વેન્ટિલેટર્સ જોઇએ છે. આ તબક્કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું હતું કે, ન્યૂયોર્કનાં ગવર્નરની વાત અમે સમજીએ છીએ પરંતુ ન્યૂયોર્કમાં આટલું ગંભીર સંકટ ઊભું થવાનું નથી. તેઓ જરૂરિયાત કરતા વધારે વાતો કરે છે. મને એવું નથી લાગતું કે એટલી ખરાબ પરિસ્થિતિ ઊભી નહીં થાય.

આ જ પ્રેસિડેન્ટ ટ્રમ્પ હવે બચાવની મુદ્રામાં આવી ગયાં છે અને અમેરિકાના લોકોને ભયંકર ચિત્ર દેખાડી રહ્યાં છે જેમાં ૧ લાખથી વધુ લોકોના મોતની વાત છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ત્યારે ગભરાયા જ્યારે અમેરિકાના ટોપમોસ્ટ હેલ્થ ઓથોરિટી ગણાતાં ડો. એન્થની ફાઉચીએ વ્હાઇટ હાઉસથી જ પ્રેસ કોન્ફરન્સમાં ૨૯ માર્ચે કહ્યું કે, કોરોનાને કારણે લગભગ ૨ લાખ અમેરિકનો મરી શકે છે. આવું ના થાય તે માટે અમે કોશિશો કરી રહ્યાં છીએ. ડો. એન્થની ફાઉચી વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જ્યારે આવું કહી રહ્યાં હતાં ત્યારે તેમની બાજુમાં પ્રેસિડેન્ટ ઊભા હતા અને આંખો પહોળી કરીને અને મ્હોં ઢીલું કરીને ડો. ફાઉચીની આ વાત સાંભળી રહ્યાં હતાં. ડો. એન્થની ફાઉચી અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટયૂટ એલર્જી એન્ડ ઇન્ફેક્ટીયસ ડિસિસિઝના ડિરેક્ટર છે. અમેરિકાના ટોપ ટેન તજજ્ઞોમાં તેમની ગણતરી થાય છે અને અત્યારે અમેરિકામાં કોરોના સામે લડનારાં લોકોમાં સૌથી ભરોસામંદ વ્યક્તિ તરીકે તેમની નામના છે. આ ડોક્ટર ફાઉચી જ્યારે અમેરિકામાં ૨ લાખ લોકોના મોત થવાની વાત કરતાં હોય ત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ તેમને રોકી શક્યા નહીં. ડો. ફાઉચી સિવાય અમેરિકામાં કોરોનાની સામે લડવા બનાવેલ ટાસ્ક ફોર્સના વડા ડો. ડેબ્રા બર્કસે પણ ચેતવણી ઉચ્ચારી છે કે, અમેરિકામાં હવે તમામ કાળજી અને પ્રતિબંધો લગાવ્યાં બાદ પણ ૮૦ હજારથી ૧,૬૦,૦૦૦ ના લોકોની મોતની આશંકા છે. ડો. બર્કસે તો ત્યાં સુધી કહ્યું કે, જો સાવચેતી નહીં રાખીએ તો ૧૬ લાખથી ૨૨ લાખ અમેરિકનોના મોત થઇ શકે છે. એનાથી આગળ વધીને ડો. બર્કસે કહ્યું કે, એવી આશંકા છે કે અમેરિકાની અડધી વસતીને કોરોનાગ્રસ્ત થઇ શકે છે. લોકોએ જાણવું પડશે કે અમારી આ  આશંકાનો આધાર બિલકુલ વૈજ્ઞાનિક છે. અમારી પાસે વૈજ્ઞાનિક તથ્યો અને પુરાવાઓ છે.

હવે પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઢીલાં પડયાં છે. ચીનથી માસ્ક અને હેલ્ડ ગ્લોવ્ઝ મંગાવાયા છે અને ૩૦મી એપ્રિલ સુધી લોકોને ઘરમાં રહેવાની જાહેરાત કરી છે. ૧૦થી વધારે લોકો એક જગ્યાએ ના ભેગાં થાય તેવી ચેતવણી ઉચ્ચારી છે. પરંતુ લાગે છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે બહુ મોડું કરી દીધું છે. હવે ભગવાન જ અમેરિકાને બચાવી શકે તેવી હાલત છે.