કોરોનાની તબાહી સમયે 4 લાખ લોકો ચીનથી સીધા અમેરિકાના 17 રાજ્યમાં પહોંચ્યા હતા

કોરોનાની તબાહી સમયે 4 લાખ લોકો ચીનથી સીધા અમેરિકાના 17 રાજ્યમાં પહોંચ્યા હતા

  • ઘણા યાત્રીઓ એવા હતા કે જે વુહાનથી સીધા અમેરિકા ગયા હતા
  • રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રતિબંધ મુકે તે અગાઉ અમેરિકાના 17 રાજ્યોમાં ચીનથી 1,300 વિમાન ઉતરી ચુક્યા હતા

ઈન્ટરનેશનલ ડેસ્ક. અમેરિકામાં કોરોના વાઈરસથી પીડિતોની સંખ્યા સતત વધી રહી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત માહિતી પ્રમાણે ચીનમાં કોરોના વાઈરસ ફેલાયો તેના થોડા દિવસમાં જ આશરે 4,30,000 લોકો વિમાન માર્ગે અમેરિકા પહોંચ્યા હતા. આ પૈકી અનેક પ્રવાસીઓ એવા હતા કે જે વાઈરસના કેન્દ્ર વુહાન શહેરથી સીધા જ અમેરિકા પહોંચ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રવાસ પર પ્રતિબંધ મુકે તે અગાઉ અમેરિકાના 17 રાજ્યમાં લગભગ 1,300 ફ્લાઈટ આવી ચુકી હતી. આ ફ્લાઈટો મારફતે લાખોની સંખ્યામાં ચીનથી લોકો અમેરિકા ઘુસી ચુક્યા હતા.

અમેરિકામાં કોરોના સંક્રમણ વધવા પાછળનું મુખ્ય કારણ

એવી પણ માહિતી મળી છે કે ચીનના અધિકારીઓએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાના અધિકારીઓ સમક્ષ આ બીમારીને ન્યુમોનિયા જેવી રહસ્યમય બીમારી ગણાવી હતી. ત્યારબાદ આશરે 4,30,000 લોકો ચીનથી વિમાન મારફતે અમેરિકા પહોંચ્યા હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી પ્રમાણે આશરે 40,000 એવા લોકો પણ હતા જેમણે અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યાના બે મહિના બાદ પણ આ યાત્રા કરી હતી.

હવાઈ મથકો પર ચીનથી આવતા યાત્રીઓની કડકાઈપૂર્વક તપાસ કરવામાં આવતી ન હતી. જાન્યુઆરીની શરૂઆતમાં આ બીમારીને ગંભીરતાપૂર્વક લેવામાં આવી ન હતી. તેને લીધે ચીનથી આવતા યાત્રીની તપાસ પણ કરવામાં આવતી ન હતી. આ સંજોગોમાં આ સંક્રમણની જાણ થઈ શકી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના વાઈરસનો સમગ્ર દેશમાં વ્યાપ ફેલાઈ ચુક્ય છે. આશરે ત્રણ લાખ લોકો સંક્રમિત થયા છે. યુરોપમાં ગ્રીકે પણ પોતાને ત્યાં લોકડાઉન 27 એપ્રિલ સુધી વધારી દીધુ છે.