અમેરિકાએ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)નું ફંડ રોક્યું, ટ્રમ્પે કહ્યું- સંગઠને કોરોનાની ગંભીરતા ન સમજી

અમેરિકાએ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)નું ફંડ રોક્યું, ટ્રમ્પે કહ્યું- સંગઠને કોરોનાની ગંભીરતા ન સમજી

  • રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- WHOએ ચીનનો પક્ષ લીધો, કોરોનાની ગંભીરતાને છુપાવી
  • જો યોગ્ય સમયે પગલાં લેવામાં આવ્યા હોત તો આ મહામારી દુનિયામાં ન ફેલાતી અને મૃતકોની સંખ્યા ઘણી ઓછી થઈ જતી
  • અમેરિકા દર વર્ષે WHOને 400-500 મિલિયન ડોલરનું ફંડ આપે છે, જ્યારે ચીનનું યોગદાન 40 મિલિયન ડોલર હોય છે

શિંગ્ટન. અમેરિકાએ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના ફંડ પર સ્ટે લગાવી દીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે આ વિશે જાહેરાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે, WHOએ ચીનમાં ફેલાયેલા કોવિડ-19ની ગંભીરતા છુપાવી છે. જો સંગઠને પાયાના સ્તર પર કામ કર્યું હોત તો આ મહામારી સમગ્ર દુનિયામાં ન ફેલાતી અને મૃતકોની સંખ્યા ઘણી ઓછી હોત.

ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તેઓ તેમના પ્રશાસનને ફન્ડિંગ રોકવાનો આદેશ આપવાના છે. WHOએ આ મહામારી વિશે પારદર્શકતા ન રાખી. યુએનની આ સંસ્થાને સૌથી વધારે ફંડ આપનાર અમેરિકા હવે આ વિશે વિચાર કરશે કે આ પૈસાનું શું કરવામાં આવે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા દર વર્ષે WHOને 400-500 મિલિયન ડોલર (અંદાજે 3 હજાર કરોડ રૂપિયા) ફંડ આપે છે, જ્યારે ચીન 40 મિલિયન ડોલર (અંદાજે 300 કરોડ રૂપિયા) ફંડ આપે છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ ગેબ્રેસસે કહ્યું હતું કે, કોવિડ-19ને રાજકીય રંગ આપશો તો માત્ર મોતના આંકડા જ વધશે.

ટ્રમ્પનો આરોપ- WHOએ પોતાની ફરજ ન નીભાવી

  • ટ્રમ્પે કહ્યું કે કોરોના વિશે WHO તેમની ફરજ નીભાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ચીનમાં જ્યારે આ વાઈરસ ફેલાયો ત્યારે યુએન સંસ્થાએ તેને છુપાવવાનો પ્રયત્ન કર્યો અને તે માટે તેમને જવાબદાર ગણાવવા જોઈએ. આ પહેલાં પણ ટ્રમ્પે WHO પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે.
  • ટ્રમ્પે કહ્યુ- ચીનના વુહાન શહેરમાં જ્યારે કોરોના વાઈરસના કેસ સામે આવ્યા ત્યારે WHOએ તેની ગંભીરતા સમજવામાં નિષ્ફળ રહી. શું WHOએ મેડિકલ એક્સપર્ટ દ્વારા ચીનની મૂળ સ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો? આ મહામારીને વુહાનમાં સીમિત કરી શકાત અને તેમાં ઘણાં ઓછા લોકોના જીવ જાત. તેમણે કહ્યું કે, હજારો જીવ બચી જાત અને દેશની અર્થવ્યવસ્થાને પણ નુકસાન ન થાત. 

યુએન ચીફે કહ્યું- આ નિર્ણય યોગ્ય નથી
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસેએ ટ્રમ્પના નિર્ણયને યોગ્ય નથી ગણાવ્યો. તેમણે કહ્યું કે, વિશ્વ સ્વાસ્થય સંગઠન અથવા અન્ય માનવિય સંગઠનનું ફન્ડિંગ ઓછું કરવાનો આ સમય યોગ્ય નથી. મારુ માનવું છે કે, કોરોના વિરુદ્ધ લડાઈ જીતવા માટે WHOને સપોર્ટ આપવો જોઈએ.

અમેરિકા: 24 કલાકમાં 2,407 મોત

  • અમેરિકામાં 24 કલાકમાં 2,407 લોકોના મોત થયા છે. તે સાથે જ દેશમાં મોતનો આંકડો 26,047 થઈ ગયો છે. જ્યારે સંક્રમણના 26,945 નવા કેસ સામે આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 6,13,886 થઈ ગઈ છે.
  • સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસના અત્યાર સુધી 19,97,906 કેસ નોંધાયા છે. જ્યારે 1,26,604 લોકોના મોત થયા છે.