ભારતની આફત, ચીનનો અવસરઃ ગરજ પારખીને ભારતને 145% ટકા ઊંચા ભાવે રેપિડ ટેસ્ટ કિટ પધરાવી દીધી

ભારતની આફત, ચીનનો અવસરઃ ગરજ પારખીને ભારતને 145% ટકા ઊંચા ભાવે રેપિડ ટેસ્ટ કિટ પધરાવી દીધી

  • ચીનની ગ્વાંગ્ઝો વોન્ડફો કંપનીએ રૂ. 245ની કિટ ભારતને રૂ. 600માં વેચી, અને તોય નબળી એક્યુરસીના કારણે ભારતે રદ કરવી પડી  
  • ચીની ઉત્પાદક અને ભારતીય વિતરક કંપની વચ્ચે વિવાદ સર્જાતા મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચતા કિંમતનો ઘટસ્ફોટ થયો 

નેશનલ ડેસ્ક. કોરોના સંક્રમણની ઝડપી ચકાસણી માટે ચીની બનાવટની રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કિટ માટે ભારતે બજારભાવ કરતાં આશરે 145 ટકા જેટલી ભારે ઊંચી કિંમત ચૂકવી હોવાનો ઘટસ્ફોટ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ થયો છે. રેર મેટાબોલિક્સ નામની કંપનીએ ભારત સરકારને અતિશય ઊંચી કિંમતે આ કીટ વેચી હોવાનું અદાલત સમક્ષ રજૂ થયેલ દસ્તાવેજોમાં ખૂલ્યું છે. કમનસીબી એ છે કે, ભારે ઊંચા ભાવે ખરીદાયેલી આ કિટ પણ ખોટા પરિણામો આપતી જણાતાં દેશભરમાં તેનો ઉપયોગ ટાળવો પડ્યો છે.

રૂ.245 માં આયાત થઈ, સરકારને રૂ.600 માં મળી

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપભેર પારખી શકતી એન્ટીબોડી ટેસ્ટ કિટ વોન્ડફો નામની ચીની કંપનીએ તૈયાર કરી છે. આ કિટ આયાત કંપની મેટ્રિક્સ લેબોરેટરીઝે રૂ. 245 પ્રતિ કિટના હિસાબે મેળવી હતી. રેર મેટાબોલિક્સ નામની ભારતીય કંપનીએ ગ્વાંગ્ઝો વોન્ડફો સાથે કરાર કરીને 10 લાખ કિટનો ઓર્ડર આપ્યો હતો. એ પછી રેર મેટાબોલિક્સે આર્ક ફાર્માસ્યુટિકલ્સ નામની કંપનીને રૂ. 400 પ્રતિ કિટના ભાવે ભારતમાં વિતરણના અધિકારો આપ્યા હતા અને આર્ક ફાર્માસ્યુટિકલ્સ પાસેથી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા 5 લાખ કિટનો ઓર્ડર મૂકાયો હતો જેમાં રૂ. 600 પ્રતિ કિટ નક્કી થયા હતા.

નબળી ગુણવત્તા, ભાવ અતિશય ઊંચો

રેપિડ એન્ટીબોડી કિટના આરંભિક પરીક્ષણો દરમિયાન તેની એક્યુરસીમાં ભારે ખામી હોવાનું જણાતાં ICMR દ્વારા દરેક રાજ્યોને તેનો ઉપયોગ કરવા અંગે ના પાડી દેવામાં આવી છે અને પહેલી બેચમાં મળેલ 2.76 લાખ કિટ હવે બિનઉપયોગી થઈ રહી છે. એ સંજોગોમાં ભારત સરકાર હવે બાકીની 2.24 લાખ કિટ મંગાવે નહિ એ સ્વાભાવિક છે.

પરિણામે કંપનીઓની તકરાર અદાલત સુધી પહોંચી

ભારત સરકાર બાકીની 2.24 લાખ કિટનો ઓર્ડર કેન્સલ કરે અને તેનું પેમેન્ટ ચૂકવશે નહિ એમ ધારીને રેર મેટાબોલિક્સે મેટ્રિક્સ લેબ.ને પણ પહેલી બેચની 2.76 લાખ કિટનું જ પેમેન્ટ કર્યું છે. મેટ્રિકસ હવે ઓર્ડર મુજબ તમામ 5 લાખ કિટનું પેમેન્ટ માંગી રહી છે. આથી રેર મેટાબોલિક્સે દિલ્હી હાઈકોર્ટમાં કરારભંગનો કેસ દાખલ કર્યો છે. કારણ કે પોતે ભારતના એકમાત્ર વિક્રેતા આયાતકાર હોવા છતાં મેટ્રિક્સે શાન બાયોટેક નામની બીજી એક કંપની મારફત તામિલનાડુ સરકાર સાથે રેપિડ ટેસ્ટ કિટનો કરાર કર્યો છે. એ અદાલતી કાર્યવાહી દરમિયાન ભારત સરકારને નબળી એક્યુરસી ધરાવતી કિટ ભારે ઊંચા ભાવે પધરાવાઈ હોવાની વિગતો જાણવા મળી છે.