ગુજરાતમાં પાન, બીડી, ચા-ગલ્લા ખોલવા મુદ્દે પોલીસવડા શિવાનંદ ઝાનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો ક્યારે ખુલશે?

ગુજરાતમાં પાન, બીડી, ચા-ગલ્લા ખોલવા મુદ્દે પોલીસવડા શિવાનંદ ઝાનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો ક્યારે ખુલશે?

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સોમવારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું કે, પાન-મસાલાના ગલ્લાં, ટી-સ્ટોલ, નાસ્તા સ્ટોલ, હેર કટિંગ સલૂન જેવી દુકાનો અત્યારે લોકડાઉનમાં ખોલવા ઉપર પ્રતિબંધ છે. જો આવી દુકાનો ખૂલશે તો દુકાનદાર તથા ત્યાં એકત્ર લોકો ઉપર કાર્યવાહી થશે. એમણે લોકોને એવી પણ અપીલ કરી હતી કે, લોકડાઉનમાં લોકો ખરીદી કરવા નીકળે ત્યારે બે-ચાર દિવસની સાથે ખરીદી કરે. લોકો વારંવાર બહાર નીકળવાનું ટાળે અને બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરે. કરિયાણું, શાકભાજી, દવા જેવી ચીજો ખરીદવાની હોય તો પણ માસ્ક પહેરીને જ બહાર નીકળે.

લોકડાઉનનો આ છેલ્લો તબક્કો નિર્ણાયક સાબિત થશે અને એમાં સંક્રમણ ના વધે એટલે સંવેદનશીલ વિસ્તારો અમે એની આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા વધુ સર્વેલન્સ થઈ રહ્યું છે, તેમ ઉલ્લેખી ડીજીપીએ જણાવ્યું હતું કે, આ લડાઈ ઘણી લાંબી છે અને એમાં એકમાત્ર હથિયાર સાવચેતી હોઈ આપણે બધા સાવચેતી રાખીએ તે સૌના હિતમાં છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે અમુક વિસ્તારોમાં આવનજાવન ઉપર પ્રતિબંધ સહિત કેટલાક બ્રિજ પણ બંધ કરાયા છે, તેમાં લોકો સહકાર આપે એમ પણ ડીજીપીએ જણાવ્યું હતું.

રાજ્યમાં ખાનગી સોસાયટીઓના સીસીટીવીના ચેકિંગ દરમિયાન રવિવારે ૨૦ ગુનામાં ૩૩ લોકો પકડાયા છે અને અત્યાર સુધી આવા ૩૧૧ ગુનામાં ૫૩૭ની અટકાયત કરાઈ છે. એવી જ રીતે ડ્રોન દ્વારા રવિવારે ૨૮૩ ગુના અને અત્યાર સુધી કુલ ૯,૧૯૩ ગુનામાં ૧૮,૨૧૪ લોકોની અટક થઈ છે. સીસીટીવી ફૂટેજ દ્વારા રવિવારે ૬૯ ગુનામાં ૭૫ની અટક થઈ હતી અને અત્યાર સુધીમાં આવા ૧,૭૬૦ ગુનામાં ૨,૭૧૩ની અટક થઈ છે. રાજ્યમાં એએનપીઆર દ્વારા રવિવારે ૫૮ અને અત્યાર સુધી કુલ ૫૯૫ ગુના, વીડિયોગ્રાફ્ર દ્વારા રવિવારે ૮૬ અને અત્યાર સુધી કુલ ૯૯૯ ગુના તેમજ પ્રહરી વાહનો દ્વારા રવિવારે ૪૩ અને અત્યાર સુધી કુલ ૩૭૭ ગુના નોંધાયા છે.

રાજ્યમાં સોશિયલ મીડિયા ઉપર અફ્વા ફેલાવતા વધુ ૧૩ એકાઉન્ટ બંધ કરાયા છે. રવિવારે આવા ૨૫ ગુના નોંધાયા હતા અને અત્યાર સુધી કુલ ૫૦૪ ગુનામાં ૧,૦૧૧ની અટકાયત થઈ છે.

રાજ્યમાં રવિવારથી સોમવાર બપોર સુધીમાં જાહેરનામાભંગના ૨,૫૬૯ ગુના, ક્વોરન્ટાઈન ભંગના ૯૬૧ ગુના અને અન્ય ૪૩૦ સાથે કુલ ૩,૯૯૦ ગુનામાં ૪,૩૪૫ નાગરિકોની અટકાયત કરાઈ છે. અત્યાર સુધી લોકડાઉનમાં આવા કુલ ૯૯,૧૭૩ ગુના દાખલ થયા છે. તદુપરાંત વધુ ૮,૪૧૨ વાહનો પણ જપ્ત કરાયા છે.

રાજ્યમાં કુલ ૩૭ સામે પાસાની કાર્યવાહી

રાજ્યમાં પોલીસ ઉપર હુમલાના વધુ બે કિસ્સામાં પાસાની કાર્યવાહી થઈ છે. નવસારીમાં તા. ૯-૪-૨૦ના રોજ પોલીસ ઉપર થયેલા હુમલામાં આરોપી ઉપર પાસા લગાવાયો છે. જ્યારે અમરેલીના સાવરકુંડલામાં તા. ૫-૪-૨૦ના રોજ પોલીસ ઉપર હુમલો કરનાર બે વ્યક્તિ ઉપર પણ પાસા લગાડાયો છે. અત્યાર સુધી કુલ ૧૫ ગુનામાં ૩૭ને પાસામાં પૂરાયા છે.