અમેરિકાના મિનાપોલિસમાં અશ્વેત નાગરિકનાં મોત પછી હિંસક દેખાવો

અમેરિકાના મિનાપોલિસમાં અશ્વેત નાગરિકનાં મોત પછી હિંસક દેખાવો

પ્રદર્શનકારીઓને ટ્રમ્પે લૂંટારા કહેતા વિવાદ

પોલીસ સામે કાર્યવાહીની માગણી

લુઈસવિલેમાં અશ્વેત મહિલાની હત્યાના વિરોધમાં હિંસક દેખાવો : પોલીસ ફાયરિંગમાં આઠને ઈજા

મિનાપોલીસ, તા.  29 મે 2020, શુક્રવાર

મિનાપોલીસમાં ૪૬ વર્ષના નાગરિક જ્યોર્ય ફ્લોઈડના મોત પછી ભારે  વિરોધ સર્જાયો છે. સ્થાનિક અશ્વેત નાગરિકોએ પોલીસ સામે કાર્યવાહીની માગણી કરી હતી. લોકોએ હિંસક દેખાવો કર્યા હતા. એ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું તે પછી વિવાદ વધ્યો છે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે જો મેયર જેકબ કાર્યવાહી નહીં કરે તો હું નેશનલ ગાર્ડ્સને મોકલીશ. અમેરિકાનું ઐતિહાસિક શહેર મિનાપોલીસ આ રીતે તબાહ નહીં થવા દઉં. આ સંપૂર્ણ રીતે સ્થાનિક નેતૃત્વની ખામી છે. જો શહેર નિયંત્રણમાં નહીં આવે તો હું આ લૂંટારા સામે આકરી કાર્યવાહીનો આદેશ આપીશ. જો પ્રદર્શનકારીઓ લૂંટ શરૂ કરશે તો હું ગોળીઓ શરૂ કરાવીશ.

ટ્રમ્પની આ ટ્વીટ પછી વિવાદ વધ્યો છે. ટ્રમ્પે પ્રદર્શનકારીઓને લૂંટારા કર્યા તેની વિપક્ષોએ પણ ટીકા કરી છે. ઉલ્લેખનીય છે કે ઘટના પછી કેટલીય જગ્યાએ લૂંટ થઈ હતી. એક રેસ્ટોરન્ટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કાર્યરત જ્યોર્જ ફ્લોઈડને એક ખોટા કેસમાં ફસાવીને તેનું એન્કાઉન્ટર કરાયું હોવાનું પ્રદર્શનકારીઓએ કહ્યું હતું.

બીજી આવી જ એક ઘટના લુઈસવિલેમાં પણ બની હતી. કેન્ટુકીના લુઈસવિલેમાં એક અશ્વેત મહિલાની હત્યાના વિરોધમાં હિંસક દેખાવો થયા હતા. પ્રદર્શનકારીઓ કાબુમાં આવતા ન હોવાથી પોલીસે ફાયરિંગ કર્યું હતું, એમાં સાતને ગોળી વાગી હોવાના અહેવાલો હતા. જોકે, તે અંગે વધુ જાણકારી જાહેર કરવામાં આવી ન હતી. એકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું પોલીસે કહ્યું હતું. કેટલાક શંકાસ્પદ પ્રદર્શનકારીઓને હિંસાના મુદ્દે પકડયા હોવાનું પોલીસે કહ્યું હતું, પરંતુ આંકડો જાહેર કરાયો ન હતો.

લુઈસવિલેમાં બ્રેઓન્ના ટેઈલરને ન્યાય અપાવવા માર્ચ યોજાઈ હતી, એમાં ૬૦૦-૭૦૦ લોકો જોડાયા હતા. એ શાંતિ માર્ચ હિંસામાં પરિવર્તિત થઈ ગઈ હતી એવું પોલીસે કહ્યું હતું.