દુનિયામાં પહેલી વખત પાણીમાં વાયરલેસ ઇન્ટરનેટનું પરીક્ષણ

દુનિયામાં પહેલી વખત પાણીમાં વાયરલેસ ઇન્ટરનેટનું પરીક્ષણ

ઇન્ટરનેટ આખી દુનિયામાં અબજો લોકોને જોડે છે, છતાં હજુ પાણીમાં ઇન્ટરનેટની સુવિધા મળી શકી નથી ! પરંતુ હવે વિજ્ઞાનીઓએ એવી સિસ્ટમ બનાવી છે, જે ડીપ સી ડાઇવરો (મરજીવાઓ)ને ઇન્ટરનેટની સુવિધા પાણીમાં પણ આપશે ! આ સુવિધાને પગલે મરજીવાઓ તત્કાળ સમુદ્રમાંની તસવીરો અને ફૂટેજ કમ્પ્યૂટર્સને મોકલી શકશે. આ સાથે જ આ નવી ટેક્નોલોજી એક્વા ફાઇનું પરીક્ષણ થઈ ગયું છે અને આવનારા સમયમાં એ સુવિધાનો પ્રારંભ થઈ શકે છે.

અંડરવોટર વાયરલેસ ઇન્ટરનેટની સુવિધા મળશે

આખી દુનિયા ઇન્ટરનેટથી જોડાઈ છે, પરંતુ સમુદ્રમાં ઊંડા પાણીમાં ઇન્ટરનેટની સુવિધા મળતી ન હતી. પરંતુ હવે એ સુવિધા પણ ટૂંક સમયમાં શરૂ થઈને એક નવા યુગનો પ્રારંભ કરે એ દિવસો દૂર નથી. પ્રારંભિક પરીક્ષણો સફળ રહ્યા છે, ત્યારે હવે સમુદ્રમાં ઇન્ટરનેટની સુવિધા આપે એવા એક્વા ફાઇનો જમાનો આવી રહ્યો છે.આ ટેક્નોલોજી સાથે હવે અંડરવોટર વાયરલેસ ઇન્ટરનેટની સુવિધા મળશે અને તેને કારણે રિયલ ટાઇમ ડેટા ટ્રાન્સમિશન પણ થઈ શકશે.

લાઇવ’ અંડરવોટર પર્યાવરણ જોવા મળી શકશે 

કિંગ અબ્દુલ્લા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના બાસેમ શિહાદાએ જણાવ્યું હતું કે, અકાદમિક અને ઉદ્યોગ ક્ષેત્રના લોકો પાણીમાંના પર્યાવરણને સમજવા માગે છે. તેને એક્સ્પ્લોર કરવા માગે છે. એ માટે તેમની ટીમે એક સિસ્ટમ વિકસાવી છે. અંડરવોટર સૃષ્ટિને જાણવા માટે અનેક સાહસો ખેડાય છે. પરંતુ એ રિયલ ટાઇમ વીડિયો કે તસવીર મોકલી શકતા નથી. અત્યારે આપણે જે વીડિયો જોઈએ એ પાણીમાં ઉતારેલા હોય છે. ‘લાઇવ’ અંડરવોટર સૃષ્ટિ જોવા મળતી નથી.

એલઇડી કે લેસરનો ઉપયોગ કરી મલ્ટિમીડિયા મેસેજ મોકલી શકાય

એક્વા ફાઇ ઇન્ટરનેટ સર્વિસને સપોર્ટ કરે છે. તે એલઇડી કે લેસરનો ઉપયોગ કરીને મલ્ટિમીડિયા મેસેજને મોકલી શકે છે. ઘરમાં ઇન્ટરનેટ રાઉટરની વાઇફાઇ રેન્જ વધારી શકે એવા બૂસ્ટરની જેમ એક્વા ફાઇ લાઇટ બીમનો ઉપયોગ કરીને ડેટા પાણીની સપાટીએ મોકલી શકે છે, જે ઉપગ્રહના ઉપયોગ કરીને ઇન્ટરનેટ સાથે જોડાયેલું હોય છે.

નવી ટેક્નોલોજી કઈ રીતે કામ કરે છે ? 

વિજ્ઞાનીઓએ આ નવી ટેક્નોલોજી વિકસાવી છે, જેમાં રેડિયો વેવનો ઉપયોગ કરે છે. આ વેવનો ઉપયોગ કરીને મરજીવાના સ્માર્ટફોનમાંથી ડેટા ટ્રાન્સમિટ કરીને ડાઇવરની ગિયર સાથે જોેડાયેલા રાસ્પબેરી પીએલને મોકલે છે. એ બાદ એલઇડી કે લેસર બીમ એ ડેટાને પાણીની સપાટી પર મોકલે છે, જે પિક્ચર કે ડેટામાં તેને પરાર્વિતત કરે છે. સંશોધકો કહે છે કે, પાણીમાં કેટલાક ફીટ દૂર રહેલા બે કમ્પ્યૂટરો વચ્ચે મલ્ટિમીડિયાને અપલોડિંગ કે ડાઉનલોડિંગ કરી શકવા માટે સિસ્ટમ સક્ષમ છે. પાણીમાં એ ડેટા સેકન્ડે ૨.૧૧ મેગાબાઇટ્સના દરે ટ્રાન્સફ્ર થાય છે.

સેકન્ડે ૨.૧૧ મેગાબાઇટ્સની ઝડપે ડેટા ટ્રાન્સફ્ર 

કમ્પ્યૂટર તસવીર અને વીડિયોને ૧ અને ૦માં ફેરવી નાંખે છે. એ બાદ તેને પ્રકાશના શેરડા ( લાઇટ બીમ)માં ફેરવી નાંખવામાં આવે છે. આ સંશોધક ટીમે પાણીમાં એક બીજાથી દૂર રહેલા બે કમ્પ્યૂટરો વચ્ચે અપલોડિંગ અને ડાઉનલોડિંગ કરવાનું પરીક્ષણ કર્યું હતું. આ બંને કમ્પ્યૂટર વચ્ચે સેકન્ડે ૨.૧૧ મેગાબાઇટ્સની ઝડપે ડેટા ટ્રાન્સફ્ર થાય છે. આ ડેટા ટ્રાન્સફ્ર લગભગ રિયલ ટાઇમ ગણાય કેમકે સરેરાશ ફ્ક્ત ૧ મિલીસેકન્ડનો વિલંબ થાય છે.

દરિયાના પેટાળમાં પથરાયેલા કેબલ અને મુશ્કેલીઓ

હાલમાં દરિયાના પેટાળમાં કેબલ પસાર કરીને સમગ્ર વિશ્વને ઈન્ટરનેટથી જોડવામાં આવ્યું છે. આ કામ ખૂબ જ કપરું અને મોંઘું છે. દરિયાઈ જીવો દ્વારા તેને ઘણી વખત કાપી નાખવામાં આવે છે. અહીંયાં ફોલ્ટ સર્જાય ત્યારે તેનું રિપેરિંગ કરવામાં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે, તેથી યોગ્ય વિકલ્પની શોધ કરાઈ રહી છે.

લિન્કક્વોલિટી, ટ્રાન્સમિશન રેન્જ સુધારી શકાશે 

આ પહેલી વખત પાણીમાં વાયરલેસ ઇન્ટરનેટનો ઉપયોગ થયો છે. શિહાદાએ વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ વધુ ઝડપ આપી શકે એવા ઇલેક્ટ્રોનિક કમ્પોન્ટનો ઉપયોગ કરીને લિન્ક ક્વોલિટી અને ટ્રાન્સમિશન રેન્જને સુધારી શકવાની આશા રાખે છે.

સસ્તો અને ફ્લેક્સિબલ માર્ગ શોધાયો

સંશોધકો નોંધે છે કે લાઇટ બીમ વહેતા પાણીમાં રિસિવર સાથે સીધી રેખામાં હોવું જોઈએ. સંશોધન ટીમ કોઈ પણ ખૂણેથી લાઇટ બીમને પકડી શકે એવા ગોળાકાર ડિવાઇસની ડિઝાઇન કરવા વિચારે છે. શિહાદા વધુમાં ઉમેરે છે કે, તેઓ વૈશ્વિક ઇન્ટરનેટને પાણીમાંના પર્યાવરણ સાથે જોડવા માટે પ્રમાણમાં સસ્તો અને ફ્લેક્સિબલ માર્ગ શોધી કાઢયો છે.