ભારતીયો પર કટાક્ષ / ચીનના સરકારી અખબારે કહ્યું- ચીની લોકો ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા ઇચ્છે તો પણ વધુ ઉત્પાદન શોધી શકશે નહીં

ભારતીયો પર કટાક્ષ / ચીનના સરકારી અખબારે કહ્યું- ચીની લોકો ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવા ઇચ્છે તો પણ વધુ ઉત્પાદન શોધી શકશે નહીં

  • ચીને આ કટાક્ષ તમામ ભારતીયો પર કર્યો છે
  • એપ પ્રતિબંધથી ગભરાયું ચીન, આત્મનિર્ભરતાથી જવાબ હવે વધુ જરૂરી
  • આનંદ મહિન્દ્રા બોલ્યા- આ પડકાર સ્વીકાર્ય, આ સૌથી પ્રેરક ટિપ્પણી… ઉશ્કેરવા બદલ આભાર
  • ચીનમાં ભારતીય ન્યૂઝ વેબસાઈટ બંધ

નવી દિલ્હી/બેઇજિંગ/હોંગકોંગ. એલએસી પર ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણ પછી પણ ચીન વાતચીત દરમિયાન બનેલી સંમતિનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પરિણામે ભારતે ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂક્યો છે. ચીનના પ્રોપેગેન્ડા અખબાર ગ્લોબલ ટાઈમ્સે તો ભારતને આર્થિક જંગની ધમકી આપતા કહ્યું કે આના પરિણામ ડોકલામથી પણ બદતર હશે. એપ પર પ્રતિબંધથી અસર જરૂર પડશે પરંતુ ભારત એવી સ્થિતિમાં નથી કે ચીનની શક્તિશાળી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે.

મોદી સરકાર રાષ્ટ્રવાદની ભાવનાની આગ ફેલાવીને ઘર આંગણેના દબાણને કારણે પગલા ભરી રહી છે. જો ચીનના લોકો ભારતના ઉત્પાદનોનો વિરોધ કરવા માંગે તો પણ તેમને ભારતીય ઉત્પાદનો મળશે નહીં. ભારતને રાષ્ટ્રવાદ કરતા અન્ય મહત્ત્વની વસ્તુની જરૂર છે. આ દરમિયાન ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા બોલ્યા- આ પડકાર સ્વીકાર્ય, આ સૌથી પ્રેરક ટિપ્પણી… ઉશ્કેરવા બદલ આભાર

હવે ભારતમાં ચીની રોકાણ ધરાવતી મીડિયા કંપની પર પ્રતિબંધની માંગ
એપ પર પ્રતિબંધ પછી ચીનમાં ભારતીય અખબાર અને ન્યૂઝ વેબસાઈટ બંધ કરી દેવાઈ છે. ચીને એવી ફાયરવૉલ લગાવી છે કે હવે ત્યાંના લોકો વીપીએન દ્વારા પણ ભારતીય મીડિયા પ્લેટફોર્મ જોઈ શકતા નથી. એના જવાબમાં ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટી (આઈએનએસ) અને દેશના ટોચના મીડિયા પબ્લિશર્સના સંગઠન ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસીએશન(ડીએનપીએ)એ કહ્યું છે કે ચીનમાં ભારતીય મીડિયા પર પ્રતિબંધ અનુચિત છે.

બંને સંસ્થાઓએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે ચીની અને ચીની રોકાણ ધરાવતી તમામ એપ અને પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવે જેથી ભારતીય લોકોને ચીનના પક્ષપાત ભર્યા ખોટા સમાચારથી બચાવી શકાય. આઈએનએસના અધ્યક્ષ શૈલેષ ગુપ્તા અને ડીએનપીએના ચેરમેન પવન અગ્રવાલે કહ્યું છે કે દેશના સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે કશુ સ્વીકાર્ય નથી. ચીની રોકાણ ધરાવતી મીડિયા કંપની પર પ્રતિબંધ જરૂરી છે.

ટિક ટોકની  રૂ.7600 કરોડની વિસ્તરણ યોજનાને ફટકો
ભારતના નિર્ણયથી ટિકટૉક અને હેલોની માલિકી ધરાવતી બાઇટડાન્સ કંપનીને મોટો ફટકો પડ્યો છે. કંપની ભારતમાં 1 અબજ ડોલર (7600 કરોડ રૂ.)ની વિસ્તરણ યોજના પર કામ કરી રહી હતી. છેલ્લા એક વર્ષમાં સિનિયર પોસ્ટ્સ પર ઘણી ભરતીઓ પણ કરી હતી. ભારત ટિકટૉકનું સૌથી મોટું માર્કેટ હતું. દુનિયાભરમાં તેના 200 કરોડ ડાઉનલોડમાંથી 30% ગ્રાહક ભારતમાં  હતા.