લો બોલો, અમેરિકામાં જુવાનિયાઓ ‘કોવિડ-19 પાર્ટી’ કરે છે, કોને પહેલો ચેપ લાગશે તેની શરત લાગે છે!

લો બોલો, અમેરિકામાં જુવાનિયાઓ ‘કોવિડ-19 પાર્ટી’ કરે છે, કોને પહેલો ચેપ લાગશે તેની શરત લાગે છે!

કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ વાયરસનું સૌથી મોટું શિકાર અમેરિકા બન્યું છે. અમેરિકામાં કોરોના વાયરસના પગલે લગભગ બે લાખ લોકોના મોત નિપજ્યા છે. દુનિયાની મહાશક્તિ હજી પણ કેમેય કરીને કોરોના વાયરસ પર કાબુ મેળવી શકી નથી ત્યારે ત્યાંના કેટલાક યુવાનો રીતસરના મોત સાથે ખેલી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

અમેરિકાના એલબેમા સ્ટેટના કોલેજિયનો ‘કોવિડ-19 પાર્ટીઓ’ યોજતા હોવાના અહેવાલે દુનિયા આખીમાં નસનાટી મચાવી દીધી છે. અહીંના ટસ્કાલૂસા સિટીના કાઉન્સિલર સોન્યા મેકિન્સ્ટ્રીએ સત્તાવાર રીતે આ શૉકિંગ પાર્ટીની વિગતો આપી છે. આ ‘કોવિડ-19 પાર્ટી’ના આયોજકો કોરોના પોઝિટિવ વ્યક્તિઓને પાર્ટીમાં આમંત્રણ છે. પાર્ટીમાં તંદુરસ્ત લોકો પણ હાજર હોય છે. તેઓ પાર્ટીમાં આવતાંની સાથે જ નક્કી થયેલી એક રકમ કાચના બાઉલમાં એકઠી કરે છે. પાર્ટી યોજાઈ ગયા પછી તેમાં આવેલી જે વ્યક્તિને સૌથી પહેલો કોરોનાનો ચેપ લાગે તે એકઠા થયેલાં તમામ નાણાં લઈ જાય છે.

ટસ્કાલૂસા સિટીના ફાયર ચીફ રેન્ડી સ્મિથે પણ આ વાત સ્વીકારી છે કે શરૂઆતમાં અમને લાગેલું કે આવી પાર્ટીઓ ગુપ્ત રીતે યોજાય છે તે માત્ર અફવા જ છે. પરંતુ થોડા રિસર્ચ પછી અમને ધ્યાને આવ્યું છે કે, ખરેખર આવી પાર્ટીઓ યોજાય છે. આ પાર્ટીમાં કેટલાક કોરોના પોઝિટિવ યુવાનોએ પોતે કોરોનાવાઈરસના વાહક છે તે જાણતા હોવા છતાં ઈરાદાપૂર્વક આ પાર્ટીમાં હાજરી આપી હતી. આમેય ટસ્કાલૂસા સિટીમાં યુનિવર્સિટી ઓફ એલબેમા અને બીજી કેટલીયે કોલેજો આવેલી છે, એટલે ત્યાં રહીને ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ સારી એવી છે.

જાણી જોઈને કોરોનાનો ચેપ લગાડવાની આવી પાર્ટીઓ જ્યાં યોજાય છે તે અમેરિકાના એલબેમા સ્ટેટમાં છેલ્લા સમાચાર પ્રમાણે 39,604 કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. એમાંથી 2107 કેસ તો એકલા ટસ્કાલૂસામાં જ છે. 39 લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે. ત્યાં પણ મંગળવારે સત્તાવાર રીતે ખરડો પસાર કરવામાં આવ્યો કે જાહેર સ્થળે નીકળતી વ્યક્તિએ ફેસ માસ્ક પહેરવો ફરજિયાત રહેશે. આવી કોવિડ-19 પાર્ટીઓમાં કોરોના પોઝિટિવ યુવાનોએ હાજરી આપ્યા પછી કેટલા લોકોને ચેપ લાગ્યો અને તેમણે બીજા કેટલા લોકોને આ ચેપ પાસ ઑન કર્યો તેની ચોક્કસ વિગતો હજી જાહેર થઈ નથી.