અમદાવાદ / સિંઘસાહેબની બદલીથી અમદાવાદને નુકસાન, દેશને ફાયદો થશે

અમદાવાદ / સિંઘસાહેબની બદલીથી અમદાવાદને નુકસાન, દેશને ફાયદો થશે

  • પ્રથમ વખત કોઈ મ્યુનિ. કમિશનરે શહેર પોલીસ કમિશનર સાથેના અનુભવો લખ્યા
  • અમારી વચ્ચે મિટિંગો પણ થતી ન હતી છતાં તેમની પ્રોફેશનલ લીડરશિપના કારણે પોલીસ-મ્યુનિ. વચ્ચે શ્રેષ્ઠ સંકલન બની રહ્યું: મ્યુનિ. કમિશનર વિજય નેહરા

વિજય નેહરા, મ્યુનિ કમિશનર, અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનર તરીકે એ. કે. સિંઘ સાહેબના કાર્યકાળ દરમિયાન મહાનગરપાલિકા અને પોલીસ વચ્ચે સંકલન ખૂબ ઉચ્ચકક્ષાનું સ્થાપિત થઈ શક્યું હતું. તેમની કામગીરી ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાની હતી. બે સંસ્થા વચ્ચે સંકલન સારું હોય તો અસરકારક કામગીરી કરી શકાય અને તેનું પરિણામ પણ ઉચ્ચસ્તરનું મળી શકે તેનો આપણે દાખલો બેસાડી શક્યા.

કામ કરવાની રીત અસરકારક
વ્યક્તિગત રીતે પણ તેઓ ખૂબ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. તેમની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ અસરકારક હતી. ખાસ તો અમદાવાદ મહાનગરપાલિકાને સ્માર્ટ સિટી બનાવવામાં અડચણરૂણ ટ્રાફિક સમસ્યાઓના નિરાકરણમાં તેમનો ખૂબ જ સહકાર રહ્યો છે. જો તેમના તરફથી સકારાત્મક અભિગમ ન રહ્યો હોત તો સ્માર્ટ સિટી માટેનું 200 કરોડથી વધુનું રોકાણ ખાડે ગયું હોત. આનું પરિણામ મળવા પાછળનો શ્રેય માત્ર એ. કે. સિંઘ સાહેબને જાય છે.

ટ્રાફિક મામલે ક્યારેય મિટિંગ કરવાની જરૂર નથી પડી
અમે લગાવેલા કેમેરામાંથી જનરેટ થતાં ઇ-મેમો પોલીસને આપતા હતા અને તેના આધારે પોલીસ નિયમ ભંગ કરનારને મેમો ઇશ્યૂ કરી તેમની પાસેથી દંડ વસૂલતી હતી. આમ કરવાથી શહેરમાં ટ્રાફિક નિયમોની શિસ્ત આવી શકી. દબાણો હટાવવાનો મુદ્દો હોય કે ટ્રાફિકની કામગીરી હોય, ક્યારેય અમે બંનેએ મિટિંગ કરવાની જરૂર પડી નથી. હું સીએમઓમાં હતો ત્યારથી તેમને ઓળખું છું અને તેમની પ્રોફેશનલ લીડરશિપના કારણે જ કોર્પોરેશન અને પોલીસ વચ્ચે શ્રેષ્ઠ સંકલન થતું રહ્યું. નીચે સુધીના દરેક અધિકારી, કર્મચારીને પણ આ બાબતની જાણકારી હતી જ. આથી મિટિંગ વિના માત્ર સંકલન દ્વારા કામગીરી કરી શક્યા. પોલીસ અને મ્યુનિ.ની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ પણ એટલે જ ઊભી થઈ શકી.

સંકલનથી શહેરને શિસ્તબદ્ધ બનાવશે
કોર્પોરેશનની મોટા ભાગની કામગીરીમાં પોલીસના સહકારની જરૂર પડે છે અને પોલીસને પણ ખાસ તો ટ્રાફિક કામગીરીમાં કોર્પોરેશનની જરૂર રહેતી હોય છે. એક ગાડીનાં બે પૈડાંની જેમ કોર્પોરેશનને પોલીસનો સહકાર દરેક કામગીરીમાં મળ્યો છે. ‘દિવ્ય ભાસ્કર’એ પણ અમારા બંનેની હાજરીમાં નાગરિકોને તેમના પ્રશ્નોના જવાબ આપવાની જે પહેલ કરી હતી તેને પણ હું અભિનંદન પાઠવું છું. સમાજમાં બધા હિતધારકો સાથે મળીને એક જ દિશામાં પ્રયાસ કરે તો ઓછા સમયમાં મોટું પરિવર્તન આવી શકે છે, જે આપણે જોયું છે. તેમની બદલીથી અમદાવાદને નુકસાન થયું છે, પણ દેશને મોટો ફાયદો થવાનો છે. એનએસજીના વડા બનવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવું છે. દેશની શ્રેષ્ઠત્તમ સંસ્થાને તેઓ વધુ ઊંચાઈએ લઈ જઈ શકશે, તેમાં જરાય બેમત નથી. અમને આશા છે કે તેમના સ્થાને જે અધિકારી આવશે, તેમના સંકલનથી શહેરને વધુ સારું, આધુનિક, શિસ્તબદ્ધ બનાવવાના પ્રયાસો ચાલુ રાખશે.