તમામ કાર્યાલયોમાં સરદાર પટેલનો ફોટો લગાડો: અમિત શાહનો આદેશ

તમામ કાર્યાલયોમાં સરદાર પટેલનો ફોટો લગાડો: અમિત શાહનો આદેશ

CRPF, BSF અને અન્ય સિક્યોરિટી દળોને તાકીદ કરી

નવી દિલ્હી, તા. 19 ઓક્ટોબર 2019 શનિવાર

કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે સીઆરપીએફ, બીએસએફ અને બીજાં સિક્યોરિટી દળોને એવો આદેશ મોકલ્યો હતો કે તમારાં કાર્યાલયોમાં સરદાર વલ્લભભાઇ પટેલનો ફોટો લગાડો. 31મી ઓક્ટોબરે આવી રહેલી સરદાર પટેલની જયંતી પહેલાં આ ફોટો લગાડવાનો રહેશે.

આ સાથે એવો સંદેશો લગાડવાન છે કે દેશની એકતા અને અખંડિતતા અમે અક્ષુણ્ણ રાખીશું. થોડા સમય પહેલાં એક ચૂંટણી સભામાં અમિત શાહે કહ્યું હતું કે કશ્મીરનો કેટલોક હિસ્સો પાકિસ્તાને આચકી લીધો એ માટે પંડિત જવાહરલાલ નહેરુ જવાબદાર હતા. તેમણે સરદાર વલ્લભભાઇ પટેલની વાત માની હોત તો પાકિસ્તાની કબજા હેઠલના કશ્મીરની રચના કદી થઇ ન હોત.

સરદાર વલ્લભભાઇ પટેલ આઝાદ ભારતના પહેલા ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન હતા. દેશના 560 નાનાંમોટાં રજવાડાંને તેમણે વિલીન કરીને એક અખંડ હિન્દુસ્તાનની કલ્પના કરી હતી પરંતુ જમ્મુ કશ્મીરના મુદ્દે વધુ પડતા સંવેદનશીલ એવા પંડિત જવાહરલાલ નહેરુએ સરદારને કશ્મીરના મુદ્દે કડક પગલાં લેતાં રોક્યા હતા. ત્યારબાદ તો કોંગ્રેસ પક્ષે સરદારની સતત ઉપેક્ષા કરી હતી.

પોતાના ચૂંટણી પ્રવચનમાં અમિત શાહે પંડિત નહેરૂની ભૂલને હિમાલય જેવડી ગણાવી હતી.