કોરોના સામે રાહત : રાજ્યમાં કોરોનાથી મોતમાં 26 ટકાનો ઘટાડો, રિક્વરી રેટ 92 થી 100 ટકા અને એપ્રિલની સરખામણીએ મેમાં દૈનિક કેસમાં 1800થી પણ વધુ ઘટ્યા

કોરોના સામે રાહત : રાજ્યમાં કોરોનાથી મોતમાં 26 ટકાનો ઘટાડો, રિક્વરી રેટ 92 થી 100 ટકા અને એપ્રિલની સરખામણીએ મેમાં દૈનિક કેસમાં 1800થી પણ વધુ ઘટ્યા

મે મહિનાની હાલની સ્થિતિ જોતાં રાજ્યમાં કોરોના ઝડપથી કાબુમાં આવી શકે છે

કોરોનાની બીજી લહેરે ગુજરાતને ભયંકર સ્થિતિમાં મૂકી દીધું હતું. જેના કારણે સરકાર સહિત પ્રજામાં ભય ફેલાયો હતો, પરંતુ ત્રણ સારા સમાચાર એ છે કે, (1) મે મહિનાની શરૂઆતથી જ કોરોનાના કેસ એપ્રિલ કરતા ઘટવા લાગ્યા છે (2) કોરોનાના કારણે થતાં મોતની સંખ્યા પણ ઘટવા લાગી છે અને (3)ગુજરાતમાં દૈનિક કેસની સામે રિકવરી રેટ એટલે કે દૈનિક સાજા થવાનું પ્રમાણ પણ 92થી 100%જેટલું ( જેમ કે,ગઈકાલે કુલ કેસ 12955 હતા જ્યારે રિક્વર થનાર 12995 હતા એટલે રિકવરી રેટ 100 ટકા હતો) થઈ ગયું છે. તે જોતા આગામી દિવસોમાં ગુજરાતમાં ઝડપથી કોરોના કાબુમાં આવી શકે છે.

મોટા શહેર જ નહીં નાના-નાના ગામડાંમાં સંક્રમણ પ્રસર્યુ
એપ્રિલ મહિનામાં કોરોનાના કહેરના કારણે સમગ્ર ગુજરાતમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાથે સાથે કોરોનાના કેસો પણ ઉત્તરોતર વધતાં જતાં અને તે માત્ર શહેર પૂરતા ના રહેતા નાના-નાના ગામડા સુધી ફેલાઈ ગયો હતો.પરિણામે રાજ્યની હોસ્પિટલમાં બેડની સમસ્યાની સાથે દવાઓ અને ઓક્સિજનની અછત સર્જાઈ હતી. જેના કારણે હોસ્પિટલની અંદર અને બહાર મોતના તાંડવ જેવો માહોલ જોવા મળતો હતો.

મે મહિનાથી રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો
મે મહિનાના પ્રથમ વિકથી જ રાજ્યમાં કોરોનાના કેસોમાં ધીમે ધીમે ઘટાડો થવા લાગ્યો છે. રાજ્યમાં 29 એપ્રિલના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 180 દર્દીઓના મોત થયા હતા. જ્યારે ગઈકાલે 5મી મેના રોજ મોતનો આંક ઘટીને 133 થઈ ગયો છે એટલે કે માત્ર 6 દિવસમાં જ દૈનિક મોતની સંખ્યામાં 26 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આજ પ્રમાણે એપ્રિલ મહિનામાં રાજ્યમાં કોરોનાના કેસો 14,806 સુધી પહોંચી ગયો હતો, જે ઘટી ને 12955 સુધી પહોંચી ગયો છે, એટલે કે છેલ્લા 12 દિવસમાં 1855 કેસનો ઘટાડો નોંધાયો છે. એટલે કે નવા કેસમાં 9.65 %નો ઘટાડો થયો છે.

74 દિવસ બાદ રિકવર દર્દીઓ નવા કેસ સામે વધુ રહ્યા
આ જ પ્રમાણે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, 5 મેના રોજ તો રાહતના સૌથી મોટા સમાચાર એ હતા કે 12955 કેસની સામે 12995 દર્દીઓ સાજા થાય હતા. એટલે કે રિક્વરી રેટ જે એપ્રિલ મહિનામાં 73 ટકા હતો તે વધીને 75.37 ટકા સુધી આવી ગયો છે. એટલું જ નહીં, છેલ્લા છ દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 10 હજારથી વધુ થઈ રહી છે. ખાસ કરીને 20 ફેબ્રુઆરી બાદ એટલે કે 74 દિવસ પછી કોરોનાના દૈનિક કેસની સામે સાજા થનારાની સંખ્યા વધી છે. એટલે કે છેલ્લા 10 દિવસમાં તો સાજા થયેલા કુલ દર્દીઓમાં 68%નો વધારો થયો છે.

( Source – Divyabhaskar )