હાઈકોર્ટનો સરકારને સણસણતો સવાલ : તમે કહો છો કે અમદાવાદમાં 84 ટકા બેડ ખાલી છે, તો લોકો બેડ મેળવવા અહીં તહીં કેમ ભટકી રહ્યાં છે?

હાઈકોર્ટનો સરકારને સણસણતો સવાલ : તમે કહો છો કે અમદાવાદમાં 84 ટકા બેડ ખાલી છે, તો લોકો બેડ મેળવવા અહીં તહીં કેમ ભટકી રહ્યાં છે?

ખાનગી વાહનમાં દર્દી આવે તો પણ તેને હોસ્પિટલમાં દાખલ કરો

રાજ્યમાં કોરોનાને લઇને હાઇકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ સંભળાવ્યું હતું કે, તમે કહો છો કે, અમદાવાદમાં 84 ટકા બેડ ખાલી છે તો પછી બેડ મેળવવા માટે લોકો અહીં તહીં કેમ ભટકી રહ્યાં છે? એટલું જ નહી પણ અમદાવાદમાં માત્ર 108થી જ હોસ્પિટલમાં દાખલ કરવાની પદ્ધતિમાં સુધારો કરવો જોઇએ તેવી પણ ટકોર કરી છે. દર્દીની ગંભીરતાને ધ્યાને લઇ 108ને વહેલા પહોંચવાની વ્યવસ્થા થવી જોઇએ.

રાજ્ય સરકાર ડેશબોર્ડ 3 વાર અપડેટ કરે છે
સરકારે જવાબ રજૂ કરતાં કહ્યું કે, અમદાવાદ શહેરમાં જ 164 જેટલી ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ.એ 20 ટકા બેડ મ્યુનિ. ક્વોટામાં રાખ્યા છે. રાજ્ય સરકારે પોર્ટલ બનાવ્યું છે, જેના પરથી કેટલાં દર્દીઓ છે? ઓક્સિજન સહિતની ઉપલબ્ધતા કેટલી છે? તે પણ સ્પષ્ટ કરે છે. વડોદરામાં તે તત્કાલ અપડેટ થાય છે, અમદાવાદમાં દિવસમાં બે વખત અપડેટ થાય છે. રાજ્ય સરકાર તેનું ડેશબોર્ડ દિવસમાં 3 વખત અપડેટ કરે છે. અત્યાર સુધીમાં 122 જેટલા જ્યુડિશિયલ ઓફિસરોને કોરોના થયો છે તેમાં 40ને તો થોડા દિવસમાં જ થયાે છે.

હાઇકોર્ટનો સવાલઃ ઓક્સિજનની સ્થિતિ શું છે? તમારો પ્લાન શું છે?
સરકારનો જવાબઃ રાજ્યમાં 1100 મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. ગઇકાલે 1050 મેટ્રિક ટન ઓક્સિજની ખપત થઈ હતી. જો જરૂરિયાત વધશે તો? તેનો વિકલ્પ વિચારાઇ રહ્યો છે. 16 જેટલા યુનિટ ટેન્ક તૈયાર કરાશે. અત્યારે 5 મોટી હોસ્પિટલમાં આવા ઓક્સિજન જનરેટ કરતાં યુનિટ તૈયાર થઇ ગયા છે.

હાઇકોર્ટનો સવાલઃ એવી ફરિયાદો ઉઠે છેેકે, દર્દીઓને દાખલ કરાતાં નથી?
સરકારનો જવાબઃ લોકોને ચોક્કસ હોસ્પિટલમાં જ જવું હોય છે, ત્યાં જગ્યા ખાલી ન પણ હોય અન્ય હોસ્પિટલમાં જગ્યા ખાલી હોય પણ ત્યાં જવું નથી હોતું, એટલું જ નહી, પણ ઓક્સિજન વીથ વેન્ટિલેટરની જગ્યા ક્યારેક ભરાઇ જાય અને કેટલીક હોસ્પિટલમાં ખાલી ન હોય તો ત્યાં કહેવાય છેકે, જગ્યા નથી.

હાલ કર્ફ્યૂ જોક સમાન થઈ ગયો, લોકડાઉન જરૂરી છે: હાઇકોર્ટ સમક્ષ વકીલોના સૂચનો

  • ઘરે પણ લોકોને ઓક્સિજનનો જથ્થો મળવો જોઇએ, 25 ટકા ઓક્સિજનનો જથ્થો તેમના માટે અનામત રાખો.
  • ઘરે સારવાર લેતા દર્દીને પણ સરળતાથી રેમડેસિવિર મળવી જોઇએ.
  • કોર્પોરેશન કહે છે કે, માત્ર આઇસીયુમાં જ રેમડેસિવિર આપવામાં આવે તેવી હોસ્પિટલોને સૂચના આપી છે. જે અમાનવીય છે.
  • હોસ્પિટલમાં વધુ ભાવ લેવાય છે. વીઆઇપી માટે બેડ અનામત રખાય છે.
  • વી.એસ. હોસ્પિટલને તેની પૂરી ક્ષમતા સાથે કોવિડ હોસ્પિટલ તરીકે ચાલુ કરવી જોઇએ.
  • અધિકારી કે ડોક્ટરે ઓનલાઇન આવીને મીડિયાને સંબધોન કરવું જોઇએ.
  • હાલ કર્ફ્યૂ માત્ર જોક સમાન થઇ ગયો છે, લોકડાઉન તો લાદવું જોઇએ.
  • ગરીબ કલ્યાણ ફ્રન્ટલાઇન વોરિયર્સ, વર્કર્સ યોજનાનો સમગ્ર દેશમાં માત્ર 287 લોકોએ અરજી કરી આ કેવી વ્યવસ્થા?
  • ખાનગી કંપનીને રેમડેસિવિરનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં વેચાણ માટે કહેવા છતાં તેના એક્સપોર્ટ કવોલિટીના ડોઝ મહારાષ્ટ્રમાંથી ઝડપાયા છે.
  • રાજ્યમાં રેપીડ- એન્ટીજન ટેસ્ટ માટે 1 હજાર સેન્ટર ઉભા કરવા જોઇએ.

સગર્ભાએ SVP-LG વચ્ચે સારવાર માટે ઝોલાં ખાવા પડ્યાં હતાં
108ને ઇમરજન્સી સ્થિતિમાં દર્દીને પ્રાથમિકતા આપવી જોઇએ. એક સગર્ભા મહિલાને શહેરની એસવીપીમાં લઇ જવામાં આવી હતી. જોકે ત્યાં દાખલ કરવાને બદલે તેને એલજી હોસ્પિટલમાં લઇ જવા કહેવાયું, આવી સ્થિતિમાં પણ દર્દી બાય બાય ચાળણી જેવી સ્થિતિ
થાય છે.એમ જણાવી હાઇકોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

( Source – Divyabhaskar )