ફેસ્ટિવલ સિઝન-2022: ભાડામાં વૃદ્વિ છતાં પર્યટકોમાં દેશ-વિદેશમાં ફરવાનો અપાર ઉત્સાહ

ફેસ્ટિવલ સિઝન-2022: ભાડામાં વૃદ્વિ છતાં પર્યટકોમાં દેશ-વિદેશમાં ફરવાનો અપાર ઉત્સાહ

  • ભાડું વધવા છતાં ફ્લાઇટ, હોટલના સર્ચિંગમાં બમણોથી વધુ વધારો
  • તહેવારોની વચ્ચે સ્થાનિક ઇકોનોમી ક્લાસનું રિટર્ન ભાડું 8,585 રૂપિયા

દેશમાં ગત 1 સપ્ટેમ્બરથી તહેવારોની સીઝન જામી છે ત્યારે 30 નવેમ્બર સુધીના તહેવારો દરમિયાન અનેક પરિવારોમાં દેશ-વિદેશ ફરવા જવાનો ક્રેઝ વધ્યો છે. કોવિડ પૂર્વેના મુકાબલે ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડામાં 39% તેમજ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના ભાડામાં 38% વધારા છતાં 1 જુલાઇથી 20 ઓગસ્ટની વચ્ચે 2019ના મુકાબલે ફ્લાઇટના સર્ચમાં બમણાથી વધુ 118%નો વધારો થયો છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટના સર્ચમાં 143% તેમજ ડોમેસ્ટિક માટે સર્ચનો ટ્રેન્ડ 91% વધ્યો છે. જ્યારે દેશમાં જ હોટેલ બુકિંગ માટેની ઇન્ક્વાયરી પણ 98% વધી છે.

બુધવારે રજૂ થયેલા ઇન્ટરનેશનલ ટ્રાવેલ સર્ચ એન્જિન કાયકના રિપોર્ટ અનુસાર તહેવારોની સીઝનમાં ફ્લાઇટ્સના ભાડામાં 62% સુધીનો વધારો થયો હોવા છતાં પણ ભારતીય પર્યટકોનો ફરવા જવા માટેનો ઉત્સાહ યથાવત્ છે. કાયક અનુસાર તહેવારોની સીઝન દરમિયાન ડોમેસ્ટિક ઇકોનોમી ક્લાસ ફ્લાઇટ્સનું રિટર્ન ભાડું 8,585 રૂપિયા જ્યારે ઇન્ટરનેશનલ ઇકોનોમી ક્લાસનું સરેરાશ રિટર્ન ભાડું 56,332 રૂપિયા સુધી થઇ ગયું છે.

વર્ષ 2019ની તુલનામાં આ ફેસ્ટિવ સીઝન દરમિયાન વિદેશમાં 3 અથવા 4 સ્ટાર હોટલના ડબલ રૂપમાં એક રાતના ભાડામાં અંદાજે 22%નો વધારો થયો છે. જ્યારે દેશમાં અનેક હોટલોના ભાડામાં 25% સુધીનો વધારો જોવા મળ્યો છે.

ટોપ સર્ચમાં લોકપ્રિય ડેસ્ટિનેશન|
દુબઇ, બેંગકોક, લંડન અને સિંગાપોર

આ દેશના પર્યટકોમાં ભારત માટેનો વધુ ક્રેઝ| અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, કતાર, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર અને UAE

 

પર્યટકો દ્વારા આ શહેર માટે સૌથી વધુ સર્ચ
દિલ્હી, મુંબઇ, ગોવા, ચેન્નાઇ, કોચી, હૈદરાબાદ અને અમદાવાદ.