મને ગ્રીન કાર્ડ મળી ગયું છે, હવે મારું જેની સાથે અફેર છે, એની સાથે રહીશ એમ કહી બારડોલીની યુવતીને અમેરિકામાં પતિએ તરછોડી
- કુંભારિયાનો યુવક ઉમરાખની NRI યુવતી સાથે લગ્ન કરી અમેરિકા ગયો, ગ્રીનકાર્ડ મળતા ત્રાસ આપી મારઝૂડ કરી
- યુવતીએ વતન ઉમરાખ આવી પતિ અને સાસુ, સસરા તેમજ લગ્ન કરાવનાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી
બારડોલી તાલુકાનાં ઉમરાખ ગામની અમેરિકા સ્થાયી થયેલી યુવતીના લગ્ન ચોર્યાસી તાલુકાનાં કુંભારિયા ગામના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ યુવતીએ પતિને અમેરિકા બોલાવી અમેરિકાનો ગ્રીન કાર્ડ અપાવ્યો હતો. ગ્રીનકાર્ડ મળતા જ પતિએ જણાવ્યુ કે હવે મારે તારી કોઈ જરૂર નથી, જણાવી યુવતીને ત્યજી દેતા પતિ અને સાસુ, સસરા અને લગ્ન કરાવનાર વિરુદ્ધ યુવતીએ પોલીસમાં ફરિયાદ આપતા ગુનો નોંધાયો છે. બારડોલી તાલુકાનાં ઉમરાખ ગામે રહેતી સ્વાતિબેન પટેલના લગ્ન ચોર્યાસી તાલુકાનાં કુંભારિયા ગામના સમીરભાઈ પટેલએ વર્ષ 2016માં ગામના જ જતીનભાઇ કરસનભાઇ પટેલ સાથે કરાવ્યા હતા.
લગ્નના ત્રણ માસ બાદ સ્વાતિબેન પરત અમેરિકા ગઈ હતી. ત્યાં જઈ પતિના વિઝાની પ્રોસેસ શરૂ કરી હતી, જે સમય દરમિયાન પતિ સાથે અવાર નવાર ટેલિફોનિક સંપર્કમાં રહેતા હતા. બાદમાં પતિના વિઝા મળી જતાં જતિન પટેલ પણ અમેરિકા જઈ પોતાના સ્થાયી થયેલા માતા પિતાના ઘરે રહેવા આવી ગયો હતો. સ્વાતિબેન પણ અમેરિકામાં સાસરે ટેક્ષાક્ષ ખાતે પતિ તેમજ સસરા કરસનભાઇ પટેલ અને સાસુ કલ્પનાબેન સાથે રહેવા લાગ્યા હતા, જ્યાં થોડા સમય વીત્યા બાદ સ્વાતિબેનને નાની નાની વાતમાં પતિ જતીન પટેલ ઉતારી પાડતો હતો.
સ્વાતિબેન આ બાબતે સાસુ સાસરાને ફરિયાદ કરતાં, તેઓ પણ પોતાના દીકરાનો જ પક્ષ લઈ સ્વાતિબેનને ઠપકો આપતા હતા. જતિનનો ગ્રીન કાર્ડ આવતા જ પોતાની પત્નીને જણાવ્યુ કે મારે તારી કોઈ જરૂર નથી. હવે મને ગ્રીન કાર્ડ મળી ગયો છે. જેની સાથે મારુ અફેર છે એની સાથે રહીશ એમ જણાવી અવાર નવાર મારઝૂડ કરતો હતો. એક વખત કારમાંથી સ્વાતિબેનને રસ્તામાં ઉતારી ચાલ્યો ગયો હતો.
આખરે સ્વાતિબેન અમેરિકા પોતાના પિયરમાં થોડા સમય માટે રોકાયા હતા અને અમેરિકાની કોર્ટમાંથી પતિએ છૂટાછેડા માટે હાજર રહેવા માટેનો સમન્સ મોકલતા સ્વાતિ બેનને તેમના લગ્ન કરાવનાર સમીરભાઈ રમણભાઈ પટેલે ઈરાદાપૂર્વક જતીન પટેલના અમેરિકાનો ગ્રીન કાર્ડ મેળવા માટે તેના માતા પિતા સાથે મળી યુવતી સાથે છેતરપિંડી કરી હોવાનું માલુમ થતાં, તેઓ ગત તા. 04-10-2020ના રોજ ઉમરાખ વતનમાં પરત ફરી પતિ, સાસુ સસરા અને આગળ પડીને લગ્ન કરાવનાર સમીરભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી છે.