આપણે અઠવાડિયે ૧ ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક પેટમાં પધરાવી દઇએ છીએ!

આપણે અઠવાડિયે ૧ ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક પેટમાં પધરાવી દઇએ છીએ!

પ્લાસ્ટિક હવે ચિંતાનો વિષય બની ગયો છે, તેથી જ કેન્દ્ર સરકારે પણ તેની ગંભીરતા સમજીને વન ટાઇમ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા ઝુંબેશ ઉપાડી છે. અબુધ પ્રાણીઓનાં શરીરમાંથી બેફામ પ્લાસ્ટિક મળી રહ્યાંની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. હવે તો આપણા શરીરમાં પણ પ્લાસ્ટિક મળી આવવામાં માંડયું છે, તેથી જ આપણે માટે પણ એક ચેતવણીની સાયરન વાગી ગઇ છે. એક તાજા અભ્યાસમાં જણાયું છે કે આપણે એક અઠવાડિયામાં ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક અજાણતામાં જ પેટમાં પધરાવતા હોઇએ છીએ.

દર અઠવાડિયે શરીરમાં એકત્ર થતા પ્લાસ્ટિકના કણો

દર અઠવાડિયે આપણા શરીરમાં પ્લાસ્ટિકના ૨૦૦૦ નાના કણો જાય છે. મતલબ કે અઠવાડિયે પાંચ ગ્રામ પ્લાસ્ટિક આપણા શરીરમાં જાય છે. મતલબ કે આપણા શરીરમાં એક ક્રેડિટ કાર્ડ જેટલું પ્લાસ્ટિક જાય છે. વજનની વાત કરીએ તો પ્લાસ્ટિકની બોટલના ઢાંકણા જેટલું પ્લાસ્ટિક આપણા શરીરમાં જાય છે. ડબલ્યુ ડબલ્યુએફના અભ્યાસ પ્રમાણે તો ફક્ત પાણી વાટે જ શરીરમાં પ્લાસ્ટિકના ૧૭૬૯ કણો શરીરમાં જાય છે. ૧૮૨ પ્લાસ્ટિક કણો શેલફિશ ખાવાથી, ૧૧ મીઠામાંથી અને બિયરમાંથી ૧૦ કણો શરીરમાં જાય છે. મતલબ કે કુલ ૧૯૭૨ પ્લાસ્ટિકના કણો શરીરમાં જાય છે.

અભ્યાસ કરાયો

હવે તો પાણી અને માછલાંના આહારની સાથે સાથે આપણા શરીરમાં પણ પ્લાસ્ટિક જવા માંડયું છે. પ્લાસ્ટિક કેટલું શરીરમાં જાય છે, તે અંગે આ વર્ષની શરૂઆતમાં જ WWFના એક રિપોર્ટના તારણના આધારે રોઇટર્સે જુદા જુદા સમય દરમિયાન કેટલું પ્લાસ્ટિક આપણા શરીરમાં જાય છે, તેનું આકલન કર્યું છે. કદમાં પાંચ મિલીમીટર કે તેનાથી ઓછું કદ ધરાવતા હોય એવા પ્લાસ્ટિકના કણને માઇક્રોપ્લાસ્ટિક કહે છે. માઇક્રોપ્લાસ્ટિક ઉપરના ૫૦ અભ્યાસના ડેટાને લઇને આ અભ્યાસ કરાયો છે. એ અભ્યાસ પરથી ચિત્ર ગંભીર બને છે. કેટલું પ્લાસ્ટિક શરીરમાં જાય છે, તેનો અંદાજ કેવો મંડાયો છે, તેના ઉપર નજર કરીએ.

છ મહિનામાં ૧૨૫ ગ્રામ પ્લાસ્ટિક ખાઈએ છીએ

છ મહિનામાં આપણે ૧૨૫ ગ્રામ પ્લાસ્ટિકના કણ ગળી જઇશું. મતલબ કે આખો વાટકો ભરીને પ્લાસ્ટિક છ મહિનામાં શરીરમાં જમા થઇ જાય છે. પ્લાસ્ટિક બાયોડિગ્રેડ નથી. પરંતુ તે નાના નાના ટુકડામાં વિભાજિત થઇ જાય છે અને તે આહાર ચક્ર સહિત બધે જ ફેલાઇ જાય છે.

એક વર્ષમાં ૨૫૦ ગ્રામ પ્લાસ્ટિક ખાઈએ છીએ

એક વર્ષમાં આપણા શરીરમાં કુલ ૨૫૦ ગ્રામ પ્લાસ્ટિક જમા થઇ જાય છે. મતલબ કે એક ભુખ્યા માણસના ખોરાક જેટલું પ્લાસ્ટિક થઇ જાય છે. આ પ્લાસ્ટિક વિશે આપણને જાણ પણ હોતી નથી. એ માત્રામાં આપણા શ્વાસ દ્વારા હવામાંથી પણ માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં જાય છે. એ સાથે કોલસા અને ટાર જેવા અન્ય પ્રદુષકો પણ શરીરમાં જાય છે.

આપણા આહારમાં જતું માઇક્રોપ્લાસ્ટિક શરીરમાં શું કરી શકે છે?

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એન્વાયર્નમેન્ટ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત લેખ મુજબ માઇક્રોપ્લાસ્ટિકથી માનવીના સ્વાસ્થ્ય ઉપર શી અસર પડે છે, તેમાં જ્ઞા।નનો મોટો ખાડો પડે છે. સીફૂડ અને બીજા આહાર તેમજ પીવાનું પાણી અને હવા દ્વારા આપણા શરીરમાં પ્લાસ્ટિકના કણો જઇ રહ્યા છે. આમ છતાં તેની ગંભીર ઝેરી અસર પડે છે એમ મનાઇ રહ્યું છે. જો કે તેની સ્પષ્ટ અસર શી થાય છે, તે વિસ્તૃત રીતે જાણી શકાયું નથી અને તેને કારણે માનવી પર તેનું જોખમનું આકલન થવું જોઇએ.

રિપોર્ટનાં તારણો ચેતવણીરૂપ છે, ત્યારે વિશ્વની સરકારો જાગે એ જરૂરી : ડબલ્યુ ડબલ્યુ એફ

ગયા જુનમાં પ્રકાશિત નો પ્લાસ્ટિક ઇન નેચર રિપોર્ટમાં સરકારોને સમુદ્રમાં પ્લાસ્ટિકને ભળતું રોકવા માટે આંતરરાષ્ટ્રીય સંધિને કાયદેસર બંધનકર્તા અંગે સહમત થવા આહવાન કર્યું છે. WWF ઇન્ટરનેશનલ ડિરેક્ટર જનરલ માર્કો લેમ્બરટીની જણાવ્યું હતું કે, આ સમયે આ રિપોર્ટનાં તારણો સરકારો માટે ચેતવણીરૂપ ગણાવા જોઇએ. પ્લાસ્ટિક ફક્ત આપણા સમુદ્ર અને જળમાર્ગોને જ પ્રદૂષિત કરી રહ્યા છે એટલું જ નથી, પણ તે જળજીવનને પણ મારી રહ્યું છે. અને આપણા શરીરમાં પ્લાસ્ટિકને જતું રોકી શકાય એમ નથી. એ માટે આ કટોકટીને હાથ ધરવા માટે વૈશ્વિક પગલાં તાકીદે ભરવા જોઇએ.

આખી જિંદગીમાં શરીરમાં કેટલું પ્લાસ્ટિક એકત્ર થઇ જાય ?

હાલના દરે દર અઠવાડિયે ૧૯૭૨ કણ આપણા શરીરમાં જાય છે, જે ધ્યાનમાં લઇએ તો ૭૯ વર્ષમાં ૮૦ લાખથી વધુ કણ થયા ગણાય. મતલબ કે ૨૦ કિલો પ્લાસ્ટિક તમારા શરીરમાં જાય છે. એટલું પ્લાસ્ટિક એટલે બે રિસાઇકલ ડસ્ટબીન ભરાઇ જાય એટલું પ્લાસ્ટિક શરીરમાં જાય છે.

૧. જ્યારે દાહ બળવી શરૂ થાય ત્યારે શરીરના લોહીના કણ ઇન્ફેક્શનથી આપણને બચાવવા માટે કામ કરતા થાય છે. આ સામાન્ય સુરક્ષા આપતી પ્રણાલી – રોગ પ્રતિકાર શક્તિથી આપણા કોષોને નુકસાન થાય છે.

૨. શરીરમાં કંઇ પણ બહારનું પહોંચે એટલે તેના જવાબમાં આપણી રોગ પ્રતિકાર શક્તિ જાગૃત થતી હોય છે. એ શક્તિ પણ આપણા શરીરને નુકશાન કરે છે.

૩. શરીરમાં પ્રવેશતા અન્ય ઝેરોના પણ વાહક બને છે. માઇક્રોપ્લાસ્ટિક સામાન્ય રીતે પાણી દ્વારા શરીરમાં પહોંચે છે, તે ઝેર દ્રાવ્ય થતું નથી, તેથી માઇક્રોપ્લાસ્ટિકમાં પારો અને જંતુનાશક અને ડાયોક્સિન જેવાં રસાયણો જેવા જૈવિક પ્રદૂષકો પણ શરીરમાં જમા થાય છે, જે શરીરમાં કેન્સર પેદા કરી શકે છે. ઉપરાંત પ્રજોપ્તિ શક્તિ પર પણ અસર કરે છે. જો આ માઇક્રોપ્લાસ્ટિક શરીરમાં જાય તો ઝેર ફેટી ટિસ્યુમાં એકઠા થઇ શકે છે.