પત્ની જુગારમાં 12 લાખ હારી, દેવું ભરવા ઘરમાંથી ચોરી કરી
રાજકોટઃ હાર્યો જુગારી બમણું રમેની કહેવત માફક રાજકોટના સહકાર મેઈનરોડ પરના મેઘાણીનગર શેરી નં.૧૧માં રહેતી પત્તાપ્રેમી મહિલા એકતા અંકિતભાઈ ભીમાણી ઉ.વ.૨૬ ઘરના સાસરીયાના ૫.૬૦ લાખના ઘરેણા પણ ગીરવે મુકીને રાતોરાત ઘર છોડી પીયર અમદાવાદ ચાલી જતા છેતરાયેલા પતિ અંકિત અમૃતલાલ ભીમાણી ઉ.વ.૨૮એ જુગારી પત્ની અંકિતા સામે છેતરપિંડી, વિશ્વાસઘાત આચર્યાના આરોપસર ભક્તિનગર પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અમદાવાદ દોડી જઈ એકતાની ધરપકડ કરી પુછતાંછ હાથ ધરતા જંકશન વિસ્તારનું જુગાર નેટવર્ક પણ ખુલ્યું છે.
ફરિયાદની પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કરિયાણાના ધંધાર્થી અંકિતના લગ્ન ત્રણ વર્ષ પૂર્વે અમદાવાદના નારોલ વિસ્તારની હરિ દર્શન ચોકડી નજીકની ન્યુ ઈન્ડિયા કોલોનીમાં રહેતા જુનાગઢના સાપુર ગામના વતની એકસ આર્મીમેન કિશોરભાઈ મોહનભાઈ આરદેસણાની પુત્રી એકતા સાથે થયા હતા. દામ્પયત્ય જીવન સુખે ચાલતું હતું. ઘરના ઘરેણાઓ, રોકડ ઘરે કબાટના લોકરમાં રાખતા હતા જેની ચાવી જ્યા રહેતી એ એકતાને પણ ખ્યાલ રહેતો હતો. પત્ની એકતા નવરાત્રીના આઠમા નોરતે અચાનક જ ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. ક્યાં ગઈ તે ખ્યાલ ન હતો તપાસ કરતા એકતા પીયર અમદાવાદ પહોંચી હતી.
દરમિયાનમાં બીજા જ દિવસે અલ્કાબેન ઈમરાન નામની મહિલા એકતાના સાસરીયામાં મેઘાણીનગરમાં પહોંચી હતી અને એકતા દશથી બાર લાખની રકમ હારી ગઈ છે જે લેવાની છે કહીં ઉઘરાણી કરતા પતિ અંકિતે પોતાને પત્ની જુગાર રમતી હોવાનો કોઈ ખ્યાલ પણ ન હોવાનું જણાવ્યું હતું. જુગારમાં રકમ હાર્યાની વાતના પગલે કદાચિત ઘરમાંથી રકમ કે ઘરેણા નહીં લઈ ગઈ હોયની આશંકાએ જ્યાં ચાવી રહેતી ત્યાંથી લઈને કબાટ ખોલાતા અંદરથી ઘરેણા ગાયબ હતા. પત્નીને ફોન કરીને પુછતાં તેણીએ ઘરેણા ફાઈનાન્સમાં ગીરવે મુકી દીધાનું જણાવ્યું હતું.
પારિવારીક રીતે સમાધાનના પ્રયાસો થયા પરંતુ ઘરેણા પરત આવ્યા ન હતા અંતે અંકિતે પત્ની સામે ૫.૬૦ લાખની કિંમતના ઘરેણા ગીરવે મુકીને છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપી મહિલા નાસી ન છુટે એ માટે રાતોરાત જ અમદાવાદ જઈને અંકિતાને ઝડપી લીધી હતી.
તપાસનીસ પી.આઈ. વી.કે.ગઢવીના જણાવ્યા મુજબ આરોપી મહિલાએ પોતે શ્રાાવણ માસમાં જંકશન પ્લોટમાં કુખ્યાત ઈમરાન મેણુંને ત્યાં જુગાર રમવા જતી હોવાની કેફિયત આપી છે. મયુરી સોની નામની યુવતીના સંપર્કમાં આવ્યા બાદ ઈમરાનને ત્યાં જુગાર રમવા જતી હતી. મહિલાએ કરેલા આક્ષેપો અંગે મયુરી સોની, અલકા સહિતની પુછતાછ કરાશે. સાસરીયાના ૨૨ તોલા ઉપરાંત ૨૮ તોલા અન્યોનું મળી ૫૦ તોલા જેવું સોનું ગપસપ થયાની પણ પોલીસને માહિતી મળી છે.
રાજકોટમાં જ અભ્યાસ કરનાર મહિલાનો આક્ષેપ, નાણા આપ્યા ત્યારે સારૂ લાગતું હતું
ઘરેણા ગીરવે મુકી દેનાર આરોપી એકતાએ પોલીસ સમક્ષ એવું પણ કથન કર્યું હતું કે તે ૨૦૧૪ સુધી રાજકોટમાં પી.જી. તરીકે રહીને આત્મીય કોલેજમાં બીસીએ સુધીનો અભ્યાસ કર્યો હતો. જુગાર બાબતે સાસરીયા અજાણ હોવા અંગે કહ્યું કે પોતાને પતિ જ જુગાર સ્થળે મુકવા આવતો હતો, રકમ જીતીને ઘરે આપતી ત્યારે બધાને ગમતું જીતેલી રકમ પૈકી ત્રણ લાખ તો સાસરીયાઓએ વ્યાજે ચઢાવી દીધા હતા. આક્ષેપોમા તથ્ય કેટલું એ જાણવા પતિ, પત્ની બંનેને એકઠા કરીને પોલીસ પુછપરછ કરશે.
