શાળાઓમાં 5+3+3+4ની સિસ્ટમ લાગુ કરાશે, ગ્રેજ્યુએશન માટે 4 વર્ષ

શાળાઓમાં 5+3+3+4ની સિસ્ટમ લાગુ કરાશે, ગ્રેજ્યુએશન માટે 4 વર્ષ

। નવી દિલ્હી ।

કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિને મંજૂરી આપી દીધી હતી. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં સિંગલ રેગ્યુલેટર, ડિગ્રી અભ્યાસક્રમોમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ, એમ.ફિલ અભ્યાસક્રમો રદ કરવા, બોર્ડની હળવી પરીક્ષાઓ, યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામ સહિતના મહત્ત્વના સુધારા નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સામેલ કરાયા છે. છેલ્લે ૧૯૮૬માં રાષ્ટ્રીય શિક્ષણનીતિ ઘડવામાં આવી હતી અને ૧૯૯૨માં સુધારો કરાયો હતો. કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવાને પણ મંજૂરી આપી દીધી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સ્કૂલ એજ્યુકેશનમાં ધરમૂળથી બદલાવ કરાયો છે. સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી અનિતા કંવલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, શાળા શિક્ષણના માળખા અને અભ્યાસક્રમ વિદ્યાર્થીઓના વિકાસના વિવિધ તબક્કાઓમાં તેમના વિકાસ માટેની જરૂરિયાતો અને રસને સંબંધિત રહેશે.

૫+૩+૩+૪ ડિઝાઇન

  • ફાઉન્ડેશન સ્ટેજ ૩ વર્ષ આંગણવાડી-પ્રિસ્કૂલ વત્તા બે વર્ષ પ્રાઇમરી સ્કૂલમાં ધોરણ ૧ અને ૨ (૩ થી ૮ વર્ષ)
  • પ્રિપેટરી સ્ટેજ ધોરણ ૩ થી પાંચ (૮ થી ૧૧ વર્ષ)
  • મિડલ સ્ટેજ ધોરણ ૬ થી ૮ (૧૧થી ૧૪ વર્ષ)
  • સેક્ન્ડરી સ્ટેજ ધોરણ ૯ થી ૧૨, બે તબક્કા – ધોરણ ૯-૧૦ અને ધોરણ ૧૧-૧૨ (૧૪થી ૧૮ વર્ષ)

ધોરણ પાંચ સુધી માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષામાં જ અભ્યાસ

નવી નીતિ ધોરણ પાંચ સુધી માતૃભાષા, પ્રાદેશિક ભાષાના માધ્યમથી જ અભ્યાસ કરાવવાનો રહેશે. શાળાઓ ધોરણ ૮ સુધી અમલ કરી શકે છે. તમામ ધોરણોમાં સંસ્કૃત શીખવવામાં આવશે અને સેકન્ડરી સ્કૂલ લેવલથી વિદેશી ભાષાઓનો અભ્યાસ કરાવાશે.

હાયર એજ્યુકેશન

  • કાયદા અને મેડિકલ કોલેજો સિવાયની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે સિંગલ રેગ્યુલેટર
  • યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ એક્ઝામ
  • ખાનગી અને સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે એકસમાન નિયમો
  • કોલેજોની સંલગ્નતા ૧૫ વર્ષમાં સમાપ્ત થશે, કોલેજોને સ્વાયત્તતા માટે રાજ્યવાર વ્યવસ્થા ગોઠવાશે
  • દરેક કોલેજ ડિગ્રી આપતી સ્વાયત્ત કોલેજમાં તબદીલ થશે અથવા યુનિવર્સિટીનો હિસ્સો રહેશે
  • એમ.ફિલના અભ્યાસક્રમ રદ કરી દેવાયાં

અંડર ગ્રેજ્યુએટ ડિઝાઇન  વર્ષનો અભ્યાસક્રમ

  • વિદ્યાર્થીને મલ્ટિપલ એક્ઝિટ ઓપ્શનની સુવિધા
  • ૪ વર્ષનો અભ્યાસ કરશે તેને બેચલર ડિગ્રી અપાશે
  • બે વર્ષ બાદ અભ્યાસ છોડી દેશે તેને ડિપ્લોમા અપાશે- ૧૨ મહિના જ અભ્યાસ કરનારે વોકેશનલ-પ્રોફેશનલ અભ્યાસ કરવો પડશે

નવી શિક્ષણનીતિ હાઇલાઇટ્સ

  • શાળામાં ધોરણ ૬ થી વોકેશનલ શિક્ષણ અપાશે
  • સ્કીલ અને ક્ષમતાના આધારે રિપોર્ટ કાર્ડ અપાશે
  • શિક્ષણ સંસ્થાઓ પર ફીની મર્યાદા લદાશે
  • હાયર એજ્યુકેશનમાં વિષયોની છૂટછાટ રહેશે
  • પ્રાદેશિક ભાષાઓમાં ઇ-કોર્સ તૈયાર કરાશે
  • નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમની રચના કરાશે
  • વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે નેશનલ એસેસમેન્ટ સેન્ટર પરખની રચના ( Source – Sandesh )