અરજદારે કહ્યું – ખાતામાં ફક્ત 10 હજાર છે, પત્નીને ખાધાખોરાકી કઈ રીતે ચૂકવું, જજે કહ્યું – ભીખ માગો, ઉધાર લો, પૈસા આપવા જ પડશે

અરજદારે કહ્યું – ખાતામાં ફક્ત 10 હજાર છે, પત્નીને ખાધાખોરાકી કઈ રીતે ચૂકવું, જજે કહ્યું – ભીખ માગો, ઉધાર લો, પૈસા આપવા જ પડશે

  • દિલ્હી હાઈકોર્ટમાં બહાનાબાજી કરનારા પતિને જજે આકરી ફટકાર લગાવી
  • કોર્ટે કહ્યું- અમે તમને કંઈ ચોરી કરવાનું નથી કહેતા

નવી દિલ્હી. પત્નીને ખાધા ખોરાકી ન આપવી પડે તે માટે દિલ્હી હાઈકોર્ટમાં પતિએ તંગી હોવાનું તર્ક આપ્યું, પણ તેની ચાલાકી એળે જતી રહી. જજે એવો જવાબ આપ્યો કે અરજદારની બોલતી જ બંધ થઈ ગઈ. જજે તેને આકરી ફટકાર પણ લગાવી.

ખરેખર પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા એક પારિવારિક વિવાદને લીધે નીચલી કોર્ટે પતિને આદેશ આપ્યો હતો કે તે પત્નીને ખાધા ખોરાકી ચૂકવે. કોર્ટનો આદેશ છતાં પતિએ ખાધા ખોરાકી ન ચૂકવી. તેનાથી ઊલટ તેણે નીચલી કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. દિલ્હી હાઈકોર્ટના જજ હિમા કોહલીની કોર્ટમાં આ મામલે બુધવારે સુનાવણી શરૂ થઈ તો તેમણે અરજદાર પતિને પૂછ્યું કે તમારું શું કહેવું છે? તેના પર અરજદારે કહ્યું કે કોરોનાને લીધે આર્થિક સંકટ છે. તેના ખાતામાં ફક્ત 10 હજાર રૂપિયા પડ્યા છે. એવામાં ખાધાખોરાકી ચૂકવવી શક્ય નથી. કેમ કે પોતાની પાસે જ ગુજરાન ચલાવવા પૂરતી રકમ નથી.

જસ્ટિસ હિમા કોહલીએ અરજદારને આડેહાથ લેતાં કહ્યું કે ખરેખર તમારી પાસે પૈસા નથી? ભીખ માગો કાં ઉધાર લાવો પણ ખાધાખોરાકી તો ચૂકવવી જ પડશે. અમે તમને ચોરી કરવા ન કહી શકીએ કેમ કે અમે કોર્ટ ઓફ લૉ છીએ. પણ તમે આ જવાબદારીથી છટકી ના શકો. કોર્ટના વલણને જોતાં અરજદારે કહ્યું કે તેનો વકીલ પણ અહીં નથી. કાનૂની દલીલો વકીલ દ્વારા કરાશે. એટલા માટે તેમને આ મામલે પાસઓવર આપવામાં આવે. જસ્ટિસ કોહલીએ કહ્યું કે ઠીક છે, અમે તમારો આગ્રહ મંજૂર કરીએ છીએ.

અરજદારને લાગ્યું કે ચાલો હવે તો બચી ગયા. તે પછી કોર્ટને તેણે પૂછ્યું કે કેસમાં આગામી તારીખ કઈ અપાઈ છે? તેના પર જસ્ટિસ કોહલીએ અચરજ વ્યક્ત કરતાં કહ્યું કે આગામી તારીખ 20 મિનિટ પછી ફરી આવો. અમે આ કેસ પર સુનાવણી કરીશું. અરજદારે પ્રક્રિયાથી અજાણ્યા થવાનો પ્રયાસ કરતાં કહ્યું કે 20 મિનિટ? મેં તો કોર્ટથી આ કેસમાં પાસઓવર માગ્યું હતું. જસ્ટિસ હિમા કોહલીએ તેના પર નારાજગી વ્યક્ત કરતાં અરજદારને ફટકાર લગાવી અને કહ્યું કે પાસઓવરનો અર્થ એ છે કે તેમના કેસને અન્ય કેસ પછી આજે જ સાંભળવામાં આવે. 20 મિનિટમાં ફરી કોર્ટમાં આવો અને આ દરમિયાન તમારું ગણિત સુધારો. તે પછી અરજદાર કોર્ટમાંથી જતો રહ્યો હતો.