પહેલીવાર જુગાર રમતા પકડાયા તો પણ સરકાર ‘પાસા’માં જેલ ભેગા કરશે

પહેલીવાર જુગાર રમતા પકડાયા તો પણ સરકાર ‘પાસા’માં જેલ ભેગા કરશે

ગુજરાતમાં હવે એ દિવસો દુર નથી કે પહેલીવાર જુગાર રમતા ઝડપાયેલા વ્યક્તિ પરનો આરોપ સાબિત થયા પહેલા જ સરકાર તેને ‘પાસા’ હેઠળ ઓછોમાં ઓછા એક વર્ષ જેલમાં પુરવાનો આદેશ કરી શકશે ! મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ ૧૯૯૫ના ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટિ સોસિયલ એક્ટિવિટી એક્ટને સુધારવા શનિવારે ઈરાદો જાહેર કર્યો હતો. સાયબર ક્રાઈમ, ગેરકાયદે વ્યાજ વસૂલી, જાતિય સતામણીના કેસોના આરોપીઓને પાસા હેઠળ જેલભેગા કરવા નવી જોગાવાઈ ઉમેરીને આગામી સપ્તાહે વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં અસાજિક પ્રવૃતિઓ અટકાવવા વર્ષ ૧૯૮૫થી પાસા એક્ટ અમલમાં છે. આ કાયદા હેઠળ હાલમાં IPC, આર્મ્સ એક્ટ હેઠળ ગુનાઓ આચારનારાઓથી લઈને નાગરીક સમાજ અને વ્યવસ્થા માટે ભયજનક હોય તેવા, મિલકતો પચાવતા પ્રોપર્ટી ગ્રેબર, દારૂ સહિતના નશીલા દ્વવ્યોના ઓફન્ડર્સ, જુગારના અડ્ડા, દેહવિક્રય જેવા અનૈતિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા, ગૌવંશની હત્યા, ગૌ માંસની હેરાફેરી કરનારા અને બુટલેગર જેવા આરોપીઓની અટકાયત થાય છે. મુખ્યમંત્રી રૂપાણીએ હવે આ કાયદાને બદલવાનું મન બનાવ્યુ છે. તેમણે અગાઉ જુગારની પ્રવૃતિમાં સજા થયાના ત્રણ વર્ષમાં વ્યક્તિ ફરીથી ગુનો કરે તો જ પાસા હેઠળ કાર્યવાહી કરવાની જોગવાઈ હતી તે બદલીને હવે ”ગમે ત્યારે ગુનો આચરવામાં આવે ત્યારે” શબ્દ મુકવાનું નક્કી કર્યું છે. આ શબ્દફેરથી પોલીસ દ્વારા જુગારનો પહેલો જ કેસ નોંધવામાં આવે કે તુરંત જ સરકારને જુગાર ધારાના હેઠળના આરોપી સામે કેસ સાબિત થયા પહેલા જ જેલમાં પુરવાનો અધિકાર મળી જશે!

વ્યાજ વસૂલી, સાઇબર ક્રાઈમ અને જાતીય સતામણીમાં ‘પાસા’

વિધાનસભાના ચોમાસુ સત્ર વચ્ચે માંડ બે- ત્રણ સપ્તાહ જેટલુ જ અંતર રહ્યુ ત્યારે તંદુરસ્ત પ્રણાલી મુજબ કાયદો સુધારવા ચંૂટાયેલા ધારાસભ્યો સમક્ષ વિધેયક સ્વરૂપે મુસદ્દો રજુ કરવાને બદલે સરકાર ‘વટહુકમ’ બહાર પાડી રહી છે. મુખ્યમંત્રી આગામી સપ્તાહે કેબિનેટમાં તેને રજુ કરશે.

  • નાણાં ધીરધાર સંબધી ગુનાઓમાં પ્રકરણ-૯ હેઠળ શિક્ષાપાત્ર ગુના કે તેનો પ્રયત્ન કરનાર, તેમાં મદદગારકર્તા, લોન કે તેની વ્યાજ વસૂલીમાં મિલકતનો કબ્જો લેવામાં હિંસા, ધમકી આપનારાઓ સામે પણ પાસા હેઠળ કાર્યવાહી સુચવાઈ છે.
  • જાતિય સતામણી સંબંધી કેસોમાં IPC અને પોક્સો હેઠળના શિક્ષાપાત્ર ગુનો કે તેના પ્રયત્ન, મદદગારીમાં પણ પણ પાસા હેઠળ કાર્યવાહી થઈ શકશે.
  • સાયબર ક્રાઈમ વિષયના અપરાધોમાં પણ આરોપી સામે કેસ સાબિત થાય તે પહેલા જ સરકાર પાસા લાગુ કરીને જેલ હવાલે કરી શકશે.

( Source – Sandesh )