માન્ય PUC ન હોય તો વાહનનું રજિસ્ટ્રેશન અને RC રદ કે સસ્પેન્ડ થઈ શકે છે : સુપ્રીમ

માન્ય PUC ન હોય તો વાહનનું રજિસ્ટ્રેશન અને RC રદ કે સસ્પેન્ડ થઈ શકે છે : સુપ્રીમ

। નવી દિલ્હી ।

કોઈ વાહનધારકો જો પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC)નું માન્ય સર્ટિફિકેટ ન ધરાવતા હોય તો તેવા વાહનોનું રજિસ્ટ્રેશન અને RC રદ કે સસ્પેન્ડ કરવું જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું. કોર્ટે પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં લઈને પ્રદૂષણ નિયંત્રણનાં નિયમોનું પાલન નહીં કરતા વાહન ચાલકોને દંડ કરવા પર ભાર મૂક્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે માન્ય PUC નહીં ધરાવતા વાહનોને ફ્યૂઅલ નહીં આપવાનાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)નાં આદેશ સામે સ્ટે આપ્યો હતો અને તેને અમાન્ય ઠરાવ્યો હતો. કોર્ટે કહ્યું કે એનજીટી મધ્ય પ્રદેશ સરકારને રૂ. ૨૫ કરોડ જમા કરાવવા આદેશ આપી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેન્ટ્રલ મોટર વ્હિકલ એક્ટ ૧૯૮૯નાં નિયમ ૧૧૫ અને ૧૧૬માં પ્રદૂષણનાં નિયમોનો ભંગ કરનાર માટે દંડની જોગવાઈ છે. વાહનનું RC સસ્પેન્ડ કે રદ કરવાની અને વાહન માલિકને ૬ મહિનાની જેલ કે ૧૦,૦૦૦નાં દંડની પણ જોગવાઈ છે. વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ ૩ મહિના રદ કરવાની પણ જોગવાઈ છે.

ઓગસ્ટ ૨૦૧૫માં મધ્ય પ્રદેશ સરકારે ફ્યૂઅલ ન આપવાનાં NGના આદેશને કોર્ટમાં પડકારતા એનજીટીએ રાજ્ય સરકારને એક અઠવાડિયામાં રૂ. ૨૫ કરોડ જમા કરાવવા આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ બંને આદેશ પર રોક લગાવી હતી. માન્ય પીયુસી ન હોય તેવા વાહનોને એનજીટી ફ્યૂઅલ લેતા રોકી શકે નહીં. સેન્ટ્રલ મોટર વ્હિકલ સ ૧૯૮૯ કે NGT એક્ટ હેઠળ એનજીટી આવો કોઈ ચુકાદો આપી શકે નહીં.

મધ્યપ્રદેશ સરકારની અરજીનાં સંદર્ભમાં ચુકાદો

સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ સરકારની અરજીનાં સંદર્ભમાં ઉપર મુજબ ચુકાદો આપ્યો હતો. સેન્ટ્રલ ઝોન ભોપાલના ૨૧ એપ્રિલ ૨૦૧૫નાં એક આદેશને ગેરકાયદે ઠરાવીને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT) દ્વારા એવું ઠરાવવામાં આવ્યું હતું કે માન્ય પીયુસી વિનાનાં વાહનોની RC રદ કે સસ્પેન્ડ કરવી જોઈએ અને આવા વાહનોને ઈંધણ ન આપવું જોઈએ. NGના આ આદેશને મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

RC રદ કે સસ્પેન્ડ કરવાનાં આદેશને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો

સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ અરુણ મિશ્રા તેમજ જસ્ટિસ ઇંદિરા બેનરજીની બેન્ચે શુક્રવારે આ કેસની સુનાવણી વખતે નિયમોનું પાલન નહીં કરનાર વાહનોને ફ્યૂઅલ નહીં આપવાનાં NGના આદેશને અમાન્ય ઠરાવ્યો હતો પણ RC રદ સસ્પેન્ડ કરવાનાં મુદ્દાને માન્ય ગણ્યો હતો. આવા કિસ્સામાં વાહનનાં માલિક કે ચાલક સામે કાનૂની પગલાં લેવા પણ કોર્ટે ફરમાન કર્યું હતું.

( Source – Sandesh )