પકવાનનો બ્રિજ દિવાળી સુધીમાં બની જશે, વૈષ્ણોદેવી બ્રિજ ડિસેમ્બરમાં ખુલ્લો મુકાશે

પકવાનનો બ્રિજ દિવાળી સુધીમાં બની જશે, વૈષ્ણોદેવી બ્રિજ ડિસેમ્બરમાં ખુલ્લો મુકાશે

સરખેજથી ચિલોડા સુધી 44 કિમીમાં 7 નવા બ્રિજ બનશે

લૉકડાઉનને કારણે કન્સ્ટ્રક્શનનું કામ બે મહિના માટે બંધ રહ્યું અને ત્યાર બાદ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનને કારણે મર્યાદિત સંખ્યામાં કારીગરો સાથે કામ શરૂ કરાયું. જોકે તેને લીધે એસજી હાઈવે પર ઉજાલા સર્કલથી ચિલોડા સુધીના 867 કરોડથી વધુના સિક્સ લેન પ્રોજેક્ટમાં ત્રણથી ચાર માસનો વિલંબ આવી શકે છે. પ્રોજેક્ટ પૂરો થવાની નિયત તારીખ 31 માર્ચ, 2021 હતી, તેના બદલે હવે તે જૂન, 2021ના અંત સુધીમાં પૂર્ણ થશે.

ઉપરાંત પ્રોજેક્ટમાં વિલંબ,માલસામગ્રીમાં ભાવવધારો, મજૂરીમાં પણ વધારો જેવા કારણોસર પ્રોજેક્ટની કોસ્ટ અડધો ટકો જેટલી વધી છે. તેથી 800 કરોડ રૂપિયા અંદાજિત ખર્ચે પૂરો થનારા આ પ્રોજેક્ટના ખર્ચમાં હવે સરકારને ચાર કરોડ રૂપિયાનો ખર્ચ વધુ થશે. સરકારનાં સૂત્રોના જણાવ્યા અનુસાર શરૂઆતના સમયમાં તદ્દન લોકડાઉન હોવાથી બે મહિના જેટલા સમય માટે કામ બિલકુલ બંધ જ રહ્યું, ત્યારબાદ થોડા સમય પહેલા પંદર દિવસ માટે એક પ્રોજેક્ટના મજૂરોને કોરોનાનું સંક્રમણ લાગુ પડતાં કન્ટેઇનમેન્ટ ઝોન દાખલ થયો અને પંદર દિવસ વધુ કામગીરી ખોરંભે પડી, પરંતુ તમામ કોન્ટ્રાક્ટર્સને બને એટલું ઝડપથી કાર્ય પૂરું કરવા જણાવાયું હતું.

જોકે હાલના કામની પ્રગતિ જોતાં પકવાન સર્કલ, સાણંદ ચોકડી સર્કલ અને ઉંવારસદ ચાર રસ્તા પરના ઓવરબ્રિજ દિવાળી સુધીમાં પૂરા થઈ જશે. વૈષ્ણોદેવી સર્કલનો ઓવરબ્રિજ ડિસેમ્બરમાં લોકો માટે ખુલ્લો મુકાઈ શકે છે.

લૉકડાઉનને કારણે 4 માસનું એક્સ્ટેન્શન, પ્રોજેક્ટ કોસ્ટ અડધો ટકા વધી ગઈ
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર લોકોને તકલીફ ન પડે તે માટે જેમ જેમ જે કામ પૂરું થાય તે લોકોના ઉપયોગમાં મૂકવામાં આવશે. સંપૂર્ણ કામ પૂરું થાય પછી જ બધાંનું લોકાર્પણ કરવું તેવું નહીં કરાય, પણ નિશ્ચિત સમયમર્યાદામાં સ્ટેપ બાય સ્ટેપ બધાં બ્રિજ પૂરા કરી દેવામાં આ‌વશે. અડધા ટકા જેટલી પ્રોજેક્ટ કોસ્ટ વધી શકે છે. કોન્ટ્રાક્ટરને ત્રણથી ચાર મહિનાનું એક્સટેન્શન અપાયું છે, તેથી ઇન્ડેક્સના પ્રમાણમાં ખર્ચ વધે. કોન્ટ્રાક્ટ પ્રમાણે, આઇડિયલ મશીનરી સાથે કામ ચાલી રહ્યું છે.

( Source – Divyabhaskar )