NCBએ દીપિકા, શ્રદ્ધા કપૂર, સારા અને રકુલ સહિત સાતને સમન્સ પાઠવ્યાં, આજથી આકરી પૂછપરછ કરાશે

NCBએ દીપિકા, શ્રદ્ધા કપૂર, સારા અને રકુલ સહિત સાતને સમન્સ પાઠવ્યાં, આજથી આકરી પૂછપરછ કરાશે

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનમાં ૭ બોલિવૂડ એક્ટ્રેસિસનાં નામ સામે આવ્યા છે. જેમાં રકુલ પ્રિત, સારા અલી ખાન, દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, નમ્રતા શિરોડકર અને દિયા મિર્ઝાનો સમાવેશ થાય છે. NCB દ્વારા ડ્રગ્સ મામલે વધુ પૂછપરછ કરવા માટે દીપિકા પાદુકોણ, કરિશ્મા પ્રકાશ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, શ્રુતિ મોદી, શ્રદ્ધા કપૂર અને સિમોન ખંભાતાને સમન મોકલવામાં આવ્યાં છે. જેમાં ૨૪ સપ્ટેમ્બરનાં રોજ રકુલપ્રીતસિંહ, શ્રુતિ મોદી અને સિમોન ખંભાતાને NCBએ પૂછપરછ માટે બોલાવ્યા છે, ૨૫ સપ્ટેમ્બરનાં રોજ દીપિકા પદુકોણ અને તેની મેનેજર કરિશ્માની પૂછપરછ કરવામાં આવશે અને ૨૬મી સપ્ટેમ્બરે NCB શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાનની પૂછપરછ કરશે. બોલિવૂડની બીજી મોટી હસ્તીઓ કે જેઓ સામે ડ્રગ્સ સંબંધિત આક્ષેપ થયા છે. તેઓ પણ એનસીબીના રડારમાં છે. બીજી બાજુ ટેલિવૂડના સ્ટારની પણ સંડોવણીની ખબર આવી રહી છે. દરમિયાન ટીવી અભિનેતા અવગિલ તથા સનમ એનસીબી કચેરીએ પહોંચ્યા છે. આ બંનેએ નચ બલિએ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. આ ડ્રગ્સ વિવાદમાં બંનેનાં નામ સામે આવ્યાં છે. જાણકારો મુજબ, એનસીબીને અવગિલ તથા સનમ વિરુદ્ધ કેટલાક પુરાવા હાથ લાગ્યા છે. સવારના સમયે એનસીબીની એક ટીમે આ બંને કલાકારોના ઘરે રેડ કરી હતી. બંનેને એનસીબી કચેરીએ બોલાવીને પૂછપરછ હાથ ધરાઇ હતી.

ડ્રગ્સ કેસમાં ફિલ્મ પ્રોડયુસર્સ મધુ મન્ટેનાને સમન્સ

બોલિવૂડમાં ડ્રગ્સ રેકેટના સંદર્ભમાં ચાલી રહેલી તપાસ અંગે ફિલ્મ પ્રોડયુસર મધુ મન્ટેના તેનું નિવેદન નોંધાવવા મુંબઇ ખાતેના એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચ્યો હતો. એનસીબી દ્વારા મન્ટેનાને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તે બુધવારે સવારે ૧૧.૩૦ કલાકના અરસામાં સાઉથ મુંબઇ ખાતેના એનસીબી ગેસ્ટ હાઉસ પહોંચ્યો હતો. મન્ટેના વર્ષ ૨૦૧૬માં રજૂ થયેલી ફિલ્મ ઉડતા પંજાબના કો- પ્રોડયુસર્સ રહી ચૂક્યો છે. જાણકારો મુજબ, જયા સાહા સાથેની પૂછપરછ દરમિયાન તેનું નામ બહાર આવ્યું હોવાનું કહેવાય છે. એનસીબી દ્વારા સાહાને ફરી બુધવારે પૂછપરછ માટે તેડાવાઇ હતી.

દીપિકા બાદ મધુ મન્ટેનાની ડ્રગ્સ ચેટ : જયા સાહા પાસે વીડ મગાવતા હતા  

દીપિકાની ડ્રગ્સ ચેટ બાદ પ્રોડયુસર મધુ મન્ટેના વર્મા સાથે જયા સાહાની ડ્રગ ચેટ સામે આવી છે. આ ચેટ ૨૨ જૂન ૨૦૨૦૨ની છે. જેમાં મધુ મન્ટેના વર્મા જયા સાહા પાસે વીડની માગણી કરી રહ્યા હતા. મધુની આ માગનો જવાબ આપતા જયા સાહાએ કહ્યું હતું કે, ઠીક છે, વીડ મોકલી આપીશ. હવે એનસીબી બંનેને સામસામે બેસાડી ડ્રગ્સ ચેટ બતાવી પૂછપરછ કરશે. મધુ મન્ટેના જયાની કંપની ક્વાન સાથે પણ જોડાયેલા છે.

જયા સાહાની કબૂલાત । જયા સાહાની ડ્રગ્સ સંબંધે શ્રદ્ધા કપૂર, નમ્રતા શિરોડકર, રિયા ચક્રવર્તી સાથે ડ્રગ્સ અંગેની ચેટ સામે આવી ચૂકી છે. જયાએ જણાવ્યું કે, બોલિવૂડની ઘણી સેલિબ્રિટિઝ ડિપ્રેશનનો શિકાર છે. આ સેલિબ્રિટીઝને ખુશ કરવા માટે ડ્રગ્સ મોકલ્યું હતું. એનસીબીને શંકા છે કે, જયા ડ્રગ્સના સવાલ પર ગેરમાર્ગે દોરી રહી છે અને ક્લાઇન્ટને બચાવવાની કોશિશ કરી રહી છે.

મધુ મન્ટેના કોણ છે ?    મધુ મન્ટેના બોલિવૂડના મોટા પ્રોડયુસર છે. મધુના લગ્ન નીના ગુપ્તાની પુત્રી મસાબા સાથે થયાં હતાં. પરંતુ, બાદમાં બંને છૂટા પડી ગયા હતા. તે વિકાસ બહલ અને અનુરાગ કશ્યપની કંપની ફેન્ટમ ફિલ્મ્સમાં સાથે હતા. આ કંપનીએ ક્વિન તથા સુપર-૩૦ જેવી ફિલ્મ પ્રોડયુસ કરી હતી.

દીપિકા અને સારા ગોવાથી મંુબઈ પરત ફરશે

દીપિકા પાદુકોણ અને સારા અલી ખાનને NCB દ્વારા સમન મોકલ્યા બાદ તેઓ ગોવાથી પરત ફરી રહ્યાં છે. તેમજ દીપિકાની મેનેજર કરિશ્મા પ્રકાશ પણ શૂટનાં કામથી ગોવામાં હતી જે પણ મુંબઈ પરત ફરી રહી છે. જ્યારે કરિશ્માને NCBએ પૂછપરછ માટે બોલાવી હતી ત્યારે તેણે તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવ્યું હતું, જેથી NCBએ તેને પણ સમન મોકલ્યું છે. સારા અલી ખાન તેની માતા અમૃતા સિંહ સાથે ગોવાનાં ઘરમાં રહે છે, જ્યાંથી સારા પણ મુંબઈ પરત ફરશે.

૫૦થી વધુ સ્ટાર્સ, પ્રોડયુસર્સ, ડિરેક્ટર્સ NCBના રડાર પર, બોલિવૂડમાં ફફડાટ

શ્રદ્ધા તથા દીપિકા સામે એનસીબીને ઘણાં પુરાવા પણ મળ્યા છે. આ તબક્કે એનસીબી તેની તપાસ ફક્ત સુશાંત કેસ સુધી જ મર્યાદિત રાખવા નથી માગતી. હવે સમગ્ર ડ્રગ્સ સિન્ડિકેટનો ખાતમો બોલાવવાની તૈયારી છે. ૫૦થી વધુ સ્ટાર્સ, પ્રોડયુસર્સ, ડિરેક્ટર્સ NCBના રડાર પર છે. જયા સાહાએ કબૂલ્યું કે, તેણે શ્રદ્ધા માટે સીબીડી ઓઇલ મગાવ્યું હતું. ફાર્મહાઉસના વોચમેને પણ શ્રદ્ધા વિરુદ્ધ તેમનું નિવેદન નોંધાવ્યું છે.  બીજી બાજુ  સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર NCB દ્વારા સમન્સ પાઠવ્યા બાદ દીપિકા પદુકોણ ગભરાઈ ગઈ છે અને ગોવામાં જ તેણે વીડિયો કોન્ફરન્સ દ્વારા વકીલોની ૧૨ સભ્યોની ટીમ સાથે કાયદાકીય સલાહ લીધી હતી. દીપિકાનાં વકીલોની સાથે વીડિયો કોન્ફરન્સમાં રણવીર સિંહ પણ જોડાયો હતો.

સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસ માટે હવે ચોથી તપાસ એજન્સી ગ્દૈંછની એન્ટ્રી થઈ શકે

સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસમાં તપાસ આગળ વધી રહી છે. આ કેસમાં હવે કેન્દ્રની ચોથી તપાસ એજન્સીની એન્ટ્રી થઇ શકે છે. સીબીઆઇ, ઇડી, એનસીબી બાદ હવે એનઆઇએની પણ એન્ટ્રી થવાની શક્યતા જોવાઇ રહી છે.

રાજ્યો સાથેની તપાસ અને અધિકારીઓ સાથેની ચર્ચા બાદ ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકટ્રોપિક સબસ્ટન્સ એક્ટ ૧૯૮૫ની સેકશન ૫૩ હેઠળ તપાસની એનઆઇએ દ્વારા શક્યતા ચકાસાઇ રહી છે. અગાઉ સીબીઆઇ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન), ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) તથા એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) તપાસ હાથ ધરી ચૂકી છે. સુશાંતસિંહ રાજપૂત કેસમાં બોલિવૂડ અને ડ્રગ્સ એંગલ બહાર આવ્યા બાદ આ ડેવલપમેન્ટ થયું છે. ભારત તથા મુંબઇમાં ડ્રગ્સ સપ્લાય અંગે એનસીબીએ ઘણાં દેશની મદદ માગી છે. અગાઉ વર્ષ ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલા કેસમાં મુંબઇ કનેક્શન પણ ખૂલ્યું હતું. એનસીબી દ્વારા કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુએસ, યુકેની એજન્સીનો પણ સહકાર માગ્યો છે. એનસીબી દ્વારા બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત પંજાબની એક વ્યક્તિને પણ સમન્સ પાઠવ્યું છે. તપાસ દરમિયાન કોલંબિયા, મોઝામ્બિક રૂટથી પણ ભારતમાં ડ્રગ્સ ઘુસાડાતું હોવાની વિગતો આવી છે. પાકિસ્તાનથી પંજાબ રૂટથી તથા ગુજરાતના દરિયાકાંઠેથી પણ નશીલા પદાર્થ ઘુસાડાતા હોવાની વિગતો ખૂલી છે.

અભિનેત્રીના આરોપ બાદ અનુરાગ કશ્યપ સામે બળાત્કારનો ગુનો નોંધાયો

અભિનેત્રી પાયલ ઘોષ દ્વારા અનુરાગ કશ્યપ સામે કરેલા હેરસમેન્ટના આક્ષેપો બાદ મુંબઇ પોલીસ દ્રારા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ સામે બળાત્કારની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. અનુરાગ કશ્યપે તેને સંપૂર્ણપણે પાયાવિહોણા આક્ષેપ લેખાવ્યા છે. વર્સોવા પોલીસ સ્ટેશન ખાતે મંગળવારે રાતે એફઆઇઆર દાખલ કરવામા આવી છે. કલમ ૩૭૬ (૧) (રેપ), ૩૫૪ , ૩૪૧-૩૪૨ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે આગળની તપાસ કરવામા આવશે. સાત વર્ષ જૂની ઘટના સંદર્ભની તપાસમાં અનુરાગ કશ્યપને પૂછપરછ માટે તેડાવવામાં આવશે. અગાઉ અભિનેત્રીએ ઓશીવારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પરંતુ, ઘટના વર્સોવા પોલીસ સ્ટેશન હેઠળની હોઇ, ત્યાં ફરિયાદ નોંધાવવા જણાવાયું હતું. છેવટે ફરિયાદ નોંધાઇ છે. અનુરાગના વકીલે જણાવ્યું હતું કે, ખોટા આક્ષેપને કારણે તેમના કલાયન્ટ દુઃખી છે. આ તદ્દન ખોટા અને ઉપજાવી કાઢેલા આરોપ છે.