ચીનમાં ઓનલાઇન ખરીદાયેલાં 4000 કૂતરાં, બિલાડી, સસલાં મૃત મળી આવ્યાં

ચીનમાં ઓનલાઇન ખરીદાયેલાં 4000 કૂતરાં, બિલાડી, સસલાં મૃત મળી આવ્યાં

। બેઇજિંગ ।

ચીનમાં લગભગ ચાર હજાર કૂતરાં, બિલાડી, સસલાં અને અન્ય પ્રાણીઓ જુદા-જુદા બોક્સમાં મરેલાં જોવા મળ્યાં હતાં. આ પ્રાણીઓને પાળવા માટે ઓનલાઇન ખરીદવામાં આવ્યાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. પશુઓને સહાય કરતાં એક જૂથે આ માહિતી આપી હતી.

આ બિહામણી દુર્ઘટના મધ્ય ચીનમાં બની હતી કે જ્યાં લગભગ એક અઠવાડિયા સુધી આ પ્રાણીઓ અટવાયાં હતાં.  બચાવ કરનારાઓ માત્ર એક હજારથી વધુ સસલાં, હેમ્સ્ટર, કૂતરાં અને બિલાડીને બચાવી શક્યાં હતાં, પરંતુ તેઓ ૨૨મી સપ્ટેમ્બરે હેનન પ્રદેશમાં લુઓહેમાં ડોંગશિંગ સુવિધા ખાતે પહોંચે એ પહેલાં અન્ય પ્રાણીઓનાં મોત નીપજ્યાં હતાં. આ સ્વયંસેવકો આ જગ્યાએ પહોંચ્યા ત્યારે તેમણે જોયું હતું કે, પ્રાણીઓથી ભરેલા બોક્સ એકની ઉપર એક મૂકવામાં આવ્યાં હતાં.

યુટોપિયા એનિમલ રેસ્ક્યૂ નામની આ એનજીઓના એક સ્વયંસેવકે જણાવ્યું હતું કે, ‘અમે આ પહેલાં પણ બચાવ કામગીરી કરી છે, પરંતુ પહેલી વખત અમે આ પ્રકારની દુર્ઘટનાનો સામનો કર્યો છે.’