અમેરિકી પ્રમુખ ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત, વૈશ્વિક બજારોમાં ફફડાટ

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત, વૈશ્વિક બજારોમાં ફફડાટ

। વોશિંગ્ટન ।

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો હતો. પ્રમુખ ટ્રમ્પના અંગત સહાયક હોપ હિક્સ કોરોનાથી સંક્રમિત થયા પછી પ્રમુખ અને ફર્સ્ટ લેડીના ટેસ્ટ કરાયાં હતાં. હોપ હિક્સ ગયા સપ્તાહમાં સંખ્યાબંધવાર ટ્રમ્પ સાથે પ્રવાસ કરી ચૂક્યા હતા. પ્રમુખ ટ્રમ્પે ગુરુવારે મોડી રાત્રે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મારા અને ફર્સ્ટ લેડી મેલેનિયાના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. અમેરિકામાં નવેમ્બર મહિનામાં પ્રમુખપદની ચૂંટણી આવી રહી છે ત્યારે કોરોના સંક્રમણના કારણે ટ્રમ્પના પ્રચાર અભિયાનને મોટો ફટકો પડે તેવી સંભાવના છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે ક્વોરન્ટાઇન થવાની અને સારવારની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમેરિકામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે તેમ છતાં કોરોના મહામારીનો બદતર સમય પસાર થઇ ગયો છે તેવું અમેરિકી પ્રજાને સમજાવવાના ટ્રમ્પના પ્રયાસોને કોરોનાથી સંક્રમિત થવાના કારણે મોટો ફટકો પડયો છે. તાજેતરના ઇતિહાસમાં અમેરિકી પ્રમુખના આરોગ્ય પર ગંભીર પડકાર સર્જાયો હોય તેવી આ પ્રથમ ઘટના છે.

પ્રમુખ ટ્રમ્પના ડોક્ટરે જણાવ્યું હતું કે, અમેરિકી પ્રમુખ સ્વસ્થ છે અને તેઓ ફર્સ્ટ લેડી સાથે ક્વોરન્ટાઇનમાં રહીને પણ પ્રમુખ તરીકેને તેમની ફરજ સારી રીતે નિભાવી શકે છે. ડોક્ટર સીન કોનલેએ જણાવ્યું હતું કે, પ્રમુખ અને ફર્સ્ટ લેડી સ્વસ્થ છે અને ક્વોરન્ટાઇનના સમયગાળામાં તેઓ વ્હાઇટહાઉસમાં આવેલા તેમના નિવાસસ્થાનમાં જ સમય વીતાવશે. સારવાર દરમિયાન પ્રમુખ ટ્રમ્પ તેમની ફરજો બજાવતા રહેશે. ટ્રમ્પમાં કોરોનાનાં મધ્યમ લક્ષણો જોવા મળ્યા છે.

ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે અમેરિકી પ્રમુખ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના સંક્રમણના જોખમને ઓછું આંકવાની સજા ભોગવી રહ્યા છે. ટ્રમ્પ અને તેમનાં પત્ની કોરોનાની મજાક ઉડાવવા માટેની કિંમત ચૂકવી રહ્યાં છે.

૭૪ વર્ષની ઉંમર અને મેદસ્વિતા ટ્રમ્પ માટે ચિંતાનો વિષય

મેડિકલ નિષ્ણાતોએ જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય પરંતુ કોરોના સંક્રમણ તેમના માટે ચિંતાનો વિષય છે. ૭૪ વર્ષની ઉંમર, મેદસ્વિતા અને પુરુષ હોવાના કારણે તેમનું કોરોના સંક્રમણ ગંભીર બનવાની સંભાવના નકારી શકાય નહીં. નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો ૭૦થી વધુ વયના છે તેમનામાં અન્ય શારીરિક તકલીફોના કારણે કોરોના સંક્રમણ ભયજનક સાબિત થઇ શકે છે. ઉંમર વધવાની સાથે કોરોનાનું જોખમ પણ વધે છે.

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે ટ્રમ્પને શુભેચ્છા પાઠવી

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પને ઝડપથી સાજાપણાની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ઝડપથી સાજાપણું મળે અને સારા આરોગ્ય માટે શુભેચ્છા પાઠવું છું. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ અમેરિકાના ફર્સ્ટ કપલને સાજાપણાંની શુભેચ્છા પાઠવી હતી.

ક્રૂડ ઓઇલ, યુએસ સ્ટોક ફ્યૂચર્સ અને એશિયન બજારોમાં કડાકો

અમેરિકી પ્રમુખ કોરોનાથી સંક્રમિત થતાં જ ક્રૂડ ઓઇલ, યુએસ સ્ટોક ફ્યૂચર્સ અને એશિયાના શેરબજારોમાં શુક્રવારે કડાકો બોલી ગયો હતો. એસ એન્ડ પી ૫૦૦ અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ્સ માટેના ફ્યૂચર કોન્ટ્રાક્ટમાં ૧.૯ ટકાનો ઘટાડો થયો હતો. એશિયન બજારોમાં શાંઘાઇ અને હોંગકોંગના બજારોમાં કામકાજ ઘટી ગયાં હતાં. ટોક્યો સ્ટોક એક્સ્ચેન્જનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ ૦.૮ ટકા ઘટયો હતો. ઓસ્ટ્રેલિયાનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ એસ એન્ડ પી-એએસએક્સ ૨૦૦ ૧ ટકા ઘટીનેે ૫૮૧૬ પર બંધ રહ્યો હતો. સિંગાપોર, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાનાં શેરબજારોમાં પણ ઘટાડાનો પ્રવાહ જોવા મળ્યો હતો.  આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ૧.૦૫ ડોલર ઘટીને ૩૯.૮૮ ડોલર પ્રતિ બેરલ નોંધાઇ હતી.

વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સ અને પત્નીના ટેસ્ટ નેગેટિવ આવ્યાં

  • ગુરુવારે ન્યૂજર્સીમાં બેડમિન્સ્ટર ખાતે આયોજિત ચૂંટણી કાર્યક્રમમાં ટ્રમ્પ સો વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા.
  • ટ્રમ્પ અને સરકારની કામગીરીમાં અવરોધ નથી એ દર્શાવવા ટ્રમ્પ તરફથી એક વીડિયોરેકોર્ડેડ નિવેદન કે રાષ્ટ્રજોગ સંબોધનની સંભાવના
  • જો ટ્રમ્પ તેમની બીમારીના લીધે તેમની ફરજો નિભાવી નહીં શકે તો એવી સ્થિતિમાં વાઇસ પ્રેસિડેન્ટ પેન્સ તેમની જવાબદારી સંભાળી શકે છે
  • હજી સુધી એ સ્પષ્ટ નથી કે, ટ્રમ્પ તેમની બીમારીના લીધી ફરજો નિભાવી શકે એમ નથી એ કેવી રીતે નક્કી કરવું.
  • જો પ્રેસિડેન્ટ બીમાર થાય અને કેબિનેટ નક્કી કરે કે, તેઓ તેમની ફરજ નિભાવી શકે એમ નથી ત્યારે વાઇસ પ્રેસિડેન્ટને હંગામી ધોરણે સત્તા સોંપવા માટે એડ્મિનિસ્ટ્રેશનને અધિકાર છે.
  • જ્યોર્જ વોશિંગ્ટન ફ્લૂના રોગચાળા દરમિયાન મોતની નજીક પહોંચી ગયા હતા. જ્યારે વૂડ્રો વિલ્સન પેરિસમાં પ્રથમ વિશ્વ યુદ્ધ પછી શાંતિ મંત્રણા દરમિયાન ગંભીર રીતે બીમાર થયા હતા.