ગદ્દાર જયચંદો જવાબ આપે કે,  ૧૬-૧૬ કરોડમાં કોણ કોણ વેચાયું?’

ગદ્દાર જયચંદો જવાબ આપે કે, ૧૬-૧૬ કરોડમાં કોણ કોણ વેચાયું?’

। અમરેલી ।

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે ટ્વીટર પર ગદ્દાર જયચંદો જવાબ આપેના નામે જુદી જુદી પોસ્ટ કરીને ભાજપમાં ગયેલા ધારાસભ્યોનું નામ લીધા વગર તેમના પર નિશાન ટાંક્યું હતું ૧૬ કરોડમાં વેચાયાનો આક્ષેપ પણ કર્યો છે. ધાનાણીએ ટ્વીટમાં  જણાવાયું કે બેરોજગાર યુવાનોને નથી જડતી છોકરી, તમે શુંકામ કરી પાટલી બદલવાની નોકરી?, ઘરે ઘરે હતી મોંઘવારીની મોંકાણ, છતાંય કેમ થોપ્યો ચૂંટણીનો ભાર?, સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ રૂ. ૧૬-૧૬ કરોડમાં કોણ વેચાયું?, લોકશાહીની ખુમારીને પીઠમાં ખંજર કોણે ભોંક્યુ? સમગ્ર ગુજરાતનો સળગતો સવાલ કાળા ધનના કોથળે કોણ કોણ તોલાણું? જેવા સવાલો સાથે પોસ્ટનો ટ્રેન્ડ શરુ કર્યો હતો

હું વેચાયો નથી, મને ટિકિટનું વચન : જે.વી.કાકડિયા

કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં આવેલા ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાએ પોતાની સામે થયેલા આક્ષેપોનો જવાબ આપતા કહ્યું છે કે હું વ્યાપારી માણસ છું . હું વેચાયો નથી. આક્ષેપો કરનારા સાબિત કરી આપે કે હું ૧૬ કરોડમાં વેચાયો છું.મને ટિકિટનું વચન અપાયુ હતુ. કાં પૈસા મળતા હોય છે અથવા તો ટિકિટ મળતી હોય છે. હું ભાજપની ટિકિટ મેળવીને ચૂંટણી લડી રહ્યો છું.

મને પણ રૂ. ૫૨ કરોડની ઓફર મળી હતી : અક્ષય પટેલ

કરજણ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના પક્ષ પલ્ટુ અક્ષય પટેલે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે ભૂતકાળમા મને પણ ૫૨ કરોડ રૂપિયાની ઓફર મળી હતી. તમને ક્યારે અને કોણે ઓફર કરી હતી એવા પ્રશ્નના જવાબમાં તેઓ ગેંગે ફેંગે થઈ ગયા હતા. તેમણે જવાબમાં કહ્યું કે રાજ્યસભાની ચૂંટણી વખતે ઓફર થઈ હતી. જો કે એવુ પણ કહ્યું કે લોકસભાની ચૂંટણી વખતે. આમ ભાજપના ઉમેદવારના આવા જવાબને લઈને પણ નવો વિવાદ ઉભો થયો છે.