ગુજરાત અને દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અત્યંત ભયાનક : સુપ્રીમ કોર્ટ

ગુજરાત અને દિલ્હીમાં કોરોનાની સ્થિતિ અત્યંત ભયાનક : સુપ્રીમ કોર્ટ

। નવી દિલ્હી ।

દેશમાં કોરોનાના સતત વધી રહેલા કેસ અને કેટલાંક રાજ્યોની વણસી રહેલી સ્થિતિ સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી હતી. આ મુદ્દે સોમવારે એક સુનાવણી દરમિયાન કોર્ટે કેટલાંક રાજ્યોનો ઉધડો લીધો હતો. ખાસ કરીને ગુજરાત અને દિલ્હી સરકારને આખરી ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એમ. આર.શાહ અને જસ્ટિસ સુભાષ રેડ્ડીની ખંડપીઠે કોરોનાની સ્થિતિ અંગે ગંભીર નોંધ લેતાં ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર અને આસામને કોરોનાની વાસ્તવિક સ્થિતિ અને તેને કાબૂમાં કરવા માટે લેવાયેલાં પગલાં તથા આગામી આયોજનો અંગે બે દિવસમાં એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે જણાવ્યું કે, કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે છતાં ગુજરાત અને દિલ્હીમાં રાજકીય, સામાજિક મેળાવડા થાય છે, લગ્ન સમારંભોને પરવાનગી આપવામાં આવી રહી છે. કોર્ટે એમ પણ જણાવ્યું કે, ગુજરાતની સ્થિતિ મહારાષ્ટ્ર અને દિલ્હી કરતાં પણ ખરાબ છે. આ મુદ્દે હવે શુક્રવારે સુનાવણી હાથ ધરાશે.about:blank

જસ્ટિસ એમ.આર. શાહે ગુજરાત સરકારને ઝાટકી કાઢી : શું થઈ રહ્યું છે? 

જસ્ટિસ એમ.આર. શાહે સુનાવણી દરમિયાન ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ શાહે જણાવ્યું કે, ગુજરાતમાં શું થઈ રહ્યું છે? સરકાર દ્વારા કેવી રીતે નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે? અહીંયા કોરોનાના કેસ વધી રહ્યા છે છતાં લગ્નો, રાજકીય સમારંભોને પરવાનગી આપવામાં આવી રહી છે. આ વિશે કેવા પગલાં લેવામાં આવ્યાં છે? ગુજરાત તરફથી હાજર રહેલા વકીલને ટકોર કરી હતી કે, રાજ્ય સરકાર આ મુદ્દે તાકીદે કોર્ટ સમક્ષ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરે.

તૈયારીઓ યોગ્ય નહીં હોય તો ડિસેમ્બરની સ્થિતિ સ્ફોટક થશે 

ત્રણ જજની ખંડપીઠે જણાવ્યું કે, નવેમ્બરમાં જ આ રાજ્યોની આવી સ્થિતિ છે અને સારવારમાં પણ મોટી સમસ્યાઓ સર્જાઈ છે ત્યાં આગામી સ્થિતિ વધારે ભયાનક હોવાના ભણકારા વાગી રહ્યા છે. કોર્ટે ટકોર કરી હતી કે, નવેમ્બરમાં જ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને રાજ્યો દ્વારા યોગ્ય રીતે તૈયારી કરવામાં નહીં આવી હોય તો ડિસેમ્બરમાં તો સ્થિતિ વધારે કફોડી થઈ જશે. કોર્ટે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે, દિલ્હીમાં દર્દીઓ સાથે ગેરવર્તન કરવામાં આવે છે, દર્દીઓને યોગ્ય રીતે સારવાર પણ મળી રહી નથી. દિલ્હીમાં હાલત ખરાબ થઈ રહી છે. આ મુદ્દે રાજ્ય સરકાર તાકીદે સ્થિતિ સ્પષ્ટ કરે.

લોબીમાં શબ અને હોસ્પિટલમાં દર્દીઓ રઝળે છે : કોર્ટે 

કોર્ટે દિલ્હી સરકારનો ઉધડો લેતાં જણાવ્યું કે, મીડિયા અહેવાલમાં સામે આવ્યું છે કે, દિલ્હીની એક સરકારી હોસ્પિટલની લોબી અને વેઈટિંગ એરિયામાં મૃતદેહો રઝળતા પડયા હતા. મોટા ભાગના બેડ ખાલી છે છતાં દર્દીઓને ભટકવું પડે છે. રાજ્યમાં દર્દીઓ અને મૃતદેહો રઝળી રહ્યા છે જે ખૂબ જ ચિંતાજનક છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી પણ સ્પષ્ટતા માગવામાં આવી હતી.

કોર્ટને મૃતદેહો અંગે ચિંતા કરવી પડે તે ખેદજનક : તુષાર મહેતા

કેન્દ્ર સરકારના પ્રતિનિધિ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, માનવતા અંગે સુપ્રીમને ચિંતા કરવી પડે તે દુર્ભાગ્યપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે મૃતદેહો અંગે ચિંતા કરવી પડે તે ખેદનજક સ્થિતિ છે. સોલિસિટર જનરલે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા દિલ્હીમાં સ્થિતિ સુધારવા માટે તાકીદે પગલાં લેવામાં આવ્યા છે. આ મુદ્દે દેશની સ્થિતિ અને ખાસ કરીને દિલ્હીની સ્થિતિ દર્શાવતો સ્ટેટસ રિપોર્ટ પણ રજૂ કરી દેવામાં આવશે. બીજી તરફ ખંડપીઠે પણ કોર્ટની ચિંતા કરવા બદલ સોલિસિટર જનરલની સરાહના કરી હતી.