પાકિસ્તાની મહિલા પ્રેમ માટે ગેરકાયદે અ’વાદ આવી, 4 માસ અગાઉ પતિનું કોરોનાથી મોત, હવે જેલમાં!

પાકિસ્તાની મહિલા પ્રેમ માટે ગેરકાયદે અ’વાદ આવી, 4 માસ અગાઉ પતિનું કોરોનાથી મોત, હવે જેલમાં!

કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા હોતા નથી. અત્યાર સુધી ફિલ્મોમાં જોયું હશે પણ આવી એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. જ્યાં પ્રેમમાં પાગલ પાકિસ્તાની મહિલા લગ્ન માટે ભારતની સરહદ ગેરકાયદે પાર કરી ભારતમાં ઘુસી આવી હતી. પણ ચાર મહિના અગાઉ કોરોનામાં તેનાં પતિનું મોત નિપજ્યું હતું. અને ગેરકાયદે વસવાટ મામલે જાણકારી મળ્યા બાદ પોલીસે પાકિસ્તાની મહિલાને જેલ હવાલે કરી દીધી છે.

કેરોલ મૂળ પાકિસ્તાનના લાહોરની વતની છે. તે સોશિયલ મીડિયા દ્વારા અમદાવાદમાં રહેતાં સુજીતના સંપર્કમાં આવી હતી. અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે અમદાવાદના સુજીત સાથે લગ્ન કરવા માટે પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારતની સીમામાં પ્રવેશ કરી અહીં વસવાટ કરતી હતી. કેરોલ પોતાના બંને બાળકો સાથે સુજીતની મદદથી પાકિસ્તાનથી નેપાળ ગઈ અને ત્યારબાદ તે નેપાળથી ગુજરાત પહોંચી હતી. બંને એ કચ્છ ખાતે લગ્ન કર્યા હતા અને અમદાવાદના નવરંગપુરા ખાતે રહેતા હતા. તેણે વર્ષ 2018માં સુજીત સાથે લગ્ન કરી સુખી જીવન જીવતા હતા.

પરંતુ આ પ્રેમ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે પતિ સુજીતનું કોરોનાનાં લીધે મોત થયું. કેરોલ અહીં આવી ત્યારે તેના પૂર્વ લગ્નથી થયેલાં 2 બાળકો લઈને આવી હતી. તેના પાકિસ્તાનમાં પહેલા લગ્નમાં છુટાછેડા થઈ ગયા હતા. આ તરફ સુજીતના પણ છુટાછેડા થઈ ગયા હતા. જેને પણ એક દીકરી હતી. સુજીતનું 4 માસ અગાઉ કોરોનાના કારણે મોત થયું. જે બાદ સુજીતના પહેલા લગ્નનાં સાળાએ પોતાની ભાણેજને મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. એટલું જ નહીં તેણે સીઆઇડી ક્રાઈમ આઈબી ગૃહ વિભાગમાં પણ અરજી કરી હતી અને જાણ કરી હતી કે કેરોલ મૂળ પાકિસ્તાની છે અને ગેરકાયદે વસવાટ કરે છે. તેની ભાણેજ તેની સાથે છે અને તેનો કબ્જો મેળવવો છે.

જે બાદ એટીએસએ તપાસ કરી અને એસઓજીએ ફરિયાદ દાખલ કરી કેરોલની પૂછપરછ હાથ ધરી છે. કેરોલની નકલી દસ્તાવેજ અંગે પૂછતાં તે સુજીત માથે દોષનો ટોપલો ઢોળી રહી છે. હવે સુજીતનું મોત થઈ ચૂક્યું છે. જેથી પોલીસને એ દિશામાં તપાસ કરવામાં જહેમત ઉઠાવવી પડી રહી છે. તો પોલીસે કેરોલની ધરપકડ કરી ઘરનું સર્ચ કરતા 3 લોકર હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં એ લોકર અંગે તપાસ કરવામાં આવશે અને જાસૂસી કેસ હતો કે નહીં તે દિશામાં પણ તપાસ કરશે.

પોલીસ તપાસમાં એ ખુલાસો થયો છે કે કેરોલના પિતા પાકિસ્તાની સરકારમાં કર્મચારી હતા પણ કેરોલને અનાથ આશ્રમમાં મૂકી દીધી હતી. જે બાદ તેના પ્રથમ લગ્નમાં છુટાછેડા થઈ ગયા હતા. અને બાદમાં તે પ્રેમ પામવા સીમાડા વટી ભારત આવી ગઈ પરંતુ હવે આગળની જિંદગી જેલમાં ગુજારવી પડશે.