ભારત એશિયાનો સૌથી મોટો લાંચિયો દેશ, લાંચનું પ્રમાણ સૌથી વધુ 39 ટકા

ભારત એશિયાનો સૌથી મોટો લાંચિયો દેશ, લાંચનું પ્રમાણ સૌથી વધુ 39 ટકા

। નવી દિલ્હી ।

ભારતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના સરકારી દાવાઓ મધ્યે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના રિપોર્ટમાં ભારતને એશિયાનો સૌથી મોટો લાંચિયો દેશ ગણવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય વોચડોગ સંસ્થાના અહેવાલ અનુસાર એશિયામાં લાંચ આપવાનું સૌથી વધુ ચલણ ભારતમાં છે. સરકારી સુવિધાઓ મેળવવા માટે પોતાના અંગત સંબંધોનો ઉપયોગ કરનારા સૌથી વધુ લોકો પણ ભારતમાં જ છે. ગ્લોબલ કરપ્શન બેરોમીટર (જીસીબી)-એશિયાએ જણાવ્યું છે કે, ભારતમાં લાંચ આપનારા પૈકીના ૫૦ ટકા પાસે સામેથી લાંચ માગવામાં આવી હતી જ્યારે ૩૨ ટકા લોકોએ પોતાના અંગત સંબંધોનો ઉપયોગ કરી સરકારી સુવિધાઓ પ્રાપ્ત કરવા માટે લાંચ ચૂકવી હતી. તેમનું માનવું છે કે, જો લાંચ આપવામાં ન આવે તો તેમને આ સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે નહીં. જૂન-જુલાઈ ૨૦૨૦માં ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, એશિયામાં લાંચ આપવાનો સૌથી ઊંચો દર ૩૯ ટકા ભારતનો છે. તે ઉપરાંત સરકારી સુવિધાઓ મેળવવા માટે અંગત સંબંધોનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ભારતમાં ૪૬ ટકા છે. સરકારી સેવાઓમાં લાંચ ભારતને ખોખલો બનાવી રહી છે. જટિલ સનદી પ્રક્રિયા, બિનજરૂરી લાલ ફિતાશાહી અને અસ્પષ્ટ નિયમોના કારણે પાયાની સુવિધાઓ પ્રાપ્ત કરવા ઇચ્છતા નાગરિકોને અંગત સંબંધો અને ભ્રષ્ટાચારનો ઉપયોગ કરવાની ફરજ પડે છે.

ભારતમાં ભ્રષ્ટાચારના મામલા સામે અવાજ ઉઠાવવો પણ મુશ્કેલ છે. ૬૩ ટકા લોકો એમ માને છે કે, જો તેઓ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવશે તો તેમની સામે બદલાની ભાવનાથી કામ કરાશે. ૮૯ ટકા ભારતીયો માને છે કે સરકારી ભ્રષ્ટાચાર મોટી સમસ્યા છે. ૧૮ ટકા ભારતીયોએ સ્વીકાર્યું હતું કે, તેમને મત માટે લાંચ ઓફર કરવામાં આવી હતી. ૧૧ ટકા ભારતીયોને કોઈ કામ કરાવવાના બદલામાં સેક્સ પણ ઓફર કરવું પડે છે.

૭૩ ટકા ભારતીયો માને છે કે સરકારી એજન્સીઓ ભ્રષ્ટાચાર ડામવા સારી કામગીરી કરી રહી છે

ભારતમાં ભ્રષ્ટાચાર બેફામ હોવા છતાં ૬૩ ટકા ભારતીયો એમ માને છે કે, મોદી સરકાર ભ્રષ્ટાચાર પર લગામ કસવા માટે સારા પગલાં લઈ રહી છે. ૭૩ ટકા ભારતીયોનું માનવું છે કે ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીઓ ભ્રષ્ટાચાર ડામવા માટે સારી કામગીરી કરી રહી છે.

ભારતમાં ભ્રષ્ટાચાર અને લાંચનું ચિત્ર

  • ૩૯ ટકા લાંચનું પ્રમાણ એશિયામાં સૌથી વધુ
  • ૫૦ ટકા પાસે સામેથી લાંચ માગવામાં આવે છે
  • ૩૨ ટકા અંગત સંબંધો દ્વારા લાંચ ચૂકવી કામ કઢાવે છે
  • ૪૬ ટકા સરકારી કામો માટે અંગત સંબંધોનો ઉપયોગ કરે છે
  • ૬૩ ટકા માને છે કે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાના દુષ્પરિણામ આવે છે, ફરિયાદી સામે બદલાની કાર્યવાહી
  • ૮૯ ટકા માને છે કે સરકારી ભ્રષ્ટાચાર દેશની સૌથી મોટી સમસ્યા છે, પાયાની સુવિધા માટે પણ લાંચ આપવી પડે છે.